અમદાવાદની અવળચંડી ખાસિયતો !

અમદાવાદ નામનું આ શહેર માત્ર અહીંના ‘અમદાવાદી’ સ્વભાવ માટે જાણીતું છે એવું નથી. અહીં બીજી પણ વિચિત્ર ખાસિયતો છે ! જુઓ…

*** 

જ્યાં ગીચોગીચ ભીડ છે, સતત ટ્રાફિક જામ રહે છે, ફૂટપાથ ઉપર માંડ માંડ ચાલી શકાય એટલી જગા પણ નથી હોતી એ રોડનું નામ…

… ‘રીલીફ’ (રાહત) રોડ છે !

*** 

જ્યાં એક ‘લો’ કોલેજ છે. (કાયદાની કોલેજ) ત્યાં એક ‘લો’ ગાર્ડન પણ છે ! એ તો ઠીક, અહીંની સડકો ઉપર સૌથી વધુ ‘ગેરકાયદેસર’ લારી, ગલ્લા અને પાથરણાં જોવા મળે છે !

*** 

એ જ રીતે એક વિસ્તારનું નામ છે ‘દાદા સાહેબનાં પગલાં’… અહીં એ દાદાના પગલાં ક્યાં છે ? એ શોધી આપનાર માટે ઇનામ પણ નથી રાખ્યું ! બોલો.

*** 

એક ‘પાડાની પોળ’ છે, એ હવે એટલી સાંકડી થઈ ગઈ છે કે એક તંદુરસ્ત પાડો એમાં દાખલ થઈને બીજા છેડે નીકળી શકે તેમ નથી !

*** 

એક ટ્રાફિક સર્કલનું નામ ‘ઇન્કમટેક્સ’ સર્કલ છે ! બોલો. (આવું ‘આર્થિક’ નામ ગુજરાતીઓ જ પાડી શકે.) જોવાની વાત એ છે કે અહીં ગાંધીજીનું જે પૂતળું છે એની ઉપર માત્ર એક પોતડી જ બચી છે… 

(કદાચ એમ કહેવા માગે છે કે જો ઇન્કમટેક્સ ભરશો તો આટલું જ બચશે !)

*** 

અમદાવાદમાં એક ‘સરદાર પટેલ’ સ્ટેડિયમ પણ છે અને ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમ પણ છે. પરંતુ મજા જુઓ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ કરતાં મોટું છે !

*** 

અહીં ‘નહેરુ’ બ્રિજ છે, ‘ગાંધી’ બ્રિજ છે, ‘સરદાર બ્રિજ’ છે, ‘સુભાષ’ બ્રિજ છે, અરે, એક અંગ્રેજના નામે ‘એલિસ’ બ્રિજ પણ છે ! પરંતુ જ્યાં પગે ચાલીને સાવ મામૂલી માણસ જઈ શકે છે એનું નામ ‘અટલ’ બ્રિજ છે ! કેમ ભઈ ?

અને સૌથી વિચિત્ર વાત એ છે કે પગે ચાલીને જવા માટેના આ બ્રિજ ઉપર જવા માટે પગે ચાલતા માણસે ૫૦ રૂપિયાની ટિકીટ લેવી પડે છે !

*** 

અને આ શહેર માત્ર શહેર નથી ! એક વિચારધારા છે ! કઈ રીતે?

અરે સાહેબ, જે રીતે ‘સામ્યવાદ’ ‘મૂડીવાદ’ કે ‘રાષ્ટ્રવાદ’ હોય એ રીતે અહીં ‘અમદાવાદ’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments