બોલો... એવું કેવું ?

આ દુનિયામાં અમુક લોજિક અમને હજી સમજાતાં જ નથી ! જેમકે…

*** 

છોકરીઓને કહેવામાં આવે છે કે અજાણ્યા છોકરાઓ જોડે વાતચીત કરવી નહીં… પણ પછી એરેન્જ મેરેજ વડે એને સાવ અજાણ્યા છોકરા સાથે પરણાવી દેવામાં આવે છે !

બોલો, એવું કેવું ?

*** 

અમુક છોકરીઓ પોતે હોટ એન્ડ સેક્સી દેખાય એવાં કપડાં પહેરીને બહાર નીકળે છે… 

પણ પછી કોઈ એના સૌંદર્યને ‘એપ્રિશીએટ’ કરીને જોતો હોય તો એની ઉપર ગુસ્સે થઈ જાય છે ! એટલું જ નહીં, એની ફરિયાદ કરવા માટે એ જ વસ્ત્રોમાં ‘રીલ’ બનાવે છે… અને એકસ્પેક્ટ કરે છે કે લાખો લોકો એને ‘જુએ’ !

બોલો, એવું કેવું ?

*** 

અમુક છોકરીઓ ઓનલાઇન ઓર્ડર આપીને ડલબ-ચિઝ પિત્ઝા, લાર્જ સાઇઝ વેફર્સ અને પનીર મસાલા વિથ બટર નાન મંગાવે છે… 

પણ સાથે સાથે ‘ડાયેટ પેપ્સી’નો ઓર્ડર લખાવે છે !
બોલો, એવું કેવું ?

*** 

અમુક મહિલાઓ ફેસબુકમાં પોતાની અણીથી પાણી સુધીની એક્ટિવીટીના ફોટા અને રીલ્સ મુકે છે… 

પણ સાથે સાથે એકસ્પેક્ટ કરે છે કે મારી ‘પ્રાયવસીનો ભંગ’ ના થવો જોઈએ !

બોલો, એવું કેવું ?

*** 

એમ તો અમુક વડીલો પણ ‘આ મોબાઈલ કેટલો ખરાબ છે… મોબાઈલે સમાજને બરબાદ કરી નાંખ્યો છે… મોબાઈલ આવ્યા પહેલાં આપણે કેટલા આનંદમાં રહેતા હતાં…’ એવા બધાં મેસેજો મોબાઈલમાં જ મુકતા હોય છે !

બોલો, એવું કેવું ?

*** 

જે હિરોઈન પોતાની બ્યુટિશીયનને લાખોનો પગાર આપે છે, જેનાં તમામ કોસ્મેટિક્સ લંડન, પેરિસ અને ન્યુયોર્કથી આવે છે…

એ હીરોઈનો જાહેરખબરમાં ૨૦ રૂપિયાનું શેમ્પુનું પાઉચ બતાડીને કહે છે કે મારા વાળ આનાથી જ સ્મુધ અને ચમકીલા થાય છે !

બોલો, સાવ આવું ? હેં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments