‘સરકાર કહે છે કે ભારનતો જીડીપી ૭.૪ ટકા થઈ ગયો છે. શું આ આંકડો સાચો હશે ?’
અમારા સવાલના જવાબમાં રણઝણસિંહ બોલ્યા :
‘મન્નુડા ! તેં ઓલી વારતા હાંભળી છે, એક બ્રાહ્મણ અને ત્રણ ઠગવાળી ?’
‘જેમાં પેલા ઠગ બ્રાહ્મણને ખભે બકરીનું બચ્ચું નહીં, પણ કૂતરાનું બચ્ચું છે એમ કહીને ભરમમાં નાંખે છે, એ જ ને ?’
‘હા !’ રણઝણસિંહ બોલ્યા : ‘ઈ આજની આ શ્રેષ્ઠ રાજનિતી છે ! કે સતત સંકા ઊભી કર્યે રાખવી…’
‘સમજ્યો નહીં….’
‘જો, કાંઈ કેટલાંય વરસોથી વિપક્ષ કીધા કરે છે કે મોદી અભણ છે, કોઈ ડીગ્રી નથી લીધી… વગેરે… તો મારા ભાઈ, કોઇ ઇન્વેસ્ટિગેટીવ પત્રકારને મોકલીને પુરાવા કેમ નથી ગોતી લાવતા?’
‘વાત તો સાચી, હોં ?’
‘ઇ જે રીતે… ભાજપવાળા ગાણું ગાયા કરે છે કે સોનિયાજી તો બાર ડાન્સર હતાં ! તો વ્હાલીડાવ, જાવને ન્યાં વિદેશમાં, ને ગોતી લાવો કે કિયો બાર હતો ? કિયા શહેરની કઈ ગલીમાં હતો? લયાવો પુરાવા ? પણ ના..’
‘આ વાતેય ખરી હોં ?’
‘બસ, આ જ છે નવી ચાણક્ય નિતી ! જેનું નામ છે શક-નિતી ! છેલ્લાં પંદર વીસ વરસથી લઈ મંડ્યા છે કે ઓલ્યા ઈવીએમમાં વોટ -ચોરી થાય છે ! તો મારા વ્હાલીડાવ, કર્ણાટકમાં, કેરળમાં, આંધ્રમાં, તેલંગાણામાં, તામિલનાડુમાં વિપક્ષો શી રીતે જીત્યાં ? પણ શું છે… વારંવાર શંકાનો કકળાટ કર્યા કરો એટલે પરજાને ય થાય કે હાળુ કાંઈક તો ગડબડ હશે જ હોં ?’
‘મતલબ કે, આ જ નવી રાજનિતી છે, એમ ?’
‘હાસ્તો ? જો તમે સોશિયલ મિડીયામાં એવું ચલાવો કે મોદી સાહેબની તબિયત ખરેખર ખખડી ગઈ છે. શરીરમાં બહુ બિમારીઓ છે… આ તો વિડીયો પુરતો દેખાડો છે ! તો અડધા લોકોને શંકા થવાની જ છે !’
‘તો એનો ઉપાય શું ?’
‘શંકાનો જવાબ શંકા ! આ લોકો સામેથી એવું ચલાવશે કે રાહુલબાબા તો માનસિક રીતે બિમાર છે ! અને વારંવાર ગુપ્ત સારવાર કરાવવા માટે જ એ વિદેશ જતા રહે છે !’
‘હા, પણ આપણે સાચું શું માનવું ?’
જવાબમાં રણઝણસિંહે એક પ્રખ્યાત ગુજરાત કવિની પંક્તિઓ ઉચ્ચારી :
‘શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
વ્હાલીડા, રાજકારણનો આખો ખેલ હવે માત્ર શ્રધ્ધા અને શંકા વચ્ચે જ રમાઈ રહ્યો છે ! હકીકતો જાય તેલ લેવા…'
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment