ચાલો, મહિલા દિવસની ઉજવણી જોરશોરથી કરો, મોટાં મોટાં સંમેલનો કરો, સત્તર જાતની રીલ્સ બનાવો, પોસ્ટરો મુકો, સરઘસો કાઢો (એની પણ રીલ્સ બનાવો) છાપામાં ખાસ પૂર્તિઓ કાઢો…
અને ‘પુરુષ દિવસ’ ક્યારે આવે છે, એની હિન્ટ સુધ્ધાં ના આપો !? છતાં ચાલશે…
પણ યાર, તમે એડ. ફિલ્મો જુઓ ? એમાં પણ પુરુષોને આટલો બધો ઘોર અન્યાય ? દાખલા તરીકે…
***
‘ક્યા મર્દ કો દર્દ નહીં હોતા ?’ આઈ મિન, ક્યા મર્દ કો ‘કમર દર્દ’ નહીં હોતા ?
પુરુષો ગેસના બાટલા ઉંચકે છે, અનાજની ગુણો ઊંચકે છે, અરે, મોલમાં જાય ત્યારે બાળકોને પણ ઉંચકે છે ! છતાં કમર દર્દની એડ.માં બતાડે છે કોને ?
મહિલાઓને !
શું પુરુષોને કમર દર્દ થતું જ નથી ?
***
અચ્છા, જે એડ.માં પુરુષોને જ બતાડે છે એ શેની હોય છે ?
દાદ, ખસ, ખરજવું, ખુજલી…
ઓ હલો ! શું સ્ત્રીઓને ક્યાંય ચળ આવતી જ નથી ? (હા, શોપિંગની ચળ આવે છે ! પણ એનું કારણ પણ ટીવીની એડો જ છે !)
શા માટે એકપણ સ્કીન ડીસિઝની એડમાં મોડલ તરીકે મહિલા નથી હોતી ? નેશન વોન્ટ્સ ટુ નો…
***
અચ્છા, તમે જ કહો, શું સ્ત્રીઓને ઘૂંટણના દુઃખાવા થતા જ નથી ? હકીકતમાં તો દોઢ દોઢ લાખનાં ‘નવાં ઘૂંટણ’ નંખાવવામાં મહિલાઓ જ અગ્રેસર છે ! એ પણ દેખાદેખીમાં… કે પેલીએ ની-રિપ્લેસમેન્ટ કરાવ્યું ? તો મારેય કરાવવું છે !
છતાં ‘ઘૂટનોં કે દર્દ’ની એડ.માં બતાડશે કોને ? ડોસાઓને ! (ડોશીઓના તો ‘ડિસ્કો કરતાં’ રીલ્સ દસ-દસ મિલિયન વ્યુઝ લઈ જાય છે.)
***
અને છેલ્લે, ઇમાનદારીથી કહેજો… હરસ મસા ભગંદરની એડ.માં કોઈ સ્ત્રીને બતાડે તો, ‘સારું’ પણ ના લાગે ને ?
- તમે સમજો, પુરુષો કેટલો મોટો ‘ભોગ’ આપી રહ્યા છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment