દિલ્હીમાં ભવ્ય ‘બ્રિક્સ’ સંમેલન પછી અમુક લોકોએ ટીકા કરી છે કે ‘આ માત્ર ‘ઝપ્પી’ પોલીસીનું પ્રદર્શન છે !’ (ઝપ્પી એટલે ભેટવું.)
જોકે વાત ખોટી પણ નથી ! સાહેબે જેની જેની સાથે દોસ્તી કરી છે એ સૌએ ‘ધોખો’ જ આપ્યો છે ! જુઓ…
***
ડોનાલ્ડ ટ્રમ્પને અમદાવાદના વિશાળ સ્ટેડિયમમાં વાજતે ગાજતે તેડાવીને દોસ્તીનાં ઢોલ પીટ્યાં હતાં ! યાદ છે ?
પણ ટ્રમ્પે શું આપ્યું ? ભારતીય વિદ્યાર્થીઓ ઉપર બૂચ મારી દીધો ! ભારતીય માલ ઉપર ટેરીફ-ત્રાસ વરસાવ્યો ! અમેરિકામાં ભારતીયો ઉપર હેટ-ક્રાઈમ વધી ગયા…
છતાં એ ભાઈ મોદીજીને ‘ગ્રેટ ફ્રેન્ડ’ કીધા કરે છે ! બોલો.
***
કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડોને ભારતમાં પુરા એક સપ્તાહ માટે ‘લક્ઝુરિયસ ફેમિલી વેકેશન’ ગોઠવી આપેલું ! છતાં ટ્રુડોએ શું કર્યું ?
ત્યાં ખાલિસ્તાનીઓને માથે ચડાવ્યા ! એક પન્નુ નામનો માણસ ખુલ્લેઆમ ચોક્કસ તારીખે એર ઇન્ડિયાની ફ્લાઈટને ‘જોખમ’ છે એવી ધમકી પણ આપી ગયો ! એનો વાળ પણ વાંકો ના થયો ! બોલો.
***
પાકિસ્તાનના નવાજ શરીફની ભત્રીજીનાં લગ્નમાં તો સાહેબ વિમાન લઈને પહોંચી ગયેલા ! બદલામાં શું મળ્યું ? પઠાણકોટ અને ઉરી ઉપર આતંકવાદી હૂમલા ! બોલો.
***
બાંગ્લાદેશનાં શેખ હસીના ઉપર તો ભારત ઓળઘોળ હતું ! અબજો રૂપિયાની સહાય અને બિઝનેસ આપ્યો છતાં સરવાળે શું થયું ?
તખ્તાપલટ પછી આખું બાંગ્લાદેશ ભારતનું દુશ્મન ! એટલું જ નહીં, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ઉપર સતત હૂમલા…
***
બાકી રહ્યા હતા ચીનના સર્વેસર્વા જિનપિંગ સાહેબ… એમને તો સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હીંચકા ખવડાવેલા ! (સાથે ખમણ પણ !)
છતાં ડોકલામમાં ચીની સેના ઘૂસી જ ગઈ ! હજી બોર્ડર ઉપર ચંચૂપાત ચાલુ જ છે. ઉપરથી ‘બ્રિક્સ’માં જિનપિંગ સાહેબ જમ્યા વિના જ ચીન પાછા જતા રહ્યા ! (આને નારાજ ફૂફા ના કહેવાય ?)
***
બસ એક ‘મેલોડી’વાળાં મેલોનીબેન હજી છે ! એ ક્યારે આડાં ફાટે છે એની રાહ જોતા રહો… બીજું શું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment