ટ્રમ્પને કંઈક શીખવાડો !

અમેરિકામાં નવેમ્બરમાં મિડ-ટર્મ ચૂંટણીઓ આવી રહી છે. ટ્રમ્પે ઓલરેડી ભારતની કોપી કરીને દરેકને ૫૦૦૦ ડોલરની ‘રેવડી’ જાહેર કરી છે.

પણ ભૈશાબ, ચૂંટણીઓ ફક્ત રેવડી વડે ના જીતાય ! જરા અમારા લોકશાહી પાસેથી કંઈ શીખો ! આટલું કરો…

*** 

‘બૂથ છાપી નાંખો…’
આ અમારી જુની ફોર્મ્યુલા છે ! તમારા અમેરિકામાં તો હજી ઘણાં રાજ્યોમાં કાગળના મતપત્રકથી મતદાન થાય છે ને ? 

તો મતદાનના છેલ્લા કલાકમાં બૂથ પર હજારો મતદારો ધસી જાય! (સાચા કે જુઠા) અને અંધાધૂંધી મચાવીને મતપેટીઓ ધડાધડ છલકાવી  જ દેવાની ! હવે ગણો તમતમારે…

*** 

પોસ્ટલ વોટનું હથિયાર :
જ્યાં માંડ ૪૦-૫૦ ટકા વોટિંગ થાય છે ત્યાં બાકીના ૫૫ ટકા ‘નિષ્ક્રિય’ મતો આપણા બાપના જ છે ! 

જરા ‘એઆઈ’ વડે ચેક કરાવો કે કોણ કોણ ‘આળસુ’ મતદારો છે, જે બૂથ સુધી જતા જ નથી ? એમના નામે હજારોની સંખ્યામાં અગાઉથી જ ટપાલ વડે વોટ નંખાવી દો ? (આ પણ શીખવાડવું પડે ?)

*** 

ઘૂસણખોરોની વોટબેંક :
આ અમારી મમતાજીની ફોર્મ્યુલા છે ! તમારે ત્યાં ડેમોક્રેટ પાર્ટીવાળા પણ આ જ કરી રહ્યા છે ! 

તો એમના વોટ ‘કાપવા’ શી રીતે ? તો મતદાર યાદીમાંથી એમના નામો જથ્થાબંધ ભાવે ગાયબ કરી દો ! છતાં જે લોકો વોટ આપવા આવે એમનાં બૂથ ‘અવળ સવળ’ કરી દો ! બિચારા ચાર બૂથે ‘બાઈ બાઈ ચાળણી’ કરીને થાકી જશે ! છેવટે વોટ જ નહીં આપી શકે ! લેતા જાવ…

*** 

પોતાની વોટબેંકનું સો ટકા :
આ અમારી કોંગ્રેસની ફોર્મ્યુલા છે ! તમારો જ સર્વે કહે છે કે હજુ ૪૦ ટકા લોકો તમારી ફેવરમાં છે, તો ફરી ‘એઆઈ’ને કામે લગાડો ? 

તમારા એ તમામ ‘રાષ્ટ્રવાદી’ મતદારોને ઢંઢોળો ! જગાડો ! અને એમનું ૧૦૦ ટકા મતદાન કરાવવા માટે ઘેર ઘેર રીક્ષા મોકલાવો ! (સોરી, તમે વાન મોકલજો.)

જ્યાં મતદાન જ ૪૫-૫૦ ટકા થાય છે, ત્યાં સામટા ૪૦ ટકા વોટ મળે એટલે ? જીતવાની ગેરંટી છે બોસ ! (ભારતમાં આને ‘લઘુમતી ગેરંટી’ કહે છે.)

*** 

અધિકારીઓની બદલી :
હજી મોડું નથી થયું ! મુખ્ય ચૂંટણી અધિકારી ભલે રહ્યા, પણ જ્યાં જ્યાં તમારી દાદાગીરી ચાલે છે, એ તમામ બૂથો ઉપર તમારા માણસો ઘૂસાડો ?

શીખો, ટ્રમ્પ સાહેબ, ભારત પાસેથી કંઈ શીખો… અમે દુનિયાની સૌથી મોટી ‘લોકશાહી’ છીએ !

***

- મન્નુ શેખચલ્લી

Comments