ત્રણ ત્રણ બીરજુની માં.. 'મધર ઇન્ડિયા'

જરા કલ્પના કરો, આજે ઇમ્તિયાઝ અલી એમ કહે કે ‘વરસો પહેલાં મેં જે ‘સોચા ન થા’ નામની ફિલ્મ બનાવેલી. એ થોડી કાચી રહી ગયેલી, એટલે હવે મારે એ ફરીથી બનાવવી છે, તો એના માટે જરા ૧૫૦-૨૦૦ કરોડ રૂપિયા આપોને?’

તો કોઈ આપે ? ફાઈનાન્સરો તો એમ જ કહે કે ભાઈ, એ ફિલ્મ તો ફ્લોપ હતી ! એને ફરી બનાવવામાં શું મળશે ?

પણ મહેબૂબ ખાન નામનો માણસ જરા ઉલ્ટી ખોપડીનો હતો. (એ મૂળ દક્ષિણ ગુજરાતના બીલીમોરા શહેરના, હોં !) એમણે છેક ૧૯૪૦માં ‘ઔરત’ નામની એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બનાવેલી, જે ખાસ ચાલી પણ નહોતી. છતાં તેના ૧૫-૧૬ વરસ પછી મહેબૂબ ખાનને ધૂનકી ચડી કે એ જ ફિલ્મ મારે મોટા પાયે અને ‘ટેકનીકલર’માં બનાવવી છે !

આના માટે એમણે તે જમાનામાં ૨૫ લાખનું મૂડીરોકાણ પણ ઊભું કરેલું. શૂટિંગ લંબાતા લંબાતા ખર્ચો ૩૫-૪૦ કરોડે પહોંચી ગયેલો, છતાં એમને પાકી ખાતરી હતી કે આ ફિલ્મ સુપરહિટ થવાની, થવાની, ને થવાની !

વાત સાચી પણ પડી ! આજે સ્ટીવન શ્નડર નામના વર્લ્ડ સિનેમાના ખ્યાતનામ વિવેચકની ‘૧૦૦૧ મુવીઝ યુ મસ્ટ સી બિફોર યુડાઈ’ જે યાદી છે એમાં ‘મધર ઇન્ડિયા’નું નામ બડી ઇજ્જતથી ટોપ ૨૫૦માં લેવાયેલું છે !

અચ્છા, મહેબૂબ ખાનને પોતાની ૧૫-૧૬ વરસ પહેલાંની ટીમ ઉપર કેટલો જબરદસ્ત ભરોસો હશે કે એની વાર્તા, પટકથા અને સંવાદ લેખકો ઉપરાંત સિનેમેટોગ્રાફર પણ સેઇમ રાખ્યા હતા. અને હા, વ્યાજખોર વાણિયાના રોલમાં સુખીરામ તરીકે કન્હૈયાલાલ પણ રીપીટ થયેલા !

૧૯૫૭માં જ્યારે ‘મધર ઇન્ડિયા’ રીલીઝ થઈ ત્યારે હું તો મારી મમ્મીના ખોળામાં રમતો હતો એટલે તે વખતે તો ક્યાંથી જોઈ હોય ? પણ ’૭૦ના દશકમાં જ્યારે એ ફરીથી અમદાવાદની રૂપાલી ટોકિઝમાં ચકાચક કલર પ્રિન્ટ સાથે રીલીઝ થયેલી ત્યારે અમે પહેલીવાર જોઈને, ગુજરાતીમાં કહે છે તેમ, ‘અભિભૂત’ થઈ ગયેલા !

તે વખતે રાજકુમાર, રાજેન્દ્રકુમાર અને સુનીલ દત્ત તો બહુ મોટા સ્ટાર બની ગયેલા. ઇન્ટરવલ પડ્યો ત્યારે મારો એક ફ્રેન્ડ કહે ‘બોસ, જોજે ! હવે પેલો રાજકુમાર જે ઘર છોડીને જતો રહેલો, તે પાછો આવશે !’ 

મેં તે જ વખતે કહેલું કે ‘દોસ્ત, ફિલ્મ જે રીતે જઈ રહી છે, એ હિસાબે હવે રાજકુમાર પાછો નહીં જ આવે !’

જી હા, ‘મધર ઇન્ડિયા’ બની રહી હતી ત્યારે રાજકુમારની માંડ બે-ત્રણ ફિલ્મો આવેલી જેમાં એ ભાઈસાહેબ હિરો પણ નહોતા. ડીટ્ટો સુનીલ દત્ત. એમની પણ નવી નવી કરિયર હતી.

બાકી, એ કહાણી તો આજે સૌ જાણે છે કે ખેતરમાં રાખેલા સુકાં ઘાસમાં આગ લાગે છે એ દૃશ્યના શૂટિંગ વખતે પવનને કારણે આગ બેકાબૂ બની ગયેલી. ત્યારે નરગિસનો ‘દીકરો’ સુનીલ ધાબળો લઈને આગમાં ધસી ગયેલો અને ‘માં’ને બચાવી લીધેલી ! આમાં સુનીલ દત્ત પોતે બહુ ખરાબ રીતે દાઝી ગયેલા. પણ એ જ ઘટનાને લીધે નરગિસજી સુનીલજીના પ્રેમમાં પડ્યાં અને પરણી પણ ગયાં !

હવે આ ‘મધર’ના ત્રણ-ત્રણ દીકરાની કહાણી શું છે, ભૈશાબ ?

તો નરગિસનાં નાના અને માથા ફરેલ દીકરા બિરજુનો રોલ પહેલાં દિલીપકુમારને ઓફર થયેલો ! પણ આની અગાઉની ફિલ્મ ‘અંદાઝ’માં નરગિસ સાથે દિલીપ સાહેબ રોમેન્ટિક અંદાઝમાં હતા ! એટલે ખુદ દિલીપકુમારે ના પાડી.

એ પછી મહેબૂબ ખાને ‘ઇન્ટરનેશનલ’ કાસ્ટિંગ વિચારેલું ! જેમાં ભારતીય મૂળના હોલીવૂડ હીરો તરીકે જેણે ‘થિફ ઓફ બગદાદ’ ‘અરેબિયન નાઇટ્સ’ ‘કોબ્રા વુમન’ ‘મેન ઇટર કુમાઉ’ ‘જંગલ હેલ’ જેવી તિલસ્માતી હિટ ફિલ્મો આપેલી તેવા ‘સબુ દસ્તગિર’ નામના બ્રાઉન ચામડીવાળા હેન્ડસમ યુવાનને લેવાના હતા. 

સબુ દસ્તગિર આના માટે મુંબઈમાં આવ્યો પણ ખરો ! પણ અહીંની રેઢિયાળ ‘ચલતા હૈ’ ટાઈપની શૂટિંગ પદ્ધતિ જોઈને એણે માંડી વાળ્યું ! (આ હતો બીજા નંબરનો ‘બિરજુ’)

હવે ત્રીજા નંબરના બિરજુ બે હતા. કઈ રીતે ? એક તો સુનીલ દત્ત પોતે જ, અને બીજો તે સાજિદ ખાન નામનો મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેતો ટેણિયો ! જેણે બિરજુના બાળપણનો રોલ કરેલો !

આ સાજિદખાન એ ખુદ મહેબૂબ ખાનની શોધ હતી ! એક શૂટિંગ વખતે જે ભીડ ભેગી થયેલી એમાં આ ટેણિયો જે રૂઆબ અને રોફથી કમરે બે હાથ ટેકવીને ઊભો હતો એ જોઈને જ મહેબૂબ ખાને કહ્યું ‘મુઝે મેરા બિરજુ મિલ ગયા !’

તમે નહીં માનો, પણ બિરજુને એ જમાનામાં મહિને ૭૫૦ રૂપિયાનો પગાર મળતો હતો. (આજના ૭૫ હજાર થયા.)

એ સાજિદ ખાનને પાછળથી મહેબૂબ ખાને દત્તક લઈ લીધો હતો. અને એને હીરો તરીકે લોન્ચ કરવા માટે ખાસ્સી ખર્ચાળ ‘સન ઓફ ઇન્ડિયા’ બનાવી હતી. (‘મધર’ પછી ‘સન’ સમજ્યા ને?) પણ એ ફિલ્મ ઊંધે માથે પછડાઈ. મહેબૂબ ખાનની પણ એ પછી પડતી શરૂ થઈ.

છતાં સાજિદ ખાનની ત્યાંથી ચડતી શરૂ થયેલી ! એ ભારત છોડીને હોલીવૂડમાં ગયો હતો. (મધર ઇન્ડિયાનું વર્લ્ડ ડિસ્ટ્રીબ્યુશન કોલંબિયા પિકચર્સે કરેલું, ભાઈ !) હોલીવૂડમાં સાજિદ ખાનની ‘માયા’ (૧૯૬૬) નામની ફિલ્મ હિટ ગઈ ! ત્યાર બાદ એ જ નામથી ટીવી સિરીયલ બની ! એ પણ હિટ ! 

એ તો ઠીક, સાજિદભાઈ તે વખતે પોપ સિંગર પણ બની ગયેલા ! ‘ટીન એજ સેન્સેશન’ નામે મશહૂર થયેલા સાજિદ ઉપર ગોરી કન્યાઓ ફીદા હતી ! બોલો.

અને નસીબ જુઓ, ત્યાંથી આ જુવાનિયો પહોંચ્યો ફિલિપીન્સ ! જ્યાં હીરો તરીકે એણે ચાર પાંચ રોમેન્ટિક ફિલ્મો ત્યાંની ટોપ હિરોઈનો સાથે કરી ! 

જોકે ત્યારબાદ એને ‘ફોરેન રિટર્ન’ હિરો બનીને બોલીવૂડમાં ઝંપાલવવાનું મન થયું પણ અહીં ‘જિંદગી ઔર તૂફાન’ (૧૯૭૭) ‘જય માતાદી’ (પંજાબી ૧૯૭૭) અને ‘ડાકુ ઔર જવાન’ (૧૯૭૮) જેવી બી ગ્રેડ ફિલ્મો જ મળી. દરમ્યાનમાં મહેબૂબ ખાનનો સ્વર્ગવાસ થઈ ગયેલો એટલે સાજિદ ખાને કેનેડા બાજુ જઈને પાછા આવ્યા પછી મુંબઈમાં જ ‘આર્ટિસ્ટીક’ નામની જ્વેલરી શોપ ચાલુ કરેલી ! બોલો.

સાજિદ ખાનની પત્નીનું નામ ગુગલકાકા જણાવતા નથી. પણ એમનો દિકરો નામે સ્ટિફાનોસ યુકેમાં છે અને બીજો દીકરો સમીર હજી ભારતમાં છે. આ સાજિદ ખાન કેન્સર સામે લડત આપીને ૨૦૨૩માં દુનિયાને અલવિદા કરી ગયા…

જોકે 'મધર ઇન્ડિયા'ના ત્રણ બીરજુમાંથી એક સાથે જેનાં લગ્ન થયાં (સુનીલ દત્ત) એમણે કેન્સર સામે લડી રહેલી નરગિસનો છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવ્યો હતો.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં જ ઉત્તર પ્રદેશમાં ભયાનક પૂર આવ્યું હતું. જેનું રિયલ શૂટિંગ કેમેરામેન ફરદૂન ઇરાનીએ કરી લીધું હતું, જેમાંથી ઘણાં દૃશ્યો ‘મધર ઇન્ડિયા’માં ઉમેરી લેવાયાં હતાં.

* ‘મધર ઇન્ડિયા’ નામ પણ ભારતના એક ‘જવાબ’ તરીકે રખાયું હતું. કેમકે ૧૯૨૭માં ‘મધર ઇન્ડિયા’ નામનું એક અંગ્રેજી પુસ્તક પ્રગટ થયેલું જેમાં કેથરિન મેયો નામની લેખિકાએ ભારત વિશે અત્યંત અપમાનજનક વાતો લખી હતી.

* ફિલ્મનું એક ખાસ સ્ક્રીનિંગ જવાહરલાલ નહેરુ માટે દિલ્હીમાં યોજાયું હતું. પંડિતજીને ફિલ્મ બહુ પસંદ પડી હતી. ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. 

આ સન્માનના જવાબ સ્વરૂપે ૧૯૬૨માં ચીન યુદ્ધ વખતે મહેબૂબ ખાને ‘આવાઝ દો હમ એક હૈ’ દેશભક્તિનું ગીત ફ્રીમાં બનાવી આપેલું જે દેશભરના થિયેટરોમાં બતાડવામાં આવતું હતું.

* ‘મધર ઇન્ડિયા’ ઓસ્કાર માટે ભારત તરફથી સર્વપ્રથમ એન્ટ્રી હતી જે માત્ર એક વોટથી એવોર્ડ ચૂકી ગઈ હતી.

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. Excellent article! ઘણી બધી નવી અને તદ્દન અજાણી વાતો જાણવા મળી!

    ReplyDelete
  2. મારાથી હજી સુધી અજાણી રહેલી રોમાંચક વાતો તમે ઉજાગર કરી, લલિતભાઈ ! આપણી પેઢી માટે પણ એ ચોક્કસ સાચું જ હશે કે કેટકેટલી અવનવી વિગતો આજે પ્રત્યક્ષ આવી ઊભી ! મોજ પડી ગઈ, હો !

    ReplyDelete

Post a Comment