તમને આવું થાય છે ?

ઘટના બહુ જ નાની હોય, લોકોના ધ્યાનમાં પણ ના આવતી હોય, છતાં સાલુ, તમન બહુ ‘ઓકવર્ડ’ ફીલ કરાવે ! સાચું કહેજો, તમને પણ આવું થાય છે ?... જુઓ…

*** 

ભજીયું હાથમાં લઈએ ત્યારે ખાસ ગરમ ના લાગે પણ બટકું ભરી લીધા પછી મોં એવું દાઝી જાય કે ના તો ભજીયું ચાવી શકીએ, કે ના તો બહાર કાઢી શકીએ, કે ના તો ગળી શકીએ !

- બોલો આવું થાય છે ને ?

*** 

સલુનમાં વાળ કપાવી લીધા પછી અરીસામાં જોએ ત્યારે બધું બરોબર લાગે છે, પણ ઘરે આવ્યા પછી, માથું ધોઈને જ્યારે વાળ ઓળીએ છીએ ત્યારે… સાલા, વાળ કંઈક જુદા જ લાગે છે !

- બોલો, આવું થાય છે ને ?

***  

ટ્રેનની ટિકીટ માટે, એરપોર્ટ પર ચેક-ઈન માટે કે ટોલ ટેક્સ આગળ જે ચાર પાંચ લાઈનો હોય એમાંની સૌથી ટુંકી લાઈનાં ઊભા રહ્યા પછી તરત જ કોઈ ભેદી કારણસર ‘બીજી’ લાઈનો ફટાફટ ચાલવા લાગે છે !

- બોલો, આવું થાય છે ને ?

*** 

તમે ટોઇલેટમાં બેઠા હો એ જ વખતે કોઈ મહત્ત્વની પાર્ટીનો મિસ-કોલ આવી જાય… તમે બહાર આવીને કોલ કરો ત્યારે એ પાર્ટી બાથરૂમમાં હોય… અને જ્યારે તમે હવે નહાવા માટે જાઓ ત્યારે જ એ પાર્ટીનો ફરી મિસ-કોલ આવે !

- બોલો, એવું થાય છે ને ?

*** 

અરે, ઘરમાં બીજા બધા લોકો ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે એકનું એક મચ્છર માત્ર તમારા જ કાન પાસે આવીને ગણગણ્યા કરતું હશે !

- બોલો, આવું થાય છે ને ?

*** 

બાકી ‘સ્વર્ગીય રાજીવ ગાંધી’ને બદલે ‘સ્વર્ગીય રાહુલ ગાંધી’ બોલી જવાની ઘટના તો…

- બોલો, કોંગ્રેસીઓમાં થાય જ છે ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments