ઠેર ઠેર દેખાતા નમૂના !

અમુક નમૂનાઓ મ્યુઝિયમમાં નહીં, પણ આપણી આસપાસ જ હોય છે ! ફક્ત એટલું જ કે આપણે ક્યારેક ધ્યાન નથી હોતું ! બાકી, તમે જોજો કે…

*** 

તમે મંદિરમાંથી બહાર આવતા હો ત્યારે તમને કોઈ પૂછશે : ‘દર્શન કરવા આવ્યા હતા ?’

(ના, પત્તાં રમવા આવેલો !) શું કહેવું આમને ?

*** 

ફોન કરીને પૂછશે ‘બે મિનિટ વાત થશે ને ?’ પછી અડધો કલાક સુધી લપ કર્યા કરશે પણ ફોન નહીં મુકે ! આવા નમૂના તો રોજ મળશે…

*** 

અમુક નમૂનાઓ વારંવાર બોલ્યા કરશે કે ‘તમે લખી રાખજો…’ પણ એ પોતે ક્યાંય કશું ‘લખીને’ રાખતા નથી !

*** 

અચ્છા, ‘અડધી રાતે મારું કામ પડે તો ફોન કરજો બોસ !’ એવું કહેનારા નમૂનાને તમે ભરબપોરે ફોન કરશો તોય ફોન નહીં ઉપાડે !

(લખી રાખજો…)

*** 

અમુક લોકો ‘… અને બીજી એક વાત !’ ‘… અને હજી બીજી એક વાત !’ એમ એમ કહેતાં સત્તર વાતો કહી નાંખે છે ! છતાં અઢારમી વાત કહેતાં પહેલાં બોલશે : ‘… અને બીજી એક વાત!’

*** 

અને અમુક નમૂના પચ્ચીસ જાતની વાહિયાત વાતો કર્યા પછી પણ કહેતા હોય છે : ‘ના ના, આ તો એક વાત થાય છે !’

*** 

બાકી, સમારંભોમાં તમે માર્ક કરજો, ‘બે શબ્દો’ બોલવા માટે ઊભો થયેલો વકતા, પુરા એક કલાક સુધી બોલ બોલ કર્યા પછી કહે છે :

‘આમ તો આ વિષય ઉપર આખું પુસ્તક લખી શકાય… પરંતુ, સમયના અભાવે, જો ટુંકાણમાં કહું તો…’

એમ કહીને બીજો પોણો કલાક ખેંચી કાઢશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments