શરીર છે કે સરકારી ખાતાં ?

૬૦ વર્ષની ઉંમર પછી આપણું શરીર ધીમે ધીમે સરકારી ખાતાંઓ જેવું થતું જાય છે ! શી રીતે ? જુઓ…

*** 

સૌથી પહેલી વાત તો એ કે શરીરના જુદા જુદા વિભાગોનું એકબીજા સાથે કોઈ સંકલન જ નથી !

*** 

સવારે ઊઠીને બધાને ‘ભેગાં’ કરવામાં જ પાંચ મિનિટ જતી રહે છે… આંખોએ હજી હાજરીના રજિસ્ટરમાં સહી નથી કરી. .. ઘુંટણ મિટિંગમાં આવવાની જ ના પાડે છે… બ્લેડર (મૂત્રાશય)ને ‘અરજન્ટ’ ક્યાંક જવું છે.. પણ કમર આજે રજા પર હોય એવું વર્તન કરે છે… અને મગજ ? એ હજી ઓશિકામાંથી બહાર જ નથી નીકળી રહ્યું !

*** 

ઘણીવાર એવું થાય છે કે જીભ, દાંત અને હાથ ઓવરટાઈમ કરી નાંખે છે ! પણ હોજરીમાં વધારે પડતા સ્ટોકનો ઓવરલોડ થવાથી ફાઈલો અવળી સવળી થઈ જાય છે…

એમાંય એ ફાઈલો જ્યારે આંતરડાંમા પહોંચે છે , ત્યાં ‘હડતાલ’ છે ! ફાઈલ ખસતી જ નથી !

*** 

બ્લડ કોલોસ્ટ્રોલ વારંવાર હાર્ટને ‘મેમો’ મોકલે છે.. હાર્ટ હોજરીને ‘નોટિસ’ મોકલે છે.. પણ હોજરી એ નોટિસો ઉપર જીભને મોકલવાને બદલે પતે જ ‘પચાવી’ જાય છે ! કેમકે આ એક જ ડિપાર્ટમેન્ટ એવું છે ત્યાં ‘ખાયકી’ વધી ગઈ છે !

*** 

આટલાં વરસો સુધી મગજની બોસગિરી બધાએ ચલાવી લીધી હતી પણ હવે એ બોસનું કહ્યું કોઈ માનતું નથી ! બોસ બધાને ખખડાવી નાંખે છે પણ મગજ એ તો જાણે હાઈકોર્ટ હોય તેમ સરકારી તંત્રો એને ગણકારતાં જ નથી !

*** 

આંખો નાઈટ ડ્યૂટીમાં સપનાં જોઈને થાકેલી હોવાથી દિવસની ડ્યૂટીમાં લોચા મારે છે ! ‘કાનપુર’માં તો વારંવાર હડતાલો જ પડતી રહે છે. ફેફસામાં ટ્રાફિક જામ (કફ) થાય તો બહારથી પોલીસ (દવાઓ) બોલાવવી પડે છે. બોલો.

*** 

સૌથી ખરાબ હાલત ‘માહિતી અને પ્રસારણ’ ખાતાની હોય છે ! કેમકે માહિતી આપનારાં તંત્રો, આંખ અને કાન પેન્શન પર ચાલી રહ્યાં છે અને પ્રસારણ ખાતું (ગળું) એની ઉપર શ્રીમતીજીએ ‘બંધનું એલાન’ આપી રાખ્યું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments