'ચાઈના ટાઉન'... 'ડૉન' અને 'કાલીચરન'ની માં ?

જીહા, તમે લેખનું હેડિંગ બરાબર જ વાંચ્યું ! તમને થતું હશે કે છેક ૧૯૬૨માં આવેલી શક્તિ સામંતની ‘ચાઈના ટાઉન’ સલીમ જાવેદની ‘ડોન’ અને સુભાષ ઘાઈની ‘કાલીચરન’ની મા કઈ રીતે થઈ ? તો સાંભળો…

‘ડોન’ની સ્ટોરી શું છે ? એક ખતરનાક ડોન મરી જાય છે પણ એની જગ્યાએ પોલીસવાળા એના જ જેવા દેખાતા એક સડકછાપ ગવૈયાને ઘૂસાડી દે છે. રાઈટ ?

એ જ રીતે ‘કાલીચરન’માં એક જાંબાઝ ઇન્સ્પેક્ટર મરી જાય છે. પણ એ વાત છૂપાવીને એની જગ્યાએ એના જ જેવા દેખાતા એક ખૂંખાર કેદીને શોધીને, ઇન્સ્પેક્ટર બનાવીને ઘૂસાડી દે છે. બરોબર ?

હવે ‘ચાઈના ટાઉન’માં શું છે ? એક શમ્મીકપૂર (મેક) જે સ્મગલિંગ ગેંગનો શાતિર મેમ્બર છે,. એ પોલીસના હાથે ઝડપાઈ જાય છે. તેની જગ્યાએ બીજો શમ્મીકપૂર (શેખર), જે ક્લબોમાં ગાયન ગાય છે, તેને ગેંગમાં ઘૂસાડી દેવામાં આવે છે !
હવે બોલો, આ તો સેઈમ જ સ્ટોરી થઈને ? 

ફરક અહીં એટલો જ, કે ફિલ્મ ૨૫ ટકા ચાલે ત્યાં તો આ ગાયક શમ્મીકપૂરને ખબર પડી જાય છે કે પેલો ગેંગસ્ટર તો એનો ‘જુડવાં ભાઈ’ છે ! ઇન ફેક્ટ આ વાત એની મા જ એને કહે છે ! તો હવે પેલા ગેંગસ્ટરને મારી તો ના નંખાયને ? (હિન્દી ફિલ્મોનો રૂલ છે, ભઈ વધુ જાણકારી માટે ‘જ્હોની મેરા નામ’ જોઈ લેવું.)

તો કરવાનું શું ? બંને ભાઈઓ ભેગા થઈને ‘મેઇન વિલન’ (મદનપુરી)ને ઝૂડી નાંખશે ! બરોબરને ? પણ હદ તો ત્યાં થઈ ગઈ મારા સાહેબો, કે શક્તિ સામંતે આ જ સ્ટોરી લઈને ૧૯૭૯માં ‘ગ્રેટ ગેમ્બલર’ બનાવી નાંખી ! એમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં છે ! (બોલો, હિંમત કહેવાય ને ?) મજાની વાત એ છે કે વરસો પછી ‘મેઈન વિલન’ તો મદનપુરી જ કૂટાઈ ગયો ! બિચ્ચારો.

જો સલીમ જાવેદ તમને ના ગમતા હોય તો તમે કહી શકો કે બોસ, આ તો ‘ચોરી’ કરી ! અને જો સલીમ જાવેદ તમને ગમતા હોય તો કહેશો કે ના, આ તો ‘ઇન્સ્પીરેશન’ લીધી કહેવાય !

અહીં જ્યાં ‘ઇન્સ્પીરેશન’ની વાત નીકળી છે તો ‘ચાઈના ટાઉન’નું એકમાત્ર હિટ ગાયન ‘બાર બાર દેખો…’ એટલી મસ્ત વેસ્ટર્ન ધૂનમાં બન્યું છે કે સાલું ‘બાર બાર’ ડાઉટ જાય કે બોસ, પેલા સંગીતકાર રવિએ ક્યાંકથી ચોર્યું તો નહોતું ને ?

પણ ના, મામલો ઊંધો છે. ખુદ રવિએ એક ઇન્ટરવ્યુમાં કીધું હતું કે મારી આ ઓરીજીનલ ધૂન છે. અને વિદેશના એક ગ્રુપે પાકી ‘રોયલ્ટી’ ચૂકવીને મારી પાસેથી ખરીદેલું ! (હવે એ ગ્રુપ કયું, કયા દેશનું, અને ગાયન કયું એનો જવાબ આજે ગુગલબાપા નથી આપી શકતા ! શું કરીએ ? હવે તો રવિ સાહેબ સ્વર્ગમાંથી વોટ્સ એપ કરે તો છે !)

પરંતુ એ જ ગાયનમાં શમ્મીકપૂરના હોઠે ‘ટાલી હો…’ વારંવાર ગવાય છે, તો એ શબ્દનો મતલબ શું થાય ? એમાં એવું થયું કે ફિલ્મના શૂટિંગ પહેલાં શમ્મીકપૂરનો વિચાર એવો હતો કે પેલા ગાયકનું જે પાત્ર છે તે વાતવાતમાં ‘ટેલી હો ! ટેલી હો !’ એવું બોલ્યા કરશે. (એકાઉન્ટ્સમાં જે રીતે જમા-ઉધાર ‘ટેલી’ થઈ જાય એ રીતે.)

જોકે શક્તિ સામંતને આ ‘તકિયા કલામ’ કંઈ જામ્યો નહીં. એટલે ‘ટેલી હો’ તો ગાયનમાંથી કાઢી નાંખવું પડે ! તો એના બદલે શું રાખવું ? ‘તાલી હો ?’ એ તો સાવ વિચિત્ર લાગે, કેમકે શમ્મીકપૂર તો હાઈ-ફાઈ ટાઈપની ક્લબમાં ગાયનો ગાય છે. એ કંઈ ‘તાળીઓ’ થોડી પાડે ? એટલે છેવટે મિનિંગ વિનાનું ‘ટાલી હો’ જ રાખ્યું ! બોલો.

ફિલ્મ ફરીવાર જોતાં અને ગાયનો સાંભળતાં અમને લાગ્યું કે બોસ, સંગીતકાર રવિએ બહુ મોટી ‘તક’ વેડફી નાંખી ! કેમકે આ ‘ટાલી હો…’ સિવાયનું એક પણ ગાયન આજે ગમાડવું હોય તોય ગમાડી શકાય એવું નથી. એક બે ગાયન વખતે તો એમ થાય કે યાર, અહીં તો કેવી જોરદાર સિચ્યુએશન હતી ? પણ ગાયન સાવ આવું ?

ગાયનો સાંભળતાં એવું પણ થયું કે જો અહીં ઓપી નૈયર હોત તો કેવી ‘જમાવટ’ કરી દીધી હોત ? હકીકતમાં થયું પણ એવું જ ! કેમકે શક્તિ સામંતે ત્યાર પછી ‘કાશ્મીર કી કલી’માં ઓપી નૈયરને ‘હાવરા બ્રિજ’થી પાછા બોલાવી જ લીધા ! (અને રવિજી ફરી ક્યારેય પાછા ના આવ્યા.)

જો આજે તમે ‘ચાઈના ટાઉન’ જોવાના હો તો બે કારણસર ખાસ જોજો. એક તો દ્વારકા દિવેચાની ચકાચક બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફી છે, ઉપરથી યુ-ટ્યુબમાં એની પ્રિન્ટ પણ સારી છે. પણ બીજું મેઈન કારણ ખુદ શમ્મીકપૂર છે.

શમ્મીકપૂરને તમારે ફાંદ વિનાનો, ડબલ ચિન વિનાનો (ડબલ ચિન એટલે શમ્મીકપૂરની દાઢીની નીચેનો ભાગ ઉંમરની સાથે સાથે દેડકાના ગળાની માફક ફૂલી ગયેલો તે) અને કમરથી બિલકુલ સ્લીમ-ટ્રીમ જોવો હોય તો ‘ચાઈના ટાઉન’ ફરીથી જોવાનું વસૂલ છે.

જો તમારે શમ્મી કપૂરને એક ‘એક્ટર’ તરીકે જોવો હોય તો (‘પ્રોફેસર’ તો ખરી જ) આ મુવી શમ્મી કપૂરની ટેલેન્ટના એક શો-કેસ તરીકે જોવી જોઈએ. એમાંયે, જે નેગેટિવ શેડવાળો રોલ ભજવ્યો છે એ પરફોર્મન્સ તો અફલાતૂન છે ! બારીકાઈથી જુઓ તો એ પણ ખ્યાલ આવશે કે ‘મેક’ની હાથ ઉછળવાની અદાની નકલ જ્યારે ‘શેખર’ કરે છે ત્યારે એ જરાક ‘નકલ’ જ લાગે એ રીતે જ શમ્મીકપૂરે ભજવી બતાડી છે.

‘ચાઈના ટાઉન’ જોઈને એક રીતે અફસોસ થાય કે શમ્મી કપૂરે પોતાનું ફીગર ના જાળવ્યું. અને ખાસ તો, હિરોઈનની ‘પાછળ પડનારા’ રોમેન્ટિક (અને કોમિક) હીરોની ઈમેજના ચોકઠામાંથી બહાર આવવાની ખાસ કોશિશ જ ના કરી. 

ખેર, એ જમાનો જ એવો હતો કે ‘જે ચાલ્યું’ એ જ રીપીટ કરવું પડતું હતું. આમાં ને આમાં શકીલા જેવી એ ગ્રેડની એકટ્રેસ પણ સળંગ બી ગ્રેડની ફિલ્મોમાં ફસાયેલી રહી.

અને હા, ‘ચાઈના ટાઉન’ ચીનમાં નથી. એ કોલકતાનો એક વિસ્તાર છે જ્યાં ચીનાઓ મોટી સંખ્યામાં રહેતા હતા.

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘ચાઈના ટાઉન’ શમ્મીકપૂરના ડબલ રોલવાળી પહેલી અને છેલ્લી ફિલ્મ હતી.

* ફિલ્મમાં છેલ્લે આવતી ફાઈટનાં દ્રશ્યો કોલકત્તાના હાવરા બ્રિજની નીચે તથા હુબલીના બંદર પાસેનાં રીયલ લોકેશન પર શૂટ થયાં હતાં.

* ફિલ્મમાં દેખાતા ચીની પાત્રો ખરેખર ચાઈના ટાઉનમાં જ રહેતા અમુક લોકોમાંથી પસંદ થયાં હતાં. શક્તિ સામંત પોતાની યુવાનીના દિવસોમાં વારંવાર ત્યાંની ચાઈનિઝ રેસ્ટોરન્ટમાં જતા હતા એમાંથી જ અમુક સાથે દોસ્તી થઈ હતી.

* આ જ ફિલ્મના તામિલમાં ‘કુડીયીરુંધા કોઈલ’ નામે અને તેલુગુમાં ‘ભાલે થામ્મુડ’ નામથી રિ-મેક થયા છે.

***

- મન્નુ શેખચલ્લી 

Comments