સાવ એવું પણ નથી... !

દુઃખી ના થશો ! જમાનો તમે માનો છો એટલો ખરાબ નથી ! એકવાર અહીં લખેલી વાતો વાંચી જશો. તો તમે પણ કહેશો કે ‘સાવ એવું પણ નથી…’

*** 

સાવ એવું પણ નથી કે તમારી કોઈ ‘કદર’ નથી કરતું…

- ચાર રસ્તે ઊભેલો ભિખારી તમને ‘સાહેબ સાહેબ’ કહીને બોલાવે છે !

*** 

સાવ એવું પણ નથી કે તમને કોઈ ઉધાર આપવા તૈયાર નથી.

- દિવસમાં ત્રણ બેન્કોમાંથી ફોન આવે છે : ‘સર, લોન લેવી છે?’

*** 

સાવ એવું પણ નથી કે કોઈ તમારી નોંધ પણ નથી લેતું…

- ટ્રાફિક રૂલનો ભંગ કરો તો તમારો ‘ફોટો’ પડી જાય છે !

*** 

સાવ એવું પણ નથી કે કોઈ તમને પૂછતું નથી…

- મફત પ્રસાદની લાઈનમાં ઊભા હો તો કોઈ આવીને જરૂર પૂછશે : ‘ભઈ, શેની લાઈન છે ?’

*** 

સાવ એવું પણ નથી કે તમારું કશું ‘ઉપજતું’ નથી…

- બજારમાં કીડનીના બબ્બે લાખ રૂપિયા ઉપજે છે ! પૂછી જોજો.

*** 

સાવ એવું પણ નથી કે તમારી આ જિંદગીની કોઈ કિંમત જ નથી…

- કોઈ જીવન વીમા એજન્ટને મળી જોજો. તમને નવાઈ લાગશે!

*** 

સાવ એવું પણ નથી કે આફતની વેળાએ કોઈ સાથ નથી દેતું..

- લગ્નમાં તમારી સાથે ૧૫૦-૨૦૦ જણા હોય છે !

*** 

સાવ એવું પણ નથી હોતું કે લોકો તમારી પીઠ પાછળ તમારી નિંદા કરતા હોય.

- અમુક લોકો તો તમને મોં ઉપર જ ચોપડાવી દેતા હોય છે !

*** 

અને સાવ એવું પણ નથી હોતું કે ટીવીમાં બધા કકળાટના જ ન્યુઝ હોય છે…

- ક્યારેક ક્યારેક રાહુલ ગાંધીની પણ હેડલાઈનો બનતી હોય છે!

***

- મન્નુ શેખચલ્લી

Comments