ફેક ન્યુઝની મજા જ એ છે કે તે સંપૂર્ણપણે મનોરંજક હોય છે. એમાંય જ્યારે દારૂબંધી, એ પણ ગુજરાતમાં ? એ વિશેના ફેકન્યુઝ હોય તો તો જલસો જ જલસો !
***
સોશિયલ મિડીયામાં ગૃહમંત્રીશ્રીના ફોટા સાથે એક જોરદાર ચેતવણી ફરી રહી છે ! એમાં લખ્યું છે કે : ‘ગુજરાતમાં હવે દેશી કે વિદેશી દારૂ જોવા મળશે નહીં !’
આ મેસેજ વાંચીને એક દારૂડિયાએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પૂછ્યું હતું કે ‘સાહેબ, દારૂ ભલે ‘જોવા’ ના મળે, પણ ‘પીવા’ તો મળશે ને ? તમતમારે રાતના જ આવવા દેજો !’
બીજા એક દારૂડિયાએ જરા ‘સ્પષ્ટતા’ માંગતા પૂછ્યું હતું કે ‘સાહેબ, બાટલીના લેબલ ઉપર પેલો ‘બાર-કોડ’ તો જોવા મળશે કે નહીં ? કે પછી ડાયરેક્ટ રામ બોલો ભઈ રામ ?’
***
એ જ ચેતવણીમાં લખ્યું છે કે ‘જે વિસ્તારમાં દેશી કે પરદેશી દારૂ મળશે તે વિસ્તારના પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવશે !’
આ સાંભળીને એક ગભરુ, ડરપોક અને ભોળા નાગરિકે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ‘બાપરે ! જો આખા ગુજરાતના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો રાતોરાત સસ્પેન્ડ થઈ જશે તો કાયદો અને વ્યવસ્થા ભાંગી નહીં પડે ?’
જોકે બીજા એક બાટલી સપ્લાયરે પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ ફોન કરીને પૂછ્યું હતું કે ‘તો પછી હપ્તા કોને આપવાના છે ? હવાલદારોને ? કે પછી ડાયરેક્ટ ‘ઉપર’ આપવાના છે ?’
***
જોકે નાગરિકો માટે એક ખુશખબર છે ! એ જ મેસેજમાં લખ્યું છે કે ‘તમારા વિસ્તારના અડ્ડાનું ગુપ્ત વિડીયો બનાવી શેર કરો અને ગુપ્ત ઇનામ જીતો !’
સાલું, આમાં લોચો એ છે કે ‘ગુપ્ત’ વિડીયો બનાવવા માટે અડ્ડા ઉપર ‘માલ’ લેવા તો જાતે જ જવું પડેને ?
તો એ ગુપ્ત વિડીયો ઉતારશે કોણ ? જેણે છેલ્લા છ મહિનાથી માલ પીધો છે, પણ પૈસા આપ્યા નથી એવા લુખ્ખાઓ જ ને ?
એમાં પાછો ગુપ્ત વિડીયો મોકલવા માટેનો નંબર પણ આપ્યો છે ! જે ‘ગુપ્ત’ રાખ્યો જ નથી ! અને બોસ, આપણે એ નંબર ઉપર વિડીયો મોકલીએ પછી આપણો ‘નંબર’ જ ગુંડાતત્વો પાસે પહોંચી ગયો તો ?
- અને હલો, ઇનામમાં મળનારી ‘ગુપ્ત’ રકમ કેટલી છે ?
ગુંડાઓનો માર ખાધા પછી પાટાપિંડીનો ખર્ચ નીકળે એટલી તો હશે જ ને ?
બોલો મહાત્મા ગાંધી કી જય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment