હમો રાજાની નવી વેતાલકથા !

હમોરાજાએ સમસ્યાઓથી ભરેલું મડદું ઝાડ ઉપરથી ઉતારીને ખભે નાંખ્યું અને મૂંગો મૂંગો ચાલવા લાગ્યો.

મડદામાં સૂતેલો વેતાલ જાગી ગયો. તે બોલ્યો :

‘હે રાજન ! હું તને એક વારતા કહું છું. વારતાના અંતે તને એક સવાલ કરીશ. જો એનો જવાબ જાણવા છતાં તું નહીં બોલે તો તારી છાતીના છપ્પન ટુકડા થઈ જશે !’

આમ બોલ્યા પછી વેતાલ વારતા કહેવા લાગ્યો :

‘એક રાજ્યમાં રાજાએ ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સએપ અને સ્નેપચેટ પર અચાનક પ્રતિબંધ મુકી દીધો ! આના કારણે દેશના તમામ નવરા બેરોજગારો અચાનક સંપૂર્ણપણે નવરા થઈ ગયા !
આ નવરાઓએ ઠેરઠેર આગચંપી કરીને રાજાને ભગાડી મુક્યો !

બીજા એક દેશની રાણીએ પોતાના જુના દરબારીઓનાં વ્હાલાં સંતાનોને જ સરકારી નોકરીઓ મળે એવો ફતવો બહાર પાડ્યો ! આના કારણે દેશના તમામ નવરા બેરોજગારો અચાનક ‘ધંધે’ લાગી ગયા !

એમણે ઠેરઠેર આગચંપી, તોડફોડ અને ખૂનામરકી કરીને રાણીને ભગાડી મુકી !

પરંતુ ત્રીજા એક દેશમાં એક પેપર લીક થયું ! એમાં તો ચોથા એક દેશમાં ભણતા છોકરાએ વંદાઓની ઓનલાઈન તલવાર બનાવી ! પાંચમા અને છઠ્ઠા દેશના યુવાનોએ એ તલવારો ઓનલાઈન વહેંચવા માંડી !

આના કારણે ત્રીજા દેશમાં વંદાઓની સેના બની ગઈ ! માત્ર ૩૬ દિવસના તમાશામાં ૫૬ ઇંચની સત્તા હલબલી ગઈ !

હે રાજન ! એ દેશની અડધો અડધ નિશાળો કાં તો બંધ પડી ગઈ છે અથવા ખંડેર બની રહી છે. શાળાના માસ્તરો શાળાને બદલે દેશનાં માથાં ગણવા ગયા છે… અચાનક ખાંડ મોંઘી થઈ રહી છે.. બેરોજગાર યુવાનો મોબાઈલ છોડીને ધરણામાં બિઝી થવા લાગ્યા છે…

તો હે રાજન ! એ દેશના રાજાએ હવે ગાદી બચાવવા શું કરવું જોઈએ ?

હમો રાજા ગુંચવાયા. બે મિનિટ વિચાર કરીને બોલ્યા : ‘ઉપાય સહેલો છે. યુવાનો સાથે ખાંડ વગરની ચાય પર ચર્ચા કરવાની... અને મન કી બાત મનમાં જ રાખીને ‘સંવાદ’ કરવાનો છે.. બસ !’

હમો રાજાનું મૌન ભલે અહીં તૂટ્યું પણ પ્રેસ કોન્ફરન્સમાં તો નહીં જ તૂટે એમ માનીને સમસ્યાઓનું મડદું ઊડીને ફરી ઝાડ પર લટકી ગયું…

***

- મન્નુ શેખચલ્લી

Comments