ભાવનગરના લઠ્ઠાકાંડ પછી સરકારે સૂચના જાહેર કરી હતી કે ‘ફલાણા ફલાણા નંબરવાળા બાર-કોડવાળી દારૂની બાટલીઓમાં ઝેરી દારૂ હોઈ શકે છે ! સાવધાન !'
જોયું ? સરકારને જનતાનો જીવ કેટલો વ્હાલો છે ? અમને લાગે છે કે ટુંક સમયમાં નવી ‘સલામતી સુચનાઓ’ આવવા માંડશે ! જેમ કે…
***
ગુજરાતના મદ્યપાન રસિકો ! હંમેશાં સારી ક્વોલિટીનો અને ગેરંટીવાળો માલ જ ખરીદવાનો આગ્રહ રાખો. ભલે થોડા વધારે રૂપિયા થાય !
‘દારૂ સસ્તી હૈ, મગર જાન નહીં !’
***
આપના રેગ્યુલર હોમ ડિલીવરીવાળા સિવાય બીજા કોઈ નવા સવા સપ્લાયર ઉપર ઝટ ભરોસો કરવો નહીં.
‘શુધ્ધતા કી પરંપરા : કલ ભી, આજ ભી, કલ ભી…’
***
સપ્લાયર અને બુટલેગર ‘વેરીફાઈડ’ છે કે નહીં, તેની ખાતરી કરવા માટે તેનાજ ફોનથી નજીકના પોલીસ સ્ટેશને ઇન્કવાયરી કરી લેવી, કે ‘હપ્તો સમયસર મળ્યો છે કે નહીં ?’
‘અસલ કો જાંચો, નકલ સે બચો !’
***
ભાવ વધી જવાના છે. તેવી અફવાથી ભરમાશો નહીં ! સ્ટોક પુરતો છે, જરૂરથી વધારે ભરાવો કરશો નહીં ! અફવાથી બચો, ગભરાટથી દૂર રહો, ટુંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે…
(સોરી, આ તો પેટ્રોલ માટેનો મેસેજ હતો ! ભૂલથી મોકલાઈ ગયો !)
***
બાટલીના ભાવ ત્રણ ગણા વધી ગયા છે તે અફવા છે ! કોઈ બુટલેગર એટલા ભાવ માગે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને જો પોલીસ વધારે પડતો હપ્તો માગે તો ‘ઉપર’ ફરિયાદ કરો.
(સોરી, આ પણ કોઈના વોટ્સએપ ગ્રુપમાંથી લીક થયેલો મેસેજ છે. પ્લીઝ ડીલીટ કરશોજી.)
***
દારૂ અસલી છે કે ભેળસેળવાળો, તે ચકાસવા માટે સેંકડો ઠેકાણેથી નમૂના લેવામાં આવશે. જેનું ચેકિંગ થયા પછી પનીર, મીઠાઈ, પિત્ઝા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોની જેમ જ, તેના રીપોર્ટ ૧૫ દિવસ પછી જાહેર થશે.
ત્યાં સુધી ઝેરી દારૂ પીનારાઓને ‘જીવતા’ રહેવા વિનંતી છે !
‘જો ડર ગયા, સમજો મર ગયા… જો જી ગયા, સમજો પી ગયા!’
(જનહિતમાં જારી.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment