મોટા સાહેબે કહ્યું છે કે જેન-ઝિ સાથે જઈને ‘સંવાદ’ કરો ! એટલે અમુક નેતાઓએ જુવાનિયાઓને ભેગાં કર્યાં.
‘મિત્રોઓ, આપણે શુભ શરૂઆત કરીશું, વંદે માતરમ્થી… સૌ આખેઆખા વંદે માતરમ્ દરમ્યાન ઊભા રહીશું.’
‘એ તો બરાબર, પણ અમને આખેઆખા ઊભા રાખતાં પહેલાં તમે આખેઆખું વંદે માતરમ્ ગાઈ તો બતાડો ?’
જિન-ઝિના પહેલો જ બોલ બાઉન્સર નીકળ્યો ! જેમ તેમ એ વિધિ પતાવ્યા પછી નેતાઓ સમજાવવા બેઠા :
‘જુઓ, આપણી સરકારે છેલ્લાં બાર વરસમાં કેટલી નવી એઇમ્સ શરૂ કરી…’
‘અચ્છા, એટલે બધું ડોક્ટરો અને દર્દીઓ માટે જ કરવાનું છે ? નોર્મલ ટેક્સ પેયર્સ માટે શું છે ?’
નેતાઓએ તરત જ છાતીઓ ફૂલાવી : ‘લો, તમને ખબર નથી ? આજે ભારત દુનિયાની ચોથા નંબરની ઈકોનોમી બની ગઈ છે !’
‘હા, પણ અમારાં પેરેન્ટ્સની ઇકોનોમીનું શું ? અમારા ભણતર પાછળ ૨૦ થી ૨૫ લાખનું મૂડીરોકાણ કર્યા પછી અમને એનું રીટર્ન ક્યારે મળશે ? કેટલા વર્ષે મૂડી પાછી આવશે ? અને પ્રોફીટ ક્યારથી શરૂ થશે ?’
આ તો ગૂગલી બોલિંગ ચાલુ થઈ ગઈ ! નેતાઓ ગભરાયા. એમાંથી એક વોટ્સએપ યુનિવર્સિટીના પીએચડી ધારકે કમાન સંભાળી :
‘જુઓ દોસ્તો, દેશમાં ડિજિટલ ક્રાંતિ આવી ગઈ ! બધું આંગળીના ટેરવે થઈ રહ્યું છે ! મનોરંજન… માહિતી… નાણાં વહેવાર… આ બધું કોણ લાવ્યું ?’
તરત જ જવાબ આવ્યો : ‘ઝુકરબર્ગ લાવ્યા ! બિલ ગેટ્સ લાવ્યા !’
‘હા, પણ બધું ઘેરબેઠાં આવતું થઈ ગયું ને ? પિત્ઝા, બર્ગર, બુક્સ, બુકે, ગારમેન્ટ્સ, ગિફ્ટ્સ અને ગ્રોસરી પણ !’
‘અચ્છા ? તો એ ગિગ-વર્કર્સના પગાર ધોરણો કેમ ફિક્સ નથી કરતા ? એ પણ રોજગાર છે ને …’
અચાનક ડિમાન્ડો ફૂટી નીકળી : ‘ફી ઘટાડો, નોકરીઓ વધારો, રસ્તા સુધારો, ખાયકી બંધ કરો, થોડા જાતે તો સુધરો ? વગેરે…’
‘મુર્દાબાદ ! મુર્દાબાદ !’ના નારા ગુંજવા લાગ્યા ! નેતાઓ મંચ છોડીને ભાગ્યા. છતાં એક યુવા કાર્યકર ઝઝૂમતો રહ્યો..
બહાર નીકળ્યા પછી અંદરથી આવતા નારા બદલાઈ ગયા ! ‘મોદીજી ઝિંદાબાદ ! મોદીજી ઝિંદાબાદ !’
નેતાઓ અંદર આવીને પૂછવા લાગ્યા : ‘અલ્યા, તે શું ચમત્કાર કર્યો ?’
યુવા કાર્યકર કહે છે ‘ખાસ કંઈ નહીં, મેં ફક્ત એટલું જ કહ્યું કે, હવેથી દરેક યુવાનને દર મહિને મોબાઈલમાં ૧૦૦૦ રૂપિયાનું રિચાર્જ સરકાર કરાવી આપશે !’
(ટુંકમાં, આખરે ‘સંવાદ’ની માસ્ટર-કી હાથ લાગી ગઈ છે ! જીઓ ભૈ જીઓ !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment