મોદી સાહેબે લાલ કિલ્લા પરથી ‘દિમાગી નકસલ’નો ટોણો માર્યો કે તરત જ બે દિગ્ગજ નેતાઓએ વટથી કીધું કે ‘હા દિમાગી નકસલ હોવાનો ગર્વ છે !’
આ દિગ્ગજોનાં દિમાગી ‘કરતબ’ પણ કંઈ ઓછાં નથી ! જુઓ…
***
પી. ચિદમ્બરમ્ સાહેબની વાત કરીએ તો જ્યારે ૨૦૦૮માં ક્રુડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા હતા ત્યારે આરબ દેશો સિવાય રશિયા જેવા બીજા દેશો પાસેથી ઓઈલ મંગાવવાને બદલે એમણે મહાન ‘ઇન્ટરનેશનલ’ સૂચન કર્યુ હતું કે…
‘ક્રુડ ઓઈલના ભાવનું ‘બ્રેકેટ’ બનવું જોઈએ ! ૮૦ ડોલરથી નીચે નહીં અને ૧૨૦ ડોલરથી ઉપર નહીં !’ (યાને કે ભાવવધારા સામે સીધી શરણાગતિ !)
વાહ રે દિમાગ તમારું !
***
આ જ ચિદમ્બરમે પોતાના ટેક્સ રિટર્નમાં કરોડો રૂપિયાની આવક પોતાના ઘરના ‘ટેરેસ ગાર્ડન’માં થયેલી ‘ખેતી’ની આવક તરીકે દર્શાવી હતી !
વાહ રે દિમાગ તમારું !
***
આ જ ચિદમ્બરમ્ જ્યારે સંરક્ષણ પ્રધાન હતા ત્યારે સતત વધી રહેલા આતંકવાદી હુમલાઓનો સામનો કરવા માટે દિમાગ લડાવીને એક કમાન્ડો ટાસ્ક ફોર્સની રચના કરી હતી, પણ એ બધા કમાન્ડો ભારતનાં દસેક શહેરોમાં રાખવાને બદલે માત્ર દિલ્હીમાં જ રાખ્યા હતા !
એટલે જ્યારે ૨૦૦૮માં મુંબઈ ઉપર ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે આ કમાન્ડોને દિલ્હીથી મુંબઈ લાવવામાં જ આઠ કલાક લાગી ગયા હતા !
વાહ રે દિમાગ તમારું !
***
બીજા ગર્વીલા દિમાગી નકસલ છે કેજરીવાલજી ! એમના દિમાગની તો વાત જ નિરાળી છે…
૨૦૧૧ના લોકપાલ આંદોલનમાં અન્ના હજારે જેવા શુદ્ધ નેતાને આગળ ધરીને ‘હું રાજકારણમાં આવવા જ નથી માગતો’ એવું કહેતાં કહેતાં આમ આદમી પાર્ટી બનાવી નાંખી !
વાહ રે દિમાગ તમારું !
***
દિલ્હીમાં જ્યારે વાયુ પ્રદૂષણની સમસ્યા વધી ત્યારે એમના દિમાગે શું ગજબનો ઉકેલ આપ્યો હતો ! … એક દિવસે ‘એકી નંબરના વાહનો અને બીજા દિવસે ‘બેકી’ નંબરના વાહનો જ નીકળશે !’
- વાહ રે દિમાગ તમારું !
***
અને જ્યારે તેઓશ્રી લિકર સ્કેમના મામલે જેલમાં હતા ત્યારે ‘વજન ઘટી ગયું છે, બિમાર છું, હોસ્પિટલમાં ખસેડો…’ એવાં રોદણાં રડીને જામીન લીધા… અને બહાર નીકળતા જ ઘોડાની જેમ જાહેરસભાઓ ભરવા માંડી !
વાહ રે દિમાગ તમારું !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment