‘લો સાંભળ્યુંને મોદીજીનું લાલ કિલ્લાવાળું ભાષણ ?’ અમે રણઝણસિંહને વધામણી આપવાની અદામાં કહ્યું ‘ભારત સતત વિકસિત ભારત બની રહ્યું છે.’
‘મન્નુડા, આ હંધાય વિકાસ ‘ડિસ્પાઈટ કરપ્શન’ છે.’
રણઝણસિંહ મરમમાં મોઘમ બોલ્યા.
‘ડિસ્પાઈટ કરપ્શન ? એટલે ?’
‘એટલે મારા વ્હાલીડા, આખા દેશનું અર્થતંત્ર એક મોટી વિઘ્નદોડ બની ગયું છે.’
‘આ જરાય ન સમજાયું.’
‘હમજાવું…’ રણઝણસિંહે પલાંઠી વાળી. ‘જો, આ આખા દેશના સરકારી તંત્રમાં ખૂણે ખૂણે વ્યાપી ગયેલો ભ્રષ્ટાચાર છે ને, ઈ જ વિઘન છે.’
‘કઈ રીતે ?’
‘આ ભ્રષ્ટાચારીઓને રોડ બંધાતો હોય તો એમાંથી કમિશન જોઈએ છે, પણ જાતે રોડ બાંધવાનો ધંધો કરવો નથી. એમને પુલો, સ્ટેડિયમો, ટનલો, ભવ્ય ઇમારતો બંધાતાં હોય એમાંથી કમિશન તો ખાવું છે પણ જાતે કંઈ બાંધવું નથી.’
‘હાસ્તો, એમ જ છેને.’
‘આ ભ્રષ્ટ લોકોને દારૂની હેરાફેરીમાંથી કમિશન ખાવું છે પણ જાતે બૂટલેગરનો ધંધો નથી કરવો !’
‘હાસ્તો ! ઈ તો જોખમી ધંધો છે !’
‘મન્નુડા ! આ ભ્રષ્ટ લોકોને કોઈ ધંધાકીય જોખમ પણ નથી લેવું ! છતાં દરેક ધંધામાં ટાંગ અડાડીને એમાંથી કમિશન ખાવું છે ! અરે, જાતે કોઈ ઉદ્યોગ સ્થાપવો નથી કે કોઈ ઉદ્યોગ ચલાવવો પણ નથી, છતાં તમામ ઉદ્યોગપતિઓ પાસેથી ફંડફાળો અને કમિશન તો જોઈએ જ છે !’
‘રણઝણસિંહ, આ તો હવે આખા દેશની સિસ્ટમ થઈ ગઈ છે.’
‘ઇ સિસ્ટમ માઈક્રો લેવલે પણ હાલી રહી છે ! આ લોકોને લારી, ગલ્લા, પાથરણાં અને શાકભાજીના ફેરિયા પાસેથી પણ હપ્તા જોઈએ છે પણ એક લારી જાતે ચાલુ કરવી નથી !’
‘એટલે, તમે કહેવા શુ માગો છો ?’
‘ઇ જ કે આ જ છે આખી ‘હર્ડલ’ ઇકોનોમી ! હંધેય ઠેકાણે પ્રજાની વિકાસ માટેની દોડમાં વિઘ્નો જ ઊભાં કરવાં છે આ સિસ્ટમે !’
‘તો એનો ઉપાય શું ?’
‘ઇ તો મોદી સાહેબે ક્યારનો ગોતી કાઢ્યો છે ! અમુક ચોક્કસ લોકોને ‘વિઘ્ન સંતોષી’ કહીને બદનામ જ કર્યે રાખવાના !’
રણઝણસિંહે આંખ મિચકરી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment