એક જજસાહેબે યુવાનોને કોકરોચ કહ્યા, તો ‘કોકરોચ પાર્ટી’ બની ગઈ ! ‘હા, અમે છીએ કોકરોચ !’ હમણાં મોદીજીએ અમુક લોકોને ‘દિમાગી નક્સલ' કહ્યા, તો એ નામની પાર્ટી પણ બની ગઈ !’ ‘હા, અમે દિમાગી નક્સલ…’ એવું તો પી. ચિદમ્બરમ્ પણ બોલ્યા !
આ હિસાબે હવે નવી ‘નફ્ફટ’ ઓનલાઈન પાર્ટીઓ બનાવવા જેવી છે ! જેમકે…
***
‘ભક્ત’ જનતા પાર્ટી :
આમેય એકવાર ‘મૈં ભી ચોકીદાર’ તો બની જ ચૂક્યા છે, આ લોકો ! તો હવે ખુલ્લેઆમ ઓનલાઈન ‘ભક્ત પાર્ટી’ બનાવી જ નાંખો ! ટાર્ગેટ રાખજો મિનિમમ ૪ કરોડ મેમ્બરોનો ! (મિસ-કોલ મેમ્બરો પણ ઉમેરી જ લેવાના.)
***
‘દેશદ્રોહી’ તિરંગા પાર્ટી :
કોઈ મુદ્દે વિરોધ કરો બે અઘરા સવાલ પૂછો તો આમેય ‘દેશદ્રોહી’નું લેબલ લાગી જ જાય છે ! તો હવે બિન્દાસ થઈને એ જ નામની પાર્ટી બનાવોને ? અને હા, સાથે તિરંગા લહેરાવવાનું નહીં ભૂલવાનું કેમકે એ તો ‘ઢાલ’ છે !
***
બોલીવૂડ ‘એજન્ડા / પ્રોપોગેન્ડા’ પાર્ટી :
બોલીવૂડમાં તો એકસાથે બબ્બે પાર્ટી ‘લોન્ચ’ થઈ શકે છે ! એક છે, ફિલ્મોમાં હિન્દુવિરોધી, પાકિસ્તાની તરફી એ સુષ્ટુ સેક્યુલર એજેન્ડા ઘૂસાડનારી ગેંગ… અને બીજી તરફ છે જાતજાતની ‘ફાઈલ્સ’ વડે ફિલ્મોમાં પ્રોપોગેન્ડા કરનારા ધૂરંધરો !
આ સૌ ફિલ્મી લોકો છે એટલે ‘લોન્ચ’ કરતાં પહેલાં ટિઝર, પોસ્ટર, આલ્બમ, પ્રમોશનલ ઇવેન્ટ્સ… એવું મનોરંજક ‘પેકેજ’ પણ આવશે ! વાહ !
***
‘ટુકડે-ટુકડે’ પાર્ટી :
ના ના, જેએનયુ ગેંગની વાત નથી ! આ તો આજકાલ શિવસેના, આમ આદમી પાર્ટી, તૃણમુલ કોંગ્રેસ તથા એઆઈએડીએમકે પાર્ટીના ‘ટુકડા’ થઈ રહ્યા છે ને… એ બધા ભેગા થઈને એક મોટો ‘ટુકડા-મોરચો’ રચી શકે છે !
જિસ કે તડ મેં લડ્ડુ ઉસ કે તડ મેં હમારે ટુકડે ! આવી જાવ… અને ભાવ બોલો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment