આમાં શું સમજવું ?

આજકાલ એવી એવી ઘટનાઓ બની રહી છે કે રહી રહીને સવાલ થાય કે ‘આમાં શું સમજવું ?’ દાખલા તરીકે…

*** 

જંતર મંતર ખાતે જે યુવક યુવતીઓએ મોદીજીને ગાળો દીધી હતી એમને ઓનલાઈન ગંદામાં ગંદી ગાળો દેવાઈ ગઈ… એમને ફોન ઉપર ખરાબમાં ખરાબ ધમકીઓ અપાઈ ગઈ.. અરે, અમુકના તો છેક ઘર સુધી પોલીસ પણ પહોંચી ગઈ…

એ પછી મોદીજી કહે છે કે ‘હું એ લોકોને માફ કરવા માગું છું !’

- આમાં શું સમજવું ?

*** 

ટ્રમ્પ અમેરિકામાં બેઠાં બેઠાં ઇરાન પર બે મિસાઈલો છોડે એમાં દુનિયાભરનાં શેરબજારમાં કડાકો બોલી જાય છે…

બે દિવસ પછી એ જ ટ્રમ્પ ઇરાન સાથે શાંતિની ડીલ ફાઈનલ થઈ ગઈ છે એવી જાહેરાત કરે છે કે, તરત જ દુનિયાભરનાં શેરબજારોમાં તેજી ફૂટી નીકળે છે !

ભૈશાબ, આમાં શું સમજવું.. આ ટ્રમ્પ યુદ્ધ ચલાવે છે ? કે શેરબજાર ચલાવે છે ?

*** 

દિલ્હીમાં આંદોલનકારીઓ ઉપર પેલેટ ગનની ગોળીઓ ચલાવવામાં આવી એમાં તો બોલીવૂડની ભલભલી સેલિબ્રિટીઓનાં દિલ કકળી ઉઠ્યાં…

પણ પેલી બાજુ પીઓકેમાં પાકિસ્તાની સેના એકે-૪૭માંથી ગોળીઓ વરસાવે છે અને જ્યાં ૬૦થી વધુ નાગરિકોનાં મોત થઈ ગયાં છે, ત્યાં આ સેલિબ્રિટીઓ જીભ સીવીને બેઠાં છે !

આમાં શું સમજવું… શું એકે-૪૭ કરતાં પેલેટગનની ગોળીઓ વધારે ‘ઘાતક’ અને ‘અમાનવીય’ હોય છે ?

*** 

એવી એક ગુપ્ત માહિતી ‘લીક’ થયાનું કહેવાય છે કે અમેરિકા પાસે યુદ્ધ લડવા માટેનાં શસ્ત્રો જ ખૂટી પડ્યાં છે !

બીજી બાજુ નાનકડું યુક્રેન છેલ્લાં ચાર વરસથી જાયન્ટ સાઇઝના રશિયા સામે સતત યુદ્ધ કરી રહ્યું છે… પેલી બાજુ ટચૂકડું ઇઝરાયેલ છેલ્લા ત્રણ વરસથી ગાઝા પટ્ટી, પેલેસ્ટાઈન અને લેબેનોન ઉપર સતત બોમ્બમારો કરી રહ્યું છે… એમનાં શસ્ત્રોનો ભંડાર ખૂટતો જ નથી !

આમાં શું સમજવું ? જે દેશ આખી દુનિયામાં અઢળક શસ્ત્રો સપ્લાય કરે છે એ જ દેશ બીજા દેશો પાસેથી હવે ‘બ્લેક’માં શસ્ત્રો ખરીદવા નીકળશે ?

- કહેતા ભી દિવાના…

***

- મન્નુ શેખચલ્લી

Comments