ભારતનું વર્તમાન... નવી પેઢી છે !

અમે જ્યારે નવનિર્માણ આંદોલન કરેલું ત્યારે વડીલો અમારો ખભો થાબડીને કહેતા હતા કે ‘તમે તો ભારતનું ભવિષ્ય છો !’
પછી અમને કેવું ભવિષ્ય મળ્યું, એ સૌ જાણે છે ! પરંતુ તમને નવાઈ લાગશે કે આજની યુવા પેઢીના હાથમાં ભારતનો ‘વર્તમાન’ છે ! શી રીતે ? જુઓ…

*** 

રાજકારણ ઉદ્યોગને ગરજ છે :
જંતર મંતર પછી તમામ રાજકીય પક્ષોની ઊંઘ ઊડી ગઈ છે ! હવે બધાને જેન-ઝિ અને જેન-આલ્ફામાં વોટ બેંક દેખાવા લાગી છે ! સીધી વાત છે, જો પાવર હાથમાં હશે તો જ પૈસા હાથમાં રહેશે…

*** 

શિક્ષણ ઉદ્યોગ તો નભે છે :
વરસે બે લાખ કરોડનું ટર્નઓવર આ નવી પેઢી વડે થાય છે. કિન્ડર ગાર્ડનથી લઈને કોલેજો અને નોકરી લેવાના કોચિંગ ક્લાસિસ આ જ પેઢી પર નભે છે ! દરેક બાળક માથાદીઠ બે લાખથી બાવીસ લાખ કમાઈ આપે છે… 

*** 

કન્ઝ્યુમર ઉદ્યોગનું ક્રીમ છે :
મોબાઈલ તો મોંઘો જ જોઈએ, બાઈક તો સ્ટાઈલિશ જ જોઈએ, કપડાં તો લેટેસ્ટ જ જોઈએ અને છોકરીઓની બ્યુટિ ? દરરોજ ચમકવી જોઈએ ! ભલે કીડની વેચવી પડે કે પગાર પહેલાં જ ઈએમઆઈ ગળે પડે… નવી જનરેશન સસ્તામાં ‘માનતી’ જ નથી ! (તમે મનાવી જોજો.)

*** 

લગ્ન ઉદ્યોગમાં લોટરી છે :
હજી નોકરી તો માંડ ૨૦ હજારની લાગી છે પણ મેરેજ તો ૨૦ થી ૫૦ લાખનાં જ કરવાં છે ! (કોના બાપની… ? અરે જેન-ઝિના જ બાપની…!)

*** 

ડેટા-પેકમાં ડબલ ધમાકા છે :
જે પેઢી રોજના ૩ થી ૭ કલાક સુધી મોબાઈલમા જ ચોંટી રહે છે એમની જુવાની ‘રિ-ચાર્જ’ તો કરવી જ પડે ને ? દેશનો ૭૦ ટકા ડેટા આ જનરેશન વાપરે છે, અને હજી તો ‘એઆઈ’ આવી રહ્યું છે ! વિકાસ જ વિકાસ છે…

*** 

પણ ફિલ્મ ઉદ્યોગમાં ફફડાટ છે :
ડોબા કહેવાતા નેતાઓ તરત જ જેન-ઝિની કિંમત ઓળખી ગયા છે ! પણ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજનારી ફિલ્મી પ્રજા ગોથાં ખાઈ રહી છે ! 

કારણ એટલું જ કે, એ લોકો માત્ર ‘પોતાની નવી પેઢીનું’ ભવિષ્ય સાચવવામાં પડ્યા છે ! એ ‘નેપો કીડ્ઝ’ એમનાં મા-બાપને માથે પડ્યાં છે ! લેતા જાવ…

***

- મન્નુ શેખચલ્લી

Comments