આંદોલનો અગાઉ પણ થતાં હતાં અને આજે પણ થાય છે. પરંતુ ’૭૦ના દાયકાનાં આંદોલનો અને આજનાં આંદોલનોમાં બહુ મોટા તફાવતો છે….
***
યાદ છે ? નવનિર્માણ આંદોલન વખતે ૧૦૦થી વધુ યુવાન વિદ્યાર્થીઓનાં પોલીસ ગોળીબારમાં મોત થયાં હતાં. શું એની કોઈ ચર્ચા કોઈ વિધાનસભા કે લોકસભામાં થઈ હતી ખરી ?
અને અહીં જંતર મંતરમાં લાઠીચાર્જ થયો, એમાં તો હોહા મચી ગઈ છે !
બીજા પણ ઘણાં ફરક છે…
***
એ વખતે ‘ભારત બંઘ’ ‘ગુજરાત બંધ’ ‘અમદાવાદ બંધ’ જેવાં એલાનો છાશવારે થતાં હતાં. અને ધડાધડ દુકાનો બંધ થઈ જતી હતી.
અને આજે ? ખુદ સરકાર ‘ઇન્ટરનેટ બંધ’ ‘મેટ્રો સ્ટેશન બંધ’ અને ‘રસ્તા બંધ’ કરાવી નાંખે છે !
***
એ વખતે કોઈ ચેતવણી વિના અચાનક અને સ્વયંભૂ આંદોલનો ફાટી નીકળતાં હતાં…
આજે આંદોલન કરતાં પહેલાં સરકાર પાસે પરવાનગી માગવી પડે છે ! ‘પ્લીઝ, તમારો વિરોધ કરવા દો ને… પ્લીઝ !’
- હદ થઈ ગઈ, યાર ?
***
એ વખતે અમુક આંદોલનો એવા હતાં (ખાસ તો ગાંધીજીનાં પૂતળાં પાસે) કે વીસ-પચ્ચીસ જણા ભેગા થાય, સુત્રો પોકારે, બેનરો બતાડે… અને પ્રેસવાળા આવીને ફોટા પાડી જાય કે તરત આંદોલન વિખેરાઈ જાય !
આજે આંદોલનો ૩૬-૪૦ દિવસ સુધી ચાલે છે જ એટલા માટે, કે ત્યાં જઈને તમે જાતે મસ્ત મસ્ત ‘રીલ્સ’ બનાવી શકો !
***
એ વખતે મોટી મોટી રેલ્વે હડતાળો, ટેક્સટાઈલ મિલોની હડતાળો, મજદૂરોની હડતાળોથી લગભગ આખો દેશ થંભી જતો હતો ત્યારે એકમાત્ર ઇન્દીરા ગાંધી કહેતાં હતાં કે આ સીઆઈએનાં કાવતરાં છે !
આજે નાની અમથી ઓનલાઇન પોસ્ટ કરો ત્યાં તો લાખો ભક્તો તૂટી પડે છે કે ‘જુઓ ! આ ઇન્ટરનેશનલ કાવતરું છે !’
વિકાસ છે, વિકાસ…
***
બાકી, સ્ટુડન્ટોએ એક વાત સમજી લેવાની જરૂર છે : અમે નવનિર્માણ આંદોલન કરેલું ત્યારે આખા ગુજરાતમાં તમામ સ્ટુડન્ટોને એક્ઝામ લીધા વિના જ ‘પાસ’ કરી દીધા હતા !
પણ આ વખતે તો સાલી, ફરીથી એક્ઝામ લીધી !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment