થોડા દિવસ પહેલાં અમે શ્રી ઝુકરબર્ગને જણાવી ચૂક્યા હતા કે તમારા વોટ્સએપના દેશી વર્ઝનમાં અમુક-તમુક સુધારાની તાતી જરૂર છે. તેઓશ્રીએ તે ધ્યાનમાં લીધું લાગતું નથી !
ખેર, આપણે તો માગણીના મામલે પીછેહટ કરવાની જ નથી…
***
લાસ્ટ સીન ખુલ્લું રાખો
આ તો જેન-ઝિની ડિમાન્ડ છે ! એમની ગર્લફ્રેન્ડોએ છેલ્લે ક્યારે ‘દર્શન’ દીધાં હતાં ? કમ સે કમ એટલી ઇન્ફરમેશન તો આ ઇન્ફરમેશન યુગમાં ‘બનતી હૈ’ ને ?
‘છેલ્લો દિવસ’ની ભાષામાં કહીએ તો ‘તમોએ હમોને છેલ્લે ક્યારે નીરખેલાં ? અને હમોના, મેસેજને તમોએ ક્યારે દરશન દીધેલાં ? જત જરૂરથી કાં નહીં જણાવે ?’
***
ગ્રુપ કોલિંગમાં ગડબડ છે…
આ ફરિયાદ સિનીયર સિટીઝનોની છે. એક તો ‘હેપ્પી બર્થ-ડે દાદા… હેપ્પી એનિવર્સરી અંકલ-આંટી…’ એવું કહેવા માટે સામટાં દોઢ ડઝન ભાણિયા ભત્રીજા ગ્રુપ કોલ લગાડે છે. પણ એમાં કોણ ક્યારે શું બોલે છે એ ‘હમોને’ એટલે કે જાડા ચશ્માંવાળી પેઢીને દેખાતું જ નથી !
કમ સે કમ એટલું કરો કે જે બોલતું હોય એનો ફેસ એની મેળે મોટો થાય !
(બહેનપણીઓનાં ગ્રુપ કોલિંગમાં પણ આ જ જફા છે. પરંતુ એમનાં કાનમાં એવા જોરદાર ફિલ્ટરો હોય છે કે ‘પેલી ચિબાવલી વચમાં મારા વિશે શું બોલી ગઈ ? એ મેં બરોબર સાંભળ્યું છે, હોં ?')
***
એપાર્ટમેન્ટ ગ્રુપમાં ડખો છે…
‘બી-૨૦૩ આગળ કચરો પડ્યો છે’ ‘જીજે૧૫-૯૯૭૭ નંબરની ગાડી કોની છે ? પોતાના પાર્કિંગમાં મૂકોને ?’ ‘હવે તો ટાંકીમાં પણ કોકરોચ ફરે છે..’ વગેરે કકળાટો તો હોય જ છે ! પરંતુ રોજ સવાર સાંજ ગુડ મોર્નિંગ, જય અંબે, મોદી હૈ તો મુમકીન હૈ, ડાયાબિટીસના દસ ઉપાયો… એવો બધો કચરો ઠલવાયા જ કરે છે !
તો ભૈશાબ, એવું કરોને કે જે મેસેજ કામનો હોય એની ઉપર ‘સ્ટાર’ ચોંટાડી શકાય !
એમાંય ‘મેન્ટેનન્સ છ મહિનાથી નથી ભર્યું’ એવા ખતરનાક મેસેજો પર સ્ટાર ઝબૂક ઝબૂક થવો જોઈએ !
***
ભૂલભરેલા ઘોંઘાટ મેસેજ…
આટઆટલાં વરસો પછી પણ અમુક પ્રાગૈતિહાસિક યુઝરો ભૂલભૂલથી ‘રેકોર્ડ’નું આઈકન દબાવી દે છે ! પરિણામે આખા ગ્રુપમાં સાડા ત્રણ મિનિટનો માત્ર ‘ઘોંઘાટ’નો ઓડીયો મેસેજ પહોંચી જાય છે !
આવા પછાત યુઝરોને તાત્કાલિક ‘ઓટો વોર્નિગ’ મળવી જોઈએ કે ‘આ ધ્વનિ પ્રદૂષણ બંધ કરો ભૈશાબ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment