પતિને હેરાન કરવાના નુસખા !

નુસખો (૧) મિડલ ક્લાસ પતિ માટે :

પતિ જ્યારે તેના ખખડી ગયેલા સ્કુટરની પર પાછલી સીટ પર તમને બેસાડીને નીકળે ત્યારે પૂછવાનું :

‘આપણું સ્કુટર કેટલાનું આવેલું ?’

પતિ ગર્વથી આંકડો બોલે કે તરત ભજીયું મુકવાનું; ‘એટલામાં તો આજકાલનાં સ્કુલે જતાં છોકરાંની સાઈકલો આવે છે, નહીં?’

પતિ હજી કંઈ જવાબ આપે એ પહેલાં બીજાં બે ચાર ભજીયાં પધરાવી દેવાનાં : 

‘પેલા મેહુલભાઈએ નવી બાઈક લીધી હોં ? દોઢ લાખમાં ! અને હા, તમને કહેવાનુ જ ભૂલી ગઈ , કાલે જ શીલાબેનનો ફોન હતો… એ લોકોએ નવી કાર લીધી ! સાડા એકવીસ લાખની ! કહેતાં હતાં કે એકવાર આવોને… તમને કારમાં બેસાડીને આઇસ્ક્રીમ ખાવા લઈ જઈએ…’

આવું બધું સાંભળીને પતિના મગજમાં કચરો ભરાઈ જશે ! વિના કારણે સ્કુટર ઝટકા મારવા લાગશે ! સ્કુટરનું બેલેન્સ પણ હલબલી જશે ! (ના હલતું હોય તો તમારે પાછલી સીટ પરથી બેઠાં બેઠાં હલાવી નાંખવાનું !)

છેલ્લે જ્યારે તમને તમારે ઠેકાણે ઉતારે ત્યારે કહેવાનું : ‘મને લેવા ના આવતા. હું રીક્ષામાં આવતી રહીશ. નકામું તમારું પેટ્રોલ બળી જશે…’

- બસ, આ વખતે પતિના કાનમાંથી જે ધૂમાડા નીકળે, એ જોવા જેવા હોય છે !

*** 

નુસખો (૨) ધનવાન પતિ માટે :

આવા પતિઓ પૈસા કમાવામાંથી જ ઊંચા નથી આવતા. એમની નસ ખેંચવાનો એક ખતરનાક આઇડિયા છે…

રાત્રે એ જ્યારે બેડરૂમમાં સૂવા માટે આવે ત્યારે ઓશિકા ઉપર એક ચીઠી મુકવાની :

‘હું તમારા ડ્રાઈવર જોડે ભાગી જવાની છું…’

બસ, એ પહેલાં ઘરમાં તમારું પર્સ, મોબાઈલ વગેરે છૂટું છવાયું રઝળતું મુકીને ક્યાંક જતા રહો !

પતિ આખી રાત ફોનમફોની, શોધમશોધી કરીને ઓલમોસ્ટ પાગલ થઈ ગયા હોય ત્યારે સવારે આવીને કહેવાનું :

‘પેલી ચીઠ્ઠી તમે જોઈ ? બોલો, આપણી કામવાળી કેવી કેવી ધમકી આપે છે ?’

પતિ ડઘાઈને તમારી સામું જોતો હોય ત્યારે નોર્મલ ડાચું રાખીને કહેવાનું :

‘લો, હજી તમે નાહ્યા પણ નથી ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments