રેડ એલર્ટનું સુરસુરિયું !?

ગુજરાતમાં ભયંકર અને ધોધમાર વરસાદનું  રેડ-એલર્ટ જાહેર થયું હતું એનું શું થયું ? ફેસબુકના એક પંચાતિયા ઓટલે એની ચર્ચા ચાલી રહી છે ! સાંભળો…

*** 

‘લો ! દસ-દસ ઇંચ વરસાદ પડશે એવ આગાહી હતી. પણ બે ઇંચે ય ના પડ્યો !’

‘વાઘ આવ્યો રે વાઘ !’

‘જ્યારે ખરેખર આવ્યો હતો ત્યારે આખું તંત્ર ઊંઘતું હતું ! અને હવે વાઘ આવશે વાઘ… કરીને બૂમો પાડી, ત્યારે વરસાદ આવ્યો જ નહીં !’

‘તંત્રનું રેડ-એલર્ટ આકાશમાં જ લીક થઈ ગયું ! મોદીની વધુ એક નિષ્ફળતા !’

‘ઓ ભાઈ ! બધી વાતમાં મોદીને શા માટે ખેંચી લાવો છો ?’

‘કેમ નહીં ? લોકોએ દુકાનો બંધ રાખી ! ટ્રકોમાં માલ પડી રહ્યો ! એ નુકસાન કોણ ભોગવશે ?’

‘એક્ચુલી તમને કહું ? આ રેડ એલર્ટ આખું વિદેશી કાવતરું હતું!’

‘જાવ જાવ અંકલ !’

‘હાસ્તો ? તમે જોયું નહીં ? છેક યુરોપથી અહીંના મોબાઈલોમાં વોર્નિંગ આવતી હતી ! એનો મતલબ શું થયો ?’

‘ભક્તોને બધે કાવતરાં જ દેખાય છે !’

‘યાર, તમે સમજો.. આટલી મોટી વોર્નિંગ આવી એટલે સરકારે ડેમોનાં પાણી ખાલી કરી દીધાં ! તળાવોના પાણી પમ્પિંગ કરીને ઉલેચી નાંખ્યાં ! વિદેશીઓનો આ જ તો પ્લાન હતો ! કે આપણું સંઘરેલું પાણી ઢોળી નાંખીએ !’

‘મને તો આમાં પાકિસ્તાનનો જ હાથ લાગે છે.’

‘કાકા ! આમાં હવે પાકિસ્તાન ક્યાંથી આવ્યું ?’

‘કેમ નહીં ? આપણે પાકિસ્તાનમાં જતી ત્રણ નદીઓનાં પાણી રોકી રાખ્યાં છે ને ? એટલે એમણે બદલો લીધો !’

‘ખોટ્ટી વાત ! હકીકતમાં તો કોકરોચ પાર્ટીનું આંદોલન ગામેગામ ફેલાવા લાગ્યું હતું ! એટલે આ રેડ-એલર્ટના બહાને સ્કુલ-કોલેજો જ બંધ કરાવી દીધી !’

‘માસ્ટર સ્ટ્રોક, હોં ! માસ્ટર સ્ટ્રોક !’

‘વાહ, આ સારું છે તમારું ! નિષ્ફળ જાવ તો કાવતરું… અને બચી ગયા તો માસ્ટર સ્ટ્રોક !’

***

- મન્નુ શેખચલ્લી

Comments