સરકાર કહે છે કે પાસપોર્ટ તો માત્ર એક દેશમાંથી ‘પાસ’ થઈને બીજા દેશમાં ‘પોર્ટ’ થવા માટેનું ડોક્યુમેન્ટ છે ! તો સાહેબ, ‘ભારતીય નાગરિક’ શી રીતે બનાય ?
***
મતદાર કાર્ડ ? એ તો કરોડો બાંગ્લાદેશીઓ પાસે છે ! અરે જે મરી ગયા છે અને જે છે જ નહીં, એવા ‘ભૂતો’નાં પણ મતદાર કાર્ડ છે !
***
તો આધારકાર્ડ ? એ તો દોઢસો રૂપિયા આપતાં બની જાય છે ! જેમાં તમારો પોતાનો ફોટો તમે જ નથી ઓળખી શકતા !
***
પાનકાર્ડ ? એ તો તમે ટેક્સ ના ભરતા હો તો પણ લેવું પડે છે ! અને તમારી જ બેંકમાંથી તમારા માત્ર ૫૦ હજાર રૂપિયા ઉપાડો તો બતાડવું પડે છે ! આમાં ‘નાગરિક’ ક્યાં આવ્યો ?
***
… તો ભારતીય નાગરિક કોને કહેવાય ? સાંભળો…
જો દર પાંચ વરસે આવનારી ચૂંટણી વખતે નેતાઓને તમે યાદ આવતા હો તો તમે ભારતીય નાગરિક છો !
***
જો દસ પૈસાથી લઈને ૧૦ કરોડ સુધીની ખરીદી ઉપર તમારો જીએસટી ઓટોમેટિકથી કપાઈ જતો હોય છતાં એ ‘ફરજિયાત’ વેરો ભરવા છતાં તમને ‘મરજીયાત’ સેવાઓ જ મળતી હોય.. તો તમે ભારતીય નાગરિક છો !
***
વાહન ખરીદતાંની સાથે જ રોડ ટેક્સ કપાઈ જાય, મુસાફરી કરતાંની સાથે જ ટોલ ટેક્સ કપાઈ જાય.. છતાં ખાડાવાળા, ભૂવાવાળા, રગડ ધગડ રોડ બદલ તમને ‘સોરી’ પણ ના મળતું હોય… તો તમે ભારતીય નાગરિક છો !
***
વર્લ્ડ સર્વેમાં માથાદીઠ ભૂખ, માથાદીઠ હેપ્પીનેસ, માથાદીઠ જીડીપી અને માથાદીઠ ભ્રષ્ટાચારમાં તમે બાંગ્લાદેશથી પણ પાછળ છો.. તો તમે ભારતીય નાગરિક છો ! વાહ.
***
અને તમારી પાસે અમેરિકન ગ્રીન કાર્ડ હોય, કેનેડિયન પીઆર હોય, ઇંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ હોય છતાં…
જો તમે મોબાઈલમાં ‘મોદીજી મહાન..’ ‘ભારત મહાન..’ ‘સંસ્કૃતિ મહાન..’ ‘ઇતિહાસ રચ દિયા…’ એવા મેસેજો ભારતમાં અમને જ મોકલ્યા કરતા હો…
તો તમે સવાયા ભારતીય ‘દૂર્નાગરિક’ એટલે (દૂર-નાગરિક) છો ! જયહિંદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment