ઈન્ડિયન ટીમના 'સન્માન'માં !

ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમ જે શરમજનક રીતે ૪-૦થી હારી છે છે તે શરમજનક કરતાં ‘હાસ્યજનક’ વધારે ગણાવું જોઈએ…
*** 

પાંચ મેચમાં ઇંગ્લેન્ડ ભારતને પહેલી મેચમાં તો ના જ હરાવી શક્યું…
- કેમકે વરસાદ ભારતની મદદે આવ્યો હતો ને !

*** 

જોકે એ પછી ઇંગ્લેન્ડમાં વાદળોને પણ લાગ્યું કે ભારતની આ ટીમ તો બે ટીપાંને પણ લાયક નથી !

*** 

બુકીઓએ સટ્ટો લેવાનો જ બંધ કરી દીધો હતો. ઉલ્ટું સટ્ટો એ વાતો ઉપર લાગી રહ્યો હતો કે -

- વૈભવ સૂર્યવંશી વધુમાં વધુ કેટલા રન કરી શકશે ? પાંચ, દસ, પંદર કે વીસથી ઓછા ?

- એક ઓવરમાં સૌથી વધુ રન કોણ આપશે ? શિવમ્‌ દૂબે, અર્શદીપ સિંહ કે અક્ષર પટેલ ?

- અને આજે ભારત ૧૦૦ રનથી હારશે કે ૧૦ વિકેટોથી ?

*** 

અચ્છા, વૈભવ સૂર્યવંશી ફોર્મમાં નહોતો, અભિષેક શર્મા ફોર્મમાં નહોતો, ઇશાન કીશન ફોર્મમાં નહોતો, શિવમ્‌ દુબે ફોર્મમાં નહોતો, અક્ષર પટેલ પણ ફોર્મમાં નહોતો ! રાઈટ ?

- હવે યાદ કરો. સૂર્યકુમાર યાદવને શા માટે ટીમમાંથી કાઢી મુક્યો હતો ? કેમકે એ ‘ફોર્મ’માં નહોતો !

*** 

અમુક પંડીતો હારનું કારણ બતાડતાં કહે છે કે ભારત કરતાં ઇંગ્લેન્ડનાં મેદાનો મોટાં છે, એટલે બાઉન્ડ્રી થોડી દૂર હોય છે ! 

- વાહ રે વાહ ! આ મેદાનો તો રાતોરાત મોટાં થઈ ગયાં હશે નહીં ? શું આપણા પ્લેયરો અંડર-૧૯ મેચો રમવા માટે કદી ઇંગ્લેન્ડ ગયા જ નહોતા ?

*** 

એક્સ્પર્ટો કહે છે કે ઇંગ્લેન્ડની પિચો ઉપર ભારતીય પિચો કરતાં બાઉન્સ પણ વધારે હતો !

- એક મિનિટ. આ બહાનું તો ત્યારે જ કાઢી શકાય જ્યારે ભારતીય ટીમ પહેલી વાર ચંદ્ર ઉપર મેચ રમવા ગઈ હોય !

*** 

કેપ્ટન શ્રેયસ ઐયર કહે છે કે આ અમારા માટે ભણવા જેવો પાઠ હતો !

- ઓ ભાઈ, તમે એકનો એક પાઠ પાંચ પાંચ વાર ભણ્યા ! અને દર વખતે એમાં ઝીરો માર્ક્સ લાવ્યા છો !

***

- મન્નુ શેખચલ્લી

Comments