'પ્રોફેસર': હીરો માટે કોમેડીના માસ્ટર ક્લાસ !

આપણે વરસોથી એવું માનતા આવ્યા કે ફિલ્મોમાં અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવકુમાર વગેરે હીરોલોગ પોતે જ કોમેડી કરવા લાગ્યા એટલે અગાઉ જે જ્હોની વોકર, મહેમૂદ વગેરેની કોમેડી માટે પેરેલલ સ્ટોરી અને પેરેલલ રોલ પણ આવતા બંધ થઈ ગયા.

પણ હલો, શમ્મીકપૂર એક એવો હીરો હતો જે છેક ’૬૦ના દશકાથી પોતાના દરેક રોલમાં બહુ આસાનીથી કોમેડીનો વઘાર કરી શકતો હતો. અને હા, મહેમૂદથી જરાય ‘ડરતો’ નહોતો ! (જોઈ લેજો ‘દિલ તેરા દિવાના’માં)

એમાંય આજે જે ફિલ્મની વાત લઈને બેઠા છીએ એ તો રીતસર અભિનેતાઓ માટે કોમેડીના માસ્ટર-ક્લાસ છે, ભાઈ ! કંઈ એમ ને એમ ફિલ્મનું નામ ‘પ્રોફેસર’ રાખ્યું છે ?

ફિલ્મની સ્ટોરીમાં મામલો તો એટલો જ છે કે પોતાની બિમાર માતાના મોંઘા ઈલાજ માટે શમ્મી કપૂરને મજબૂરીથી ૫૦ વરસના ‘પ્રોફેસર’ બનીને દાર્જીલિંગ જવું પડે છે. જ્યાં એ હીરોઈનના પ્રેમમાં તો પડે જ છે પણ મહિને ૮૦૦ રૂપિયાની નોકરી (આજના ૭૫,૦૦૦ થયા બોસ) આપનારી બુઢ્ઢી છતાં સ્વભાવની કડક, શેરથાના મરચાં જેવી, લલિતા પવાર જ આ ૫૦ વરસના ‘પ્રોફેસર’ના પ્રેમમા પડી જાય છે ! આમાં બિચારો શમ્મી કપૂર ‘સેન્ડવીચ’ બની જાય છે… વગેરે.

આમ જુઓ તો ગોવિંદાની કોઈ ફિલ્મ માટે પરફેક્ટ સ્ટોરી હતી. નહીં ? જોકે ગોવિંદાએ ડેવિડ ધવન સાથે મળીને ‘ચલ મેરે ભાઈ’માં આ ખેલ ભજવી જ લીધો હતો. (આન્ટી તરીકે અરૂણા ઈરાની હતાં.) 

છતાં આજે ‘પ્રોફેસર’ જુઓ તો બોસ, માથું ખંજવાળતાં આપણા વાળ ખરી જાય, પણ આજકાલનો બોલીવૂડનો એક પણ હીરો આવો રોલ ભજવી શકે એવી કલ્પના સુધ્ધાં કરી શકાતી નથી. આ બતાવે છે કે આજે પચાસ પચાસ કરોડ રૂપિયા માંગતા હીરોલોગ એક્ટિંગ બાબતે કેટલા ઠોઠ છે!

જે વાચકોને સારી એક્ટિંગ કોને કહેવાય એની થોડી ઘણી પણ સમજ હશે તે જોઈ શકશે કે શમ્મી કપૂરે કેવી અદ્‌ભૂત કમાલ કરી હતી. એક તો કપડાં જ મોટા કોથળા જેવી સાઈઝનાં પહેર્યાં છે ! દાઢી-મૂછ અને ચશ્મા તો કાર્ટુન જેવા છે જ, પણ શમ્મી કપૂરની બોડી લેંગ્વેજ જુઓ… આખી ચાલ બદલી નાંખી છે ! 

હાથમાં ધ્રુજતી લાકડી, વારેઘડીએ આગળની તરફ ઝુકી જતી કમર અને ચહેરો ? શી ખબર, આ રોલ ભજવતી વખતે શમ્મી કપૂરે ગાલમાં કંઈ ગલોફાં ભરી રાખતા હશે કે ચહેરો ખેંચીને ગરદન સાથે ચિપકાવી રાખ્યો છે, પણ શમ્મીનો લંબગોળ ચહેરો ગોળમટોળ બની જાય છે ! ઉપરથી દાંતનું ચોકઠું ફીટ ના બેસતું હોય એવી રીતના ચાળા હોઠ વડે કરતા રહે છે ! અને અફ કોર્સ, ડાયલોગ ડીલીવરીમાં પણ આખો અલગ જ અવાજ ! વાહ...

મજાની વાત એ છે કે શમ્મી કપૂરની ઉંમર, વજન અને કાયા વધી ગયા પછી તે જેવા દેખાતા હતા તેનો જ આ ‘ફ્યુચરીસ્ટીક સ્કેચ’ લાગે છે ! અફસોસ કે, આજકાલની એક્ટિંગ સ્કૂલોમાં કોમેડીના ‘પાઠ’ તરીકે કોઈ એક્ટિંગના પ્રોફેસર સ્ટુડન્ટોને આ ‘પ્રોફેસર’ કેમ નથી બતાડતા ?

એમ તો એટલી જ દાદ લલિતા પવારને પણ આપવી પડે કે, વઢકણી સાસુના ડઝનબંધ રોલ વચ્ચે અચાનક આવો મસ્ત ‘કોમિક ટચ’ ઉમેરીને આખા પાત્રને કેટલું કન્વીન્સિંગ બનાવ્યું છે ! (જોકે ‘અનાડી’માં મિસિસ ડીસાના ઇમોશનલ રોલમાં એ રીતસરનાં છવાઈ ગયાં હતાં.)

અચ્છા, આજના સલમાન ખાનના પૂજ્ય પિતાશ્રી સલીમ ખાન પણ ‘પ્રોફેસર’માં છે ! રોલ નાનો છે, નેગેટિવ છે અને શમ્મી કપૂરના હાથે ‘માર’ પણ ખાય છે. (એક્ટિંગના મામલે પણ !) પરંતુ એ પાત્ર ન હોય તો સ્ટોરીનો એન્ડ લાવવો પણ મુશ્કેલ બને એવો અગત્યનો રોલ છે.

કહે છે કે (અરે, સલીમ ખાન પોતે જ ઘણા ઈન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે) પોતે જ્યારે ઇન્દોરથી હીરો બનવા માટે મુંબઈ આવવા નીકળ્યા હતા ત્યારે દોસ્તોને એમ કહેતા હતા કે ‘દિલીપકુમાર કી છૂટ્ટી કર દેંગે !’ પણ નસીબના ખેલ જુઓ, એ જ દિલીપ કુમારને અમિતાભ જેવા હીરો કરતાં વધારે પાવરફૂલ દેખાય તેવો રોલ ‘શક્તિ’ માટે એમણે જ લખીને દિલીપ કુમારની સેકન્ડ ઇનિંગ લંબાવી આપી હતી.

‘પ્રોફેસર’માં તો સલીમ ખાનનો શમ્મી કપૂર સાથે ઠીકઠાક રોલ હતો. (‘તીસરી મંઝિલ’માં પણ) પરંતુ ત્યાર બાદ જે સાવ ફાલતુ રોલ કરવા પડતા હતા ત્યારે એમની પોતાની દશા કેવી કફોડી (અને સખત હસવું આવે તેવી થતી હતી) તેના કિસ્સા યુ-ટ્યુબમાં કપિલ શર્માના સલીમખાનવાળા એપિસોડમાં જોઈ લેજો. મજો મજો થઈ જશે. ગેરંટી છે !

અને હા, ‘પ્રોફેસર’ની સુંદર શિષ્યા બનતી હિરોઈન કલ્પના કોણ હતી ? તો વાત એમ હતી કે કલ્પનાના પિતા એક જમાનામાં સ્વાતંત્ર્ય સેનાની હતા ! બોલો . એમને જવાહરલાલ નહેરુ સાથે બહુ સારા સંબંધો હતા, એટલે કંઈ ખાદી બોર્ડ ટાઈપનું સરકારી કામકાજ મળી ગયેલું. જોકે કલ્પના પોતે શંભુ મહારાજ પાસે કથ્થક નૃત્ય શીખી હતી.

આ કલ્પનાએ (અસલી નામ અર્ચના મોહન) પ્રખ્યાત લેખક સચિન ભૌમિક સાથે ૧૯૬૭માં પહેલું લગ્ન કરેલું ! બીજું લગ્ન એક ભારતીય નૌસેનાના ઓફિસર સાથે થયેલું. બંનેમાં ડિવોર્સ થયેલા. ૧૯૬૨થી ૧૯૬૭ સુધીની માત્ર પાચં વરસની ફિલ્મી કરિયરમાં કલ્પનાની ત્રણ જ જાણતી ફિલ્મો બોલે છે : ‘પ્રોફેસર’ ‘તીન દેવીયાં’ અને ‘પ્યાર કીયે જા’.

બાકી ‘પ્રોફેસર’માં આપણી ’૬૦ના દશકની ફિલ્મોમાં હોય એવું બધુ જ હતું… 

વિધવા માતાની સફેદ  સાડી ઉપર બ્રાઉન કલરનું મોટું થીગડું હોય, એક પાઈની કમાણી ના કરતો હીરો ૨૦૦ રૂપિયાવાળો મસ્ત કોટ પહેરીને ફરતો હોય, હીરોઈનોના માથામાં સક્કરટેટી સાઈઝનાં અંબોડા હોય, કાશ્મીર અને દાર્જિલીંગની સુંદર જગ્યાઓ ઉપરાંત મીની ટ્રેન પર મસ્ત ગાયન પિક્ચરાઈઝ થયાં હોય, દરેક ગાયનની સિચ્યુએશન મારી મચડીને ઊભી કરી હોય અને શમ્મીકપૂરની ફિલ્મ હોય એટલે ગાયનો તો સુપરહિટ જ હોય ! (અહીં પાંચમાંથી ચાર ગાયનો આજે પણ સૌને યાદ છે)

અને હા, નાનાં શહેરોમાં પિકચર ચાલુ થઈ ગયા પછી પણ ટિકીટો વેચાતી હોય એટલે ‘નંબરિયાં’ પછીના પહેલા બે સીન નકામા જ હોય ! બોલો ખોટી વાત છે ?

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘પ્રોફેસર’ જેવી જ સ્ટોરી લઈને ગુરુદત્ત ૧૯૫૦માં કીશોર કુમાર અને વહીદા રહેમાન સાથે ફિલ્મ બનાવવાના હતા. પણ…

* સટોરી રાઈટર લેખ ટંડનની દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ હતી. શમ્મી કપૂરને બહુ ભરોસો નહોતો. એ શક્તિ સામંત થવા નાસીર હુસૈનને ડીરેક્ટર તરીકે ઇચ્છતા હતા. છેવટે એવું નક્કી થયું કે ફિલ્મનાં ત્રણ રીલ શૂટ થવા દો, પછી જો ના પસંદ પડે તો…

* એ ત્રણ રોલ રાજ કપૂરની હાજરીમં ડિસ્ટ્રીબ્યુટરોને બતાવવામાં આવ્યાં ત્યારે એટલું જોઈને જ ડિસ્ટ્રીબ્યુટરો ફિલ્મ ખરીદવા તૈયાર થઈ ગયેલા !

* ‘પ્રોફેસર’ માટે શંકર જયકીશનને બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

* ‘પ્રોફેસર’નો રોલ આ અગાઉ દેવ આનંદ અને રાજ કપૂરને ઓફર થયો હતો. અહીં રાજ કપૂર હોત તો સમજ્યા, પણ દેવ આનંદ ‘નકલી બુઢ્ઢા માસ્તર’ તરીકે કેટલા હાસ્યાસ્પદ લાગતા હોત ?

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. અનંત પટેલ, ગાંધીનગર3 July 2026 at 08:42

    અમે બહુ ફિલ્મો જોતા નથી પણ અહીં પ્રોફેસર ફિલ્મનો આપે જે આસ્વાદ કરાવ્યો છે તે જોતાં અમે યુ ટૂબ પર આ ફીલ્મ અવશ્ય માણશુ. આપનો આભાર અને અભિનંદન 🌹

    ReplyDelete
  2. અમે મિત્રો શમ્મી કપૂરની ફિલ્મોના જબરદસ્ત શોખિન હતા અને છીએ. પ્રોફેસર બે ત્રણ વાર થિયેટરમાં જોઈ છે. દિપાલી, સેન્ટ્રલ, કલ્પનામાં જોયેલી.

    ReplyDelete

Post a Comment