હિન્દી સિનેમામાં શમ્મીકપૂર પછી એક ગોવિંદા જ એવો એક્ટર નીકળ્યો જે સાવ સ્ટુપિડ કોમેડીની સાથે સાથે રોમાન્સ અને એકશન પણ એટલી જ માસ્ટરી સાથે ભજવી બતાડે. બચ્ચન સાહેબ ખરા, પણ જ્યાં નોન્સેન્સ કોમેડી આવે ત્યાં એ કદાચ ના ટકી શકે.
‘જંગલી’માં પણ શમ્મીકપૂરે ‘પ્રોફેસર’ની જેમ બે રોલ ભજવ્યા છે, પણ એક જ પાત્રમાં ! શરૂઆતમાં એ દિવેલીયું ડાચું લઈને ચાવી આપેલા રમકડાની જેમ રીતસર ‘કાર્ટુનિશ’ એકટિંગ કરે છે! પણ પછી જેવી પેલી ‘યાઆઆ હૂઉઉ’વાળી ચીસ પાડીને ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે…’ ગાવા લાગે છે ત્યારે, અડધો અડધ ફિલ્મ પછી, જાણે કબજિયાતના દર્દીને છેવટે સરસ ઝાડો થાય એવી જ રાહત પ્રેક્ષકોને થાય છે ! કેમકે અહીંથી શમ્મીબાપુ એમના અસલી રંગમાં આવે છે.
અમને યાદ છે, ‘યાહૂ…’ ગાયન શરૂ થતાં જ થિયેટરમાં પીટ ક્લાસના પ્રેક્ષકો પેલા ગાયન કરતાં ડબલ અવાજે ચીસો પાડીને નાચવા લાગતા હતા ! બાય ધ વે, એ ‘યાહૂ…’ની ચીસ મહંમદ રફીએ નહીં, શમ્મીકપૂરે પણ નહીં, પણ લેખક પ્રયાગ રાજે પાડી છે !
જુની ફિલ્મોમાં ગાયનો માટે ડાન્સ ડીરેક્ટરને રાખવામાં આવતા હતા. પણ અહીં ડાન્સ ડીરેક્ટર પી. એલ. રાજને થતું હશે કે આ શમ્મીકપૂર તો મારાં બતાડેલાં કોઈ સ્ટેપ્સ ઉપર સખણો રહીને નાચવાનો નથી ! ઉપરથી પહેલીવાર કેમેરાનો સામનો કરી રહેલી સોળ વરસની કન્યા સાયરાબાનુનાં સ્પેરપાર્ટ્સ ઓઇલિંગ માગે એવાં, એટલા કડક હતાં કે એની પાસે પણ બાલમંદિરનાં બાળકો જેવાં જ સ્ટેપ્સ કરાવી શકાય તેમ હતું. એટલે છેવટે એમણે પોતાની દાઝ હેલનના ગાયન ઉપર કાઢી છે ! જેમાં મેઈન ગાયન શરૂ થતાં પહેલાં દોઢ ડઝન એકસ્ટ્રા ડાન્સરોને નચાવી નચાવીને પદૂડી કાઢી નાખી છે.
આ હેલનવાળું ગાયન એટલે ‘સૂકુ… સૂકુ…’ હવે આ ‘સૂકુ-સૂકુ’નો શું મતલબ છે ? તો ભઈ, એમાં કંઈ નથી, હેલનનું નામ ‘સૂકુ’ છે !
આમાં બન્યું એવું કે શમ્મીકપૂરને હંમેશાં પોતાનાં ગાયનો મસ્ત બને એનો બહુ આગ્રહ હતો. એટલે ગીત લખાતું હોય, એની તર્જ બનતી હોય તો એ ત્યાં પહોંચી જ જાય !
પેલું ‘યાહુ…’વાળું ગાયન તો બની જ ગયું હતું. એટલે આમાં પણ કોઈ ચીસ પાડવાનો આઇડિયા શમ્મીકપૂરને આવ્યો ! એમણે કંઈ રેન્ડમ રીતે ચીસ પાડી : ‘ઐયેયા સૂકૂ… સૂકુ..!’ જેની ઉપરથી હસરત જયપુરીએ મુખડું બનાવી દીધું !
જોકે પેલું જે ‘યાહૂ’ છે એ તો અંગ્રેજીમાં પ્રોપર એક્સ્પ્રેશન (અભિવ્યક્તિ) માટેનો શબ્દ છે ! ડીક્શનેરીના કહેવા મુજબ જ્યારે અત્યંત ખુશી વ્યક્ત કરવી હોય ત્યારે બોલાય છે. જેમકે ‘યાહૂ… આપણી ટીમ જીતી ગઈ !’ પરંતુ એ જ શબ્દનો બીજો અર્થ અભણ, મેનરલેસ, ઘોંઘાટીયો (યાને કે ‘જંગલી’) પણ થાય છે !
શમ્મીકપૂરને આ ‘અર્થછાયા’ની ખબર હતી એટલે ‘યાહૂ…’વાળી ચીસ પાડવાનો આઇડિયા પણ એમના જ દિમાગની પેદાશ હતી. પણ રેકોર્ડિંગ વખતે શમ્મીકપૂર કરતાં પેલા લેખક પ્રયાગરાજની ચીસ શંકર-જયકીશનને વધારે ‘જંગલી’ લાગી હતી !
જાણવા જેવું એ પણ ખરું કે જ્યારે ભારતમાં નવું નવું ઈન્ટરનેટ આવેલું ત્યારે 'યાહૂ ડોટ કોમ' નામના એક વિદેશી સર્ચ એન્જિનના ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર શમ્મી કપૂરને બનાવ્યા હતા. બોલો, 'યાહૂ..' ની ચીસ કેટલા વર્ષ પછી પણ ફળી?
ફિલ્મની સ્ટોરીમાં ખાસ જવા જેવું નથી પણ અહીં એક રીતે શમ્મીકપૂરનો રોલ સાયરા બાનુએ ભજવવો પડ્યો હતો ! પૂછો શી રીતે ? તો જુઓ, શમ્મીકપૂરની મોટાભાગની રોમેન્ટિક ફિલ્મોમાં એવું હોય કે શમ્મીકપૂર છેક ૧૪મા રીલ સુધી હિરોઈનની પાછળ પડ્યા હોય. એને છંછેડે, સતાવે, મનાવે, ગાયન ગાય, પ્રેમમાં પાડે… અને છેલ્લા બે રીલમાં ‘સ્ટોરી’ જેવું કંઈક આવે ! પછી ધી એન્ડ ! રાઈટ ?
પણ અહીં ફર્સ્ટ હાફમાં એ કામ બિચારી નવી સવી સાયરા બાનુએ કરવું પડે છે ! એ જ પેલા રોબોટ જેવા શમ્મી કપૂરને છંછેડે છે, હેરાન કરે છે, ફસાવે છે (અરે, એકવાર તો શમ્મીકપૂરના ‘રીવાજ’ મુજબ નકલી દાઢી મૂછ લગાવીને ઉલ્લુ પણ બનાવે છે.)
૧૯૪૪માં જન્મેલી સાયરાબાનુની ઉંમર શૂટિંગ વખતે તો માંડ ૧૬ વરસની જ હશે કેમકે ફિલ્મ ૧૯૬૧માં રીલીઝ થયેલી. જોકે મારી સાથે ભણતા અમુક ‘વિચક્ષણ’ મિત્રોએ પાક્કું ઓબઝર્વેશન કરેલું કે સાયરાબાનુ ઇન્ટરવલ પછીના સીનમાં સાવ ‘સપાટ’ દેખાય છે ! અરે એક બે સીનમાં તો સાયરાબાનુના હોઠ ઉપરની ‘રૂંવાટી’ પણ દેખાય છે ! બોલો.
છતાં ઇન્ટરવલ પહેલાનાં દૃશ્યોમાં એનં શરીર ‘હર્યુ ભર્યું’ જણાય છે ! યાર આવું કેવું ? આમાં મોડે મોડે અમને સમજાયું હતું કે ઇન્ટરવલ પછીનાં દૃશ્યો પહેલાં શૂટ થયાં હશે. અને કાશ્મીરના રોમેન્ટિક સીનો જ્યારે સાયરાબેબી જરા ‘કમ્ફર્ટેબલ’ થઈ ગઈ હશે પછી શૂટ થયા હશે.
આ ૨૨ વરસની સાયરા બાનુનાં જ્યારે ૪૪ વરસના દિલીપ કુમાર સાથે લગ્ન થયાં ત્યારે જોક ચાલતી હતી કે જો લગ્ન વખતે સાયરાની ઉંમર ૨૨ હોય અને દિલીપ સા’બની ઉંમર ૪૪ હોય, તો જ્યારે સાયરા બાનુ ૩૩ વરસનાં થાય ત્યારે દિલીપકુમારની ઉંમર કેટલી હોય ? અમારી ‘ત્રિરાશી’ મુજબ જવાબ ૬૬ આવતો હતો !
આ સાયરાજી પણ ‘નેપો-કીડ’ જ હતાં. પણ એમની વંશાવલિ ઇન્ટ્રેસ્ટીંગ છે. એમના માતુશ્રી નસીમ બાનુ એક જમાનામાં હિરોઈન તો હતાં જ પણ એમની શરૂઆતની છ ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોના પ્રોડ્યુસર ડીરેક્ટર સોહરાબ મોદી હતા !
આના કારણે નસીમ બાનુના હસબન્ડ એહસાન-ઉલ-હક પણ પ્રોડ્યુસર બની ગયા હતા ! એ તો ઠીક, જ્યારે ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તે નસીમ બાનુની ફિલ્મોની નેગેટિવો લઈને પાકિસ્તાન જતા રહ્યા હતા ! અને ત્યાં જઈને એ ફિલ્મો નવેસરથી રીલીઝ કરેલી ! બોલો.
અહીં સાયરા બેબીને ફિલ્મોમાં એન્ટ્રી અપાવનારાં નસીમ બાનુનાં માતાજી પણ એક જમાનામાં દિલ્હીના મશહૂર ‘તવાયફ’ હતાં ! નામ હતું છમિયાંબાઈ ! એ પણ ભાગલા વખતે ભારતમાં જ રહી ગયેલાં. અને દિલીપકુમાર, જે ‘મુઘલ-એ-આઝમ’વાળા કે. આસિફના ‘સાળા’ હતા, તે આખરે નસીમ બાનુના જમાઈ બન્યા ! કેવું કહેવાય, નહીં ?
બાકી, ‘જંગલી’ ફિલ્મમાં કોમેડી ઉપરાંત બે-ત્રણ ચમત્કારો પણ છે. જેમ કે અનુપકુમાર (અશોકકુમારના ભાઈ) અને શશીકલા માત્ર એક જ ગાયન ગાય ‘નૈન તુમ્હારે મજેદાર…’ પછી બે ફૂલો પણ ના ટકરાય, પાણીનો ધોધ પણ ના છૂટે, છતાં શશીકલા અચાનક પ્રેગનન્ટ થઈ જાય છે !
એ તો ઠીક, એ સગર્ભા શશીકલાનું પેટ આખી ફિલ્મમાં ક્યારેય ફૂલેલું નથી દેખાડ્યું ! ત્રણ મહિના કાશ્મીરમાં રહીને એ પાછી આવે ત્યારે જે બાળક બતાડ્યું છે તે છ મહિનાનું લાગે છે !
પણ છોડો, તમે શમ્મીકપૂરની અદાઓ જોઈને જલસા કરોને યાર ?
***
ફિલ્મની જાણી અજાણી વાતો
* અગાઉ આ ફિલ્મનું નામ ‘મિસ્ટર હિટલર’ રાખવાના હતા.
* હીરોઈનનો રોલ નંદાને ઓફર થયો હતો. એમને કોઈ કારણસર શમ્મીકપૂર સાથે ક્યારેય ‘ફાવતું’ નહોતું. અકળાયેલા શમ્મીકપૂરે એકવાર કીધેલું કે ‘મારા ફ્લોપ ભાઈ સાથે આટલી બધી ફિલ્મો કરો છો તો મારી સાથે કેમ નહીં?’ જવાબમાં નંદાજીએ માત્ર સ્માઈલ આપેલું !
* ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’માં ‘યાહૂ…’ની ચીસ લેખક પ્રયાગરાજે પાડી હતી. અને ‘સૂકુ સૂકુ’ ગાયનમાં એ વિચિત્ર શબ્દો સંગીતકાર શંકરે પોતે ‘ગાયા’ હતા !
* શમ્મીકપૂરની ફિલ્મોનાં નફ્ફટ નામોની શરૂઆત અહીંથી જ થઈ. જેમ કે ‘જંગલી’ ‘જાનવર’ ‘બદતમીઝ’ ‘બ્લફ માસ્ટર’ ‘બ્રહ્મચારી’ વગેરે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment