દિલ્હીના જંતર-મંતર ખાતેના આંદોલનમાં નવા નવા ધમાકા થઈ રહ્યા છે. જોવાની વાત એ છે કે અમુક ‘દેશભક્તોને’ આની પાછળ કોઈનું ‘જંતર-મંતર’ ચાલી રહ્યું હોવાની શંકાઓ છે !
એ જ રીતે એની સાથે જોડાયેલાં અમુક નામોની અંદર જ એનાં ‘લક્ષણો’ પણ છે ! જુઓ…
***
સોનમ વાંગચૂક
તમે જુઓ, આમાં આ ભાઈને હીરો બનાવવામાં ક્યાંક ‘ચૂક’ (ભૂલ) રહી ગઈ હોય એવું નથી લાગતું ?
***
અભિજીત દીપકે :
આ છોકરો બિચારો અમેરિકામાં મજા કરી રહ્યો હતો. એણે એક સિરીયસ જોક શું માર્યો, હવે એ કેટલાય દિવસથી ભારતમાં ‘પકે’ (બફાય) છે !
***
અરવિંદ કેજરીવાલ :
આ સાહેબના નામમા જ ‘કેજ’ યાને પિંજરું યાને જેલ લખેલું છે ! એ સાહેબ જેલમાં ગયા છતાં રાજીનામું તો ના જ આપ્યું. છતાં રાજીનામું માગી તો રહ્યા જ છે !
***
ધર્મેન્દ્ર પ્રધાન :
હવે જેનું નામ જ પ્રધાન (મંત્રી) છે એ કંઈ ફરી મામુલી માણસ થોડો થઈ જશે ? એ તો રાજીનામું નહીં જ આપે !
***
રાજીનામું :
ભાઈ, આ શબ્દમાં તો બે વાત છે. એક કહે છે ‘જી ના !’ નહીં જ આપું. બીજી કહે છે ‘રાજી ના’ ! યાને કે ‘રાજી’ તો નથી જ !
***
રાહુલ ગાંધી :
આમના નામમાં જ ‘હુલ’ (ધમકી) છે ! કમનસીબી એટલી જ કે એમની ‘હુલ’થી મોદીજી ટેવાઈ ગયા છે !
***
અરુંધતી રોય :
એ મેડમ પણ ‘રૂંધતી’ (અટકાવતી) જ આવી છે ! અગાઉ નર્મદા યોજનાને રૂંધી રાખવા નીકળી હતી, હજી યે એમની લેખિકા તરીકેની કલમ તો રૂંધાયેલી જ છે.
***
અને બોલીવૂડ :
આ લોકો તો માત્ર ‘બોલી’ જ જાણે છે ! કંઈ પણ કરવાનું આવે તો છૂ થઈ જશે ! કેમકે એમને બે જ વસ્તુ કરતાં આવડે છે : મેકપ અને પેક અપ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment