આ ધોધમાર વરસાદમાં છત્રી કાગડો થઈ જાય છે એનું ભલે કંઈ ના કરી શકાય. પણ એ સિવાય છત્રીમાં ઘણા ‘સુધારા’ કરવાની જરૂર છે !
***
ઊંધો ‘યુ’ શેપ આપો…
આ છત્રીઓ જે માત્ર ‘કૌંસ’ જેવી છે એના બદલે એનો આકાર થોડા ઊંધા ‘યુ’ અક્ષર જેવો કરોને ? કેમકે આ કૌંસ વડે તો ચાલુ પવનમાં ફક્ત છાતીનો ભાગ જ વરસાદથી બચી શકે છે.
પેલો ‘યુ’ આકાર હોય તો ઢીંચણ સુધી કોરા રહેવાનો ચાન્સ ખરો કે નહીં ? બોલો, ખોટી વાત છે ?
***
છત્રીમાં ‘બારી’ મુકો…
જો ‘યુ’ શેપની છત્રી બનાવો તો એમાં પ્લાસ્ટિકની બારી ખાસ મુકાવજો ! કેમ કે સાદી છત્રીમાં પણ એક તો માંડ માંડ ખાબોચિયાં કૂદીને ચાલતા હોઈએ, એમાં સામેથી છાલક ઉડાડતાં સ્કુટર, બાઈક કે ગાય ધસી આવે એ કશું દેખાતું જ નથી !
અહીં બારી હોય તો દેડકાની માફક અગાઉથી સાઈડમાં કૂદી જવાનો ચાન્સ રહે છે ! બોલો કરવા જેવું તો ખરું ને ?
***
પર્સ, મોબાઈલ, થેલીઓ લટકાવવા…
આ પ્રોબ્લેમ બહેનોને ખૂબ જ નડે છે ! એક બાજુ પર્સ સાચવવાનું, બીજી બાજુ શાકભાજી – કરિયાણું વગેરેની થેલીઓ સંભાળવાની.. અને જોડે જોડે મોબાઈલ પર વાત પણ કરવાની !
આનો એક જ ઉપાય છે કે છત્રીના ડંડામાં આ બધું લટકાવવાના હૂક ફીટ કરી દો !
અને હા, જે રીતે કારમાં બેસીને રીલ્સ બનાવવા માટે મોબાઈલના ‘સ્ટેન્ડ’ હોય છે એવું એકાદ સ્ટેન્ડ ડંડામાં ના ફીટ કરી શકાય ? બોલો બહેનો, જરૂરી છે ને !
***
હેન્ડ્ઝ ફ્રી છત્રીઓ…
અને ભૈશાબ, આ ડંડો પકડવો જ શા માટે પડે ? યાર, છત્રી ખભા ઉપર ફીટ થઈ જાય એવું કંઈક ફોલ્ડીંગ મિકેનિઝમ ગોઠવોને ?
પણ ના ! તમે જોજો. આખેઆખી ‘હેન્ડ્ઝ ફ્રી’ કાર આવી ગઈ, પણ આવી સિમ્પલ અને સાદી હેન્ડ્ઝ ફ્રી છત્રી કદી નહીં આવે ! લખી રાખજો !
- કેમકે એ કંઈ એલન મસ્ક થોડો બનાવી આપે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment