ભર વરસાદના ભેજાંગેપ સમાચારો !

ભારે વરસાદને કારણે અમુક ઠેકાણે ખૂબ જ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. પરંતુ આવી હાલતમાં પણ જો મોબાઈલમાં અમુક રમૂજી સમાચારો આવી ચડે તો નવાઈ પામવાની મનાઈ છે ! કેમકે ઇટ હેપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા…

*** 

હોડીઓ ગાયબ…
એક શહેરમાં પૂરની ‘આપાતકાલીન’ સ્થિતિને પહોંચી વળવા માટે જે હોડીઓ સાચવીને રાખી હતી તે હોડીઓ જ પૂરનાં પાણીમાં તણાઈ ગઈ ! બોલો.

*** 

ટાંકી ગઈ…
એક ગામમાં આવેલા ભયંકર પૂરમાં નવી નવી બનાવેલી પાણીની ટાંકી જ પાણીમાં તણાઈ ગઈ ! જોકે એ ટાંકી પાણીમાં ૨૦ કિલોમીટર સુધી તરતી રહી હતી કેમકે ટાંકીમાં તો પાણી જ નહોતું ! બોલો.

*** 

ભેંસ ભારે પડી…
બીજા એક ગામમાં પૂરના પાણીમાં તણાઈ રહેલી એક ભેંસને બચાવવા માટે પાણીમાં ઉતરેલી ટીમ પોતે જ પાણીમાં તણાવા લાગી હતી !

છેવટે ટીમના સભ્યોને એ જ ભેંસની પીઠ ઉપર બેસાડીને બહાર કાઢવા પડ્યા હતા ! બોલો.

*** 

સ્વિમિંગ પૂલમાં…
ભારે વરસાદને કારણે એક શહેરમાં રાખવામાં આવેલી સ્વિમિંગની સ્પર્ધા કેન્સલ કરવી પડી હતી ! જોકે સ્પર્ધામાં ભાગ લેવા માટે તરવૈયાઓ સડકો ઉપરથી તરતા તરતા જ આવ્યા હતા ! બોલો.

*** 

વીજળી ડૂલ…
વરસાદી વિસ્તારમાં વીજળી જતી રહે તે સ્વાભાવિક છે પરંતુ એક ગામમાં એક ખુબ જ ઊંચા વીજળીના થાંભલા ઉપર આકાશમાંથી વીજળી પડતાં જ, જમીન પરની વીજળી ડૂલ થઈ ગઈ હતી ! બોલો.

*** 

પાણીનાં લેવલ..
ગુજરાતના એક શહેરમાં સામટો છ ઈંચ વરસાદ પડવાથી સડકો ઉપર પાણીના લેવલ અઢી ફૂટ જેટલાં થઈ ગયાં હતાં !
સાથે સાથે તમને જણાવી દઈએ કે એ જ શહેરમાં નવા બનેલા તળાવની સપાટીમાં માત્ર છ ઇંચનો વધારો થયો છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments