‘લો, આ શિક્ષણમંત્રીએ રાજીનામું તો આપી દીધું, પણ આખા શિક્ષણતંત્રમાં જે સડો ઘૂસી ગયો છે એનું શું ?’
અમે અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહ આગળ બળાપો કાઢ્યો. પણ એ તો ચૂપચાપ ઝીણું ઝીણું હસતા રહ્યા. અમે વધુ બળાપો કાઢ્યો :
‘જો આમ જ ચાલ્યું તો દર વરસે લાખોની સંખ્યામાં ભણેલા બેરોજગારો બહાર પડતા રહેશે. છેવટે એમનો જ આક્રોશ ભડકી ઊઠશે તો ચોક્કસ નેપાળવાળી થઈ જવાની !’
‘ઇં હંધાયનો એક જ ઉપાય છે… શિક્ષણની વેલ્યુ જ ઘટાડી નાંખો !’
‘વેલ્યુ ? એટલે કઈ રીતે ?’
‘બંને રીતે ! હૌથી પહેલાં તો આ નિશાળું અને કોલેજુંમાં જે ચામડા ચીરી નાંખે છે એવી ફી લ્યે છે ઇને અડધી કરાવી નાંખો!’
‘પણ એ તો શી રીતે -’
‘હંધુય શક્ય છે ! એક જમાનામાં ઇન્કમટેક્સ ૯૫ ટકા હતો, ઈ ૩૦ ટકે આઈવો કે નંઈ ? એ જ રીતે ! બલ્કે, એનાથી વીસ ગણી ઝડપે કરોડો માબાપ ઉપરનો આ બોજો હળવો કરો.’
‘એનાથી શું થશે ?’
‘બે ચીજ થાશે. એક તો માબાપના જે અબજો રૂપિયા બચશે ઇ બજારમાં ઠલવાશે… આના કારણે બજારુંમાં તેજી આવશે… ને તેજીને કારણે નવી નવી રોજગારીયું ખુલશે.’
‘જબરું ઇકોનોમિક્સ છે તમારું !’
‘બીજી બાજુ ભણતરની જે ખોટી હાઈપ છે ઈનો ય ફૂગ્ગો ફોડવાની જરૂર છે.’
‘આ હમજાયું નહીં.’
‘મન્નડા, આજના ગ્રેજ્યુએટુંને ટેબલ જોબ જ કરવી છે. પણ તું જોજે, એઆઈ આમાંની ૭૦ ટકા નોકરીયું ખાઈ જાશે ! ડીગ્રીનું કાગળિયું પસ્તી થઈ જાશે.’
‘એવું તો વિદેશોમાં ઓલરેડી થઈ જ રહ્યું છે.’
‘ભારતમાં યે થાતાં વાર નથી ! અટલે ડીગ્રીનું મહત્વ અત્યારથી જ ઘટાડી દેવું જોઈં. એના બદલે સ્કીલ એજ્યુકેશન ઉપર ધ્યાન દેવું જોઇં. કેમકે એઆઈ ભલે ભારતમાં આવે, દેશમાં રોબોટ આવતાં વરસો થાશે.’
‘મતલબ કે યુવાનોએ હાથપગ હલાવીને મહેનતનાં કામો શીખવાં પડશે ?’
‘હાસ્તો ? ડીગ્રી લેવામાં પાંચથી પચ્ચીસ લાખ ખર્ચ્યા હોય તો શરમ આવે, પણ ફક્ત પંદર હજારમાં ડીગ્રી મળી હોય તો ઈ જુવાનીયો ઝટ લેતાંકને મહેનતનું કામ કરવા લાગે કે નંઈ ?’
‘પણ ઇ મહેનતનાં કામો શીખવાડશે કોણ ?’
‘સમય જ શીખવાડશે ! અને જો સરકારમાં અક્કલ હશે તો શાળા અને કોલેજો શીખવાડી શકે.’
‘પ્રભુ ! ભારતમાં શિક્ષણનું બજાર આજે ૩૦૦૦ કરોડનું છે. એનું શું થશે ?’
‘ઇ મોદી સાહેબે નક્કી કરવાનું છે, કે આપણે કોચિંગ ક્લાસુંની નિકાસ કરવાની છે ? કે પ્રોડક્ટોની ? બાકી, નેપાળ બોર્ડરથી અરાજકતાની ‘આયાત’ થાતાં વાર નથી લાગવાની…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment