આંદોલન પતી ગયું. જેન-ઝિ કહે છે અમારો વિજય થયો… ભાજપવાળા કહે છે કે મોદીજીએ દેશને ‘બચાવી લીધો !’ (૪૦ દિવસ પહેલાં તો ‘હૂમલો’ જ નહોતો થયો, એટલે શી રીતે બચાવે ?)
આ સિવાય પણ બીજી ‘સળી’ છે…
***
પેલા અભિષેક દિપકેને લઈને હવે ગામેગામ સરઘસો નહીં કાઢે ? (આમ તો એને ‘ફૂલેકું’ પણ કહેવાય.)
કેમકે ભાજપવાળા તો આનાથી પણ નાની વાતમાં ઠેર ઠેર ‘વિજયયાત્રા’ કાઢતા હોય છે !
***
કમ સે કમ ‘વિદેશી તાકાતોનાં હાથ હેઠાં પાડી દીધાં’… એ બહાને તો ભાજપે સરઘસો કાઢવાં જ જોઈએ !
***
જે રીતે પાકિસ્તાનમાં કોઈ ગુપ્ત એજન્ટ દેશના દુશ્મનોને વારાફરતી મારી નાંખે છે, એ ટાઈપનું ‘વ્યાપમ’ ગ્રુપ ભારતમાં જ કામે લાગી જાય તો કેવું ?
(અરે, વિદેશમાં પણ કોઈને ઠોકી દીધા પછી કહેવાનું કે એ પેપર લીક કરીને ‘દેશને ખોખરો કરવાના કૌભાંડનો સૂત્રધાર’ હતો !)
***
અચ્છા, જોવાની વાત એ પણ છે કે જે જેન-ઝિ પેઢી સ્કુલ-કોલેજોની એસાઈનમેન્ટો તો ‘ચેટજીપીટી’ વડે સીધી કોપી-પેસ્ટ કરી નાંખે છે…
એમને જ ‘પેપર લીક’ સામે વાંધો હતો ? બહુ કહેવાય…
***
જરા યાદ કરો, ૨૦૨૦માં કોરોનાને લીધે આ જ જેન-ઝિ પેઢી એક્ઝામો આપ્યા વિના પાસ થઈ ગઈ હતી !
એમને હવે પેપર લીક સામે વાંધો ? બહુ કહેવાય.
***
પણ એક વાત નક્કી છે… આજનાં ૯૦ ટકા જેન-ઝિ યુવાનો જ્યારે ઘરડા થશે ત્યારે બડી બડી ફેંકતા હશે…
‘અરે, મેં તો પોલીસના સાત સાત ડંડા ખાધેલા ! છતાં હું એક ઇંચ ખસ્યો નહોતો…’
‘મેં જે રીલ બનાવેલીને, એને રાતોરાત એક મિલિયન વ્યુઝ મળેલા, પૂછ તારી આન્ટીને !’
‘વાંગચૂકે તો મારો ખભો થાબડીને કીધેલું કે તુમ હી દેશ કા ભવિષ્ય હો…’
અને...
‘આખા જંતર મંતરમાં ચા વહેંચવાનું કામ તો -’
(એક મિનિટ ! આ તો ક્યાંક સાંભળેલું લાગે છે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment