રણઝણસિંહનું નીટ વિશ્લેષણ !

‘આ કેજરીવાલ કહે છે કે રાહુલ ગંધીએ કોક્રોચ પાર્ટીનું આંદોલન હાઈજેક કરી લીધું છે !’

અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહ આ સાંભળીને મૂંછમાં હસ્યા.

‘મન્નુડા, ઈ આંદોલન તો ઓલરેડી અડધો ડઝન લોકો વડે હાઈજેક થયેલું હતું !’

‘સમજ્યો નહીં.’

‘હમજાવું…’ રણઝણસિંહ બોલ્યા. ‘ઓલ્યા અભિજીત દીપકેએ અમેરિકામાં બેઠાં બેઠાં ઠઠ્ઠો કરો હોય ઇમ એક કોકરોચ પાર્ટી તો બનાવી નાંઈખી, પણ જોતજોતામાં ઇનાં અઢી કરોડ મેમ્બરું થઈ ગ્યાં !’

‘થાય જ ને ? યુવાનોમાં આક્રોશ હતો.’

‘આક્રોશ ખરો, પણ કેવો ? કે જો ઘેરબેઠાં ક્રાંતિ થાતી હોય તો કરવી ! ને ઇમ કરતાં જો બે ઘડી વાહ વાહ મળી જાય તો ભયો ભયો ! આખું સોશિયલ મિડીયા આ ‘ઘેર બેઠાં’ના સિધ્ધાંત ઉપર જ ટકેલું છે ને ?’

‘એ તો બરોબર. પણ અઢી કરોડ જેટલા મેમ્બરો થાય એ પણ મોટી વાત તો ખરીને ?’

‘પણ ઇ અઢી કરોડમાંથી જંતર મંતર ખાતે શરૂઆતમાં ભેગા કેટલા થ્યા ? માંડ પાંચસો-હજાર ! બસ, ત્યાંથી જ આંદોલન હાઈજેક થાવા માટે જાણે રેડી હોય ઇમ ઓલ્યા સોનમભાઈ વાંગચૂક આવીને ગોઠવાઈ ગ્યા.’

‘કોઈપણ આંદોલનને એક ચહેરો તો જોઈએ જ ને ?’

‘અને ઇ ચહેરો મેગ્સેસે એવોર્ડવાળો હોય તો તો વાહવાહ, એમ જ ને ? પણ પછી થ્યું શું ? કોકરોચુંની હાજરી તો અટલી ને અટલી જ રઈ.’

‘છતાં વાંગચૂક ભૂખ્યા પેટે ઝઝૂમતા જ રહ્યા ને !’

‘બસ, ન્યાં લગી હંધાય રાહ જોતા તા ! પણ જેવી વાંગચૂકની તબિયત લથકડવાના ન્યુઝ વાયરલ થ્યા કે તરત વહેતી ગંગામાં હાથ ધોવા હંધાય હાલી નીકળ્યા !’

‘સારું જ કહેવાયને ? આંદોલનને સપોર્ટ મળ્યો !’

‘સપોર્ટ નંઈ, ડાયવર્ટ ! કેમકે ઇ હંધાય ત્યાં આવીને પોતપોતાના જ એજેન્ડા હલાવવા લાઈગા ! કોઈ કાશ્મીરી ખિચડી પકાવે, તો કોઈ અલ્લાહ તેરા નામથી રોટી પકાવે, કોઈને હિંદુ વિરોધી દાળમાં કડછો હલાવવો હોય ને કોઈને હિન્દુ-શીખનો વઘાર કરવો છે ! આમાં ને આમાં મૂળ મુદ્દો જ ગોટે ચડી ગ્યો !’

‘મૂળ મુદ્દો તમે પણ ગોટે ચડાવ્યો ! રાહુલ ગાંધીએ આંદોલન હાઈજેક કર્યું એનો !’

‘ઇ તો કરે જ ને ? જે માંણહે આખા ભારતની ‘પદયાત્રા’ કરી હોય ઇને તો ખબર જ હોય ને કે કોઈ વાતમાં ‘ટાંગ’ અડાડવાનો બેસ્ટ ટાઇમ કિયો છે !’

‘એમ ? તો પછી પેલા દિપકેનું શું થાશે ?’

‘ખબર નથી, પણ એક વાત હમજી લેજે, ઇન્ડિયા ગઠબંધનને હવે બીજો કેજરીવાલ ઊભો થાય ઈ નો પોષાય ! આમાં હંધુંય આવી ગ્યું…’

***

- મન્નુ શેખચલ્લી

Comments