સ્ટેટસ શું રાખ્યાં છે ?

એક જુની ગુજરાતી ફિલ્મમાં રમેશ મહેતા પૂછતા હતાને, કે ‘નામ શું રાખ્યાં છે ?’ એ રીતે આજે પણ વોટ્સએપમાં અમુક લોકોનાં સ્ટેટસ જોઈને એમ જ થાય છે કે ‘અરેરે… સ્ટેટસ શું રાખ્યાં છે !’ તમે જ જુઓને…

*** 

એક ભાઈને હું રોજ જોઉં છું કે તે શાકભાજીની દુકાન ઉપર મફતના ધાણ-ફૂદીના માટે સતત રકઝક કરતા હોય છે !

પણ એમના સ્ટેટસમાં લખ્યું છે : ‘શેર કભી ઘાસ નહીં ખાતા !’

*** 

અમારા પડોશમાં એક છોકરો રાત્રે બે વાગ્યા પહેલાં કદી ઊંઘતો નથી અને એ સવારે અગિયાર વાગ્યા પહેલાં કદી ઊઠ્યો હોય એવું મેં જોયું નથી !

પણ એનું સ્ટેટસ છે : ‘વો સુબહ કભી તો આયેગી !’

*** 

એક કાકા છે. એ એમની પુત્રવધુથી એટલા બધા કંટાળેલા છે કે જ્યારે જુઓ ત્યારે મંદિરના ઓટલે જ આવીને બેઠેલા હોય છે!

જોકે એમનું સ્ટેટસ જોરદાર છે : ‘માનવીએ જીવનના અંતિમ શ્વાસ સુધી હાર ન માનવી જોઈએ !’

*** 

એક મામુલી સરકારી કર્મચારી પાસે ૧૮ લાખની કાર છે. બે બંગલા છે અને જ્યારે જુઓ ત્યારે ગળામાં, સોાનાની જાડી ચેઈન, આંગળીઓમાં ડાયમન્ડની વીંટીઓ અને દાંતમાં ચાંદી જ ચાંદી જોવા મળે છે !

એમનું સ્ટેસ પણ મેચિંગ છે : ‘મૈં ભી ચોકીદાર !’

*** 

એમ તો એક જ્ઞાની મિત્રએ એમના સ્ટેટસમાં લખી રાખ્યું છે : ‘નો પોલિટીક્સ પ્લીઝ…’

બરાબર છે. પણ જરા ધ્યાનથી જોયું તો એમના ડીપીમાં ‘ઝાડૂ’નો સિમ્બોલ મૂકી રાખ્યો છે ! આમાં શું સમજવું ?

*** 

એક રૂપાળાં દેખાતાં મહિલાએ એમના સ્ટેટસમાં એક જ શબ્દ લખ્યો છે : ‘બિઝી…’

પણ જ્યારે જુઓ ત્યારે એ બહેન ‘ઓનલાઈન’ હોય છે અને ‘ટાઇપિંગ’ એવું જ લખેલું આવે છે ! શી ખબર, શેમાં આટલાં બિઝી રહેતાં હશે ?

*** 

એક ભાઈના સ્ટેટસમાં પણ એક જ શબ્દ હતો : ‘અવેલેબલ…’

અમને આ જરા વિચિત્ર લાગ્યું ! થોડી તપાસ કરતાં ખબર પડી કે ૩૫ વરસની ઉંમરે તેઓશ્રી હજી ‘વાંઢા’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments