એમ સીધેસીધું કહોને !

અમુક ઘટનાઓ એવી બને છે જેમાં ઘટના કંઈ જુદી બને છે પણ એની પાછળનો મતલબ કંઈ ઓર જ હોય છે. દાખલા તરીકે –

*** 

અમેરિકાની સંસદમાં ભારત ઉપર ૧૦૦ ટકા ટેરીફ લગાડવાનો પ્રસ્તાવ આવ્યો છે.

ના ના, સીધેસીધું કહોને કે વિશ્વમાં ભારતનો વધતો જતો પ્રભાવ જોઈને અમારા પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે !

***

સોનમ વાંગચૂકને બળજબરીથી ઉઠાવીને હોસ્પિટલમાં ભરતી કરી દેવાયા.

- અરે, સીધેસીધું કહોને કે તમારાથી થાય એ કરી લો પણ પેલા શિક્ષણમંત્રી ‘રાજીનામું’ તો નહીં જ આપે !

*** 

અમેરિકામાં હવે સ્ટુડન્ટ વિઝાના નિયમો વધુ કડક બનશે. ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ અસર થશે.

- સીધેસીધું કહોને, કે મેક્સિકો જેવા દેશોમાંથી આવતા ગેરકાયદેસર લોકો અમને ચાલશે કેમકે એ મજુરીથી આગળ નથી વધી શકતા. પણ ભારતવાળા અહીં આવીને અમારા કરતાં વધારે કમાતા થઈ ગયા છે. એટલે હવે અમને ‘જલન’ થાય છે.

*** 

આમિરખાન કહે છે કે ‘થ્રી ઇડિયટ્સ’ બની રહ્યું હતું ત્યારે અમે સોનમ વાંગચૂકે જાણતા પણ નહોતા.

- ભાઈ સીધેસીધું કહોને કે ત્રીજા લગ્ન પછી ‘લવ જિહાદ’ના નામે જે ગરમાગરમ ટ્રોલિંગ થયું છે તેને થોડું ઠંડુ કરવા માટે આવું ‘બોલવું પડ્યું’ છે !

*** 

ક્રિસ્ટોફર લોલાનની મેગા બજેટ મુવી ‘ઓડેસી’ના પ્રચાર પાછળ જ ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

- સીધેસીધું કહોને કે આ ‘મહાન’ ફિલ્મ જોવી હોય તો એક ટિકીટ માટે ૮૦૦-૯૦૦-૧૦૦૦ રૂપિયા તો આપવા જ પડશે !

*** 

ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ૩૬૦ રન કરવા છતાં ૨૭ રને હારી ગઈ.

- સીધેસીધું કહોને કે ભારતીય બોલરોએ છેલ્લી ત્રણ ઓવરમાં જે ૨૩+૨૩+૧૬=૬૨ રન આપી દીધા હતા ત્યારે જ આ ‘ફીક્સ’ થઈ ગયું હતું !

*** 

સરકારે ધીમા સૂરે કબૂલ કર્યું છે કે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ મિક્સ કરવાથી એન્જિનને ‘લાંબે ગાળે’ નુકસાન થઈ શકે છે.

- સીધેસીધું કહોને કે ૨૦ ટકાનો પ્રયોગ ‘લાંબા ગાળા’ સુધી કર્યો જ નહોતો !

***

- મન્નુ શેખચલ્લી

Comments