મોબાઈલ વિશે સુભાષિતો !

૧૯૯૯ પછી જન્મેલી જેન-ઝિ નામી પેઢીને ‘સુભાષિત’ એટલે શું એની તો ક્યાંથી ખબર હોય ? એટલે આજે પ્રસ્તુત છે જેન-ઝિ માટેનાં થોડાં સુભાષિતો…

*** 

રાતે મોડા જે સૂએ
મોડ ઊઠે વીર
‘વ્યૂઝ’ ‘શેર’ અને ‘લાઈક’ વધે
ચાર્જિંગમાં રહે શરીર !

*** 

પિત્ઝા, બર્ગર ને મોમોઝ
એ ફાસ્ટ ફૂડ કહેવાય
ઘરમાં રાંધીને ખાય તેને
‘ઓલ્ડ-પિપલ’ કહેવાય !

*** 

નવે ઊઠો, અગિયારે નાસ્તો
ત્રણે લંચ ને બારે ડિનર
વચમાં વેફર, મેગી, ચિપ્સ
આ જ છે ફીટનેસની ટિપ્સ !

*** 

ગેમ રમાડે અંગૂઠો
અંગૂઠો કરે ચેટ
માઈન્ડ હંમેશાં ફ્રેશ રહે
બોડી રહે રિલેક્સ !

(બોલો, અંગૂઠાની જય !)

*** 

મોબાઈલને તું મિત્ર ગણ
મોબાઈલ તારો આત્મા
દેહ મરીને પડી જશે
પણ ‘હિસ્ટ્રી’ રહેશે હાથમાં !

*** 

‘ફેક’ કંઈ નથી દુનિયામાં
‘વર્ચ્યુઅલ’ એ જ સત્ય
મિરર કરતાં ‘સેલ્ફી’ સુંદર
બાકી સઘળું અસત્ય !

*** 

પ્રાયવસી-પ્રાયવસી શું કરો ?
ઘરમાં જ પ્રાયવસી હોય
મા-બાપ જે જાણે નહીં, તે
સઘળું ‘ઓનલાઈન’ હોય !

*** 

‘ઇન્સ્ટા’થી ઇન્ટ્રો મળે
‘સ્નેપચેટ’થી સંગ
‘ફેસબુક’ તો ફેમિલીનાં
‘ટિંડર’ બનાવે દબંગ !

*** 

ફોટા પર ફિલ્ટર ઘણાં
વિડીયોમાં પણ ‘ફેક’
ફૂંકી ફૂંકીને પ્રેમમાં પડીએ
અહીં બ્લેકમેઇલર અનેક !

*** 

શોધો ને ગુગલમાં જડશે
હોમવર્ક કરશે જીટીપી
એઆઈ ખાશે નોકરીઓ
પછી, તું વગાડજે સીટી !

***

- મન્નુ શેખચલ્લી

Comments