વિવિધ પ્રકારના ઉપવાસ !

દેશની કમનસીબી તો જુઓ ? લોકો પૂછી રહ્યા છે કે ‘વાંગચૂક ઉપવાસ ક્યારે છોડશે ?’ પણ કોઈ એમ નથી પૂછી રહ્યું કે ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ક્યારે આપશે ?’

રહી વાત ઉપવાસોની, તો એમાં (ધાર્મિક સિવાયના) અલગ અલગ પ્રકારો હોય છે…

*** 

‘ખો’ ઉપવાસ :
જી હા ! વાજપેયીના રાજમાં કોંગ્રેસીઓએ દિલ્હીમાં આવા ઉપવાસો કર્યા હતા ! નામ પાડ્યું હતું ‘રીલે-ઉપવાસ’ ! એમાં શું કરતા હતા, ખબર છે ? એક ટીમ છ કલાક માટે ઉપવાસ કરે, પછી ખાવા જાય ! અને પછી બીજી ટીમ છ કલાક માટે ઉપવાસ પર બેસે !

*** 

પેટ ભરીને’ ઉપવાસ :
આ પણ કોંગ્રેસીઓની શોધ છે ! એ જ વાજપેયી રાજમાં કોંગ્રેસીઓ આખા દિવસના ઉપવાસ પર બેસતાં પહેલાં દિલ્હીના કોનોટ પ્લેસની રેસ્ટોરન્ટમાં પેટ ભરીને નાસ્તો કરતાં ‘ઝડપાયા’ હતા ! બોલો.

*** 

સદ્‌ભાવના’ ઉપવાસ :
એમ તો મોદી સાહેબ પણ કંઈ કમ નથી. ૨૦૦૨ના રમખાણો પછી તેઓ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના એરકન્ડીશન્ડ મંડપમાં જ્યારે ઉપવાસ ઉપર બેઠા હતા ત્યારે ‘એમની તરફ’ સદ્‌ભાવના દર્શાવવા માટે  ટ્રકો અને બસો ભરી ભરીને જે હજારો લોકોને લાવવામાં આવતા હતા એમના માટે ત્યાં જ ભરપેટ ભોજનની વ્યવસ્થા સાહેબે જ ગોઠવી હતી ! બોલો.

(જ્યારે  અહીં ? વાંગચૂક ફરિયાદ કરે છે કે ‘કમ સે કમ મારી સામે તો પકોડા ના ખાઓ ?’… કંટ્રોલ શીખો કંટ્રોલ !)

*** 

વેઈટ-લોસ’ ઉપવાસ :
આ મોડર્ન જમાનાના એવા ઉપવાસ છે જેને ‘ડાયેટિંગ’ જેવું રૂપાળું નામ આપવામાં આવ્યું છે. આમાં ભારે શરીર ધરાવતા લોકો ભૂખ્યા રહે તે તો સમજ્યા પણ પાતળી કાયા ધરાવતી સુંદરીઓ શા માટે આવાં કષ્ટ વેઠતી હશે ? (એ પણ કોઈ ‘બાધા’ લીધા વિના !)

*** 

‘અ-સ્વૈચ્છિક’ ઉપવાસ :
જે સરકારી કર્મચારીઓને ‘ખાવા’ બદલ સસ્પેન્ડ કરવામાં આવે છે તેમણે મહિનાઓ લગી ‘ખાવાનું’ બંધ કરવું પડે છે ! આ પણ એક જાતની મજબૂરીથી કરવા પડેલા ઉપવાસ જ છે ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments