જેન ઝિ ખાય છે પેંડા !

લો પેંડા ખાઓ ! ભારતમાં જેન-ઝિની પહેલી જીત થઈ છે ! શિક્ષણમંત્રીએ આખરે રાજીનામું આપી દીધું ! પણ એક મિનિટ… આખા આંદોલન દરમ્યાન એકેક્ટલી શું ચાલી રહ્યું હતું ? સાંભળો…

*** 

વિદ્યાર્થીઓ : ‘આ પેપર લીક થાય છે એનું કંઈ કરો ! ગુનેગારો કોણ છે ?’

મંચ ઉપરથી : ‘આઝાદી… આઝાદી…’

વિદ્યાર્થીઓ : ‘અરે, પેપર લીકની વાત કરો ને ?’

મંચ : ‘જય ભીમ ! જય ભીમ !’

‘પેપર લીકની વાત કરો ને ?’

‘અલ્લાહ તેરા નામ રહેગા…’

‘અરે, પેપર લીકની વાત કરો ને ?’

‘નેપાલ બના દેંગે ! સંસદ ઉખાડ દેંગે !’

‘પેપર લીકની વાત તો કરો ?’

‘રામ મંદિરે શું આપ્યું ?’

‘અરે યાર, પેપર લીકની વાત કરો ને ?’

‘સંવિધાન ઝિન્દાબાદ !’

‘ઓ ભાઈ ! પેપર લીક થાય છે…’

‘પ્રેમાનંદ મહારાજને મહારાજ કેમ કહો છો ? પ્રેમાનંદભાઈ બોલો ને ?’

‘ઓ… કોઈ પેપર લીકની વાત કરશો પ્લીઝ ?’

‘બ્રાહ્મણવાદ મુર્દાબાદ ! મનુવાદ મુર્દાબાદ !’

‘હલો, પેપર લીક-’

‘ઉમર ખાલિદ કા ક્યા કસૂર થા ?’

‘અરે મંચવાળાઓ ! પેપર લીકની વાત કરો ને ?’

(અચાનક વાતાવરણ બદલાઈ જાય છે)

મંચ ઉપરથી : ‘જીત ગયે ભઈ જીત ગયે ! સરકાર ઘુંટનો પર આ ગઈ ! ઝુકાનેવાલા ચાહિયે… ઝુકાનેવાલા ચાહિયે !! જીત ગયે ભઈ જીત ગયે !’

વિદ્યાર્થીઓ : ‘એ તો બરાબર, પણ પેપર લીકનું શું ?’

‘એ તો મોદી સરકારે સોલ્વ કરી દીધું ને ? દસ વરસની જેલ અને ૧ કરોડનો દંડ !!’

‘તો ભાઈલોગ, તમે આટલા દિવસથી શું કરી રહ્યા હતા ?’

‘અમે ? અમે તો આ મંચનો ઉપયોગ કરીને અમારા એજેન્ડા તમારી ‘જેન-ઝિ’ જનરેશન સુધી ઘૂસાડવાનું કામ કરી રહ્યા હતા!’

‘હેં ? એટલે તમે અમારો જ ઉપયોગ કરી લીધો ?’

‘લો. એમાં શું ? તમે લોકોએ પણ ઇન્સ્ટાગ્રામમાં હજારો રીલ્સ બનાવીને બહાદુરી બતાડી લીધીને ? હવે જલ્સા કરો ? ટાટા.. બાય બાય..’

‘હવે તમે ક્યાં ચાલ્યા ? અમને છોડી દીધા ?’

‘ના ના ! ફરી મળીશુંને ? તમે જેન-ઝિવાળા નવું કોઈ આંદોલન શરૂ કરો એટલી જ વાર ! અમે ફરી મંચ ઉપર હાજર હોઈશું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments