આજની નવી પેઢીને તો જુના રૂઢિપ્રયોગોમાં ટપ્પી જ પડતી નથી! તમે કહો કે ‘વાડ ચીભડાં ગળે’… તો એ લોકો ‘વાડ’ને ‘વાળ’ સમજશે ! ‘ચીભડાં’ તો એમણે જોયાં જ નથી !
અને ‘ગળે’ ? એનો અર્થ એમના ‘ગળે ઉતારતાં’ સાંજ પડી જાય!
એટલે, એમને સમજાય એ રીતે આ નવી ગાઈડ બનાવી છે…
***
‘માન ન માન મૈં તેરા મહેમાન’
જેને ને તેને ફ્રેન્ડ રિક્વેસ્ટો મોકલ્યા કરવી !
***
‘આંગળી આપીતો પોંચુ પકડ્યું’
ફ્રેન્ડ રિક્વેસ્ટ એસ્સેપ્ટ કરી તો રોજની બબ્બે ડઝન કોમેન્ટો ઠપકારવા માંડ્યો !
***
‘વખાણી ખિચડી દાંતે વળગી’
બે ચાર પોસ્ટ લાઈક કરી તો સીધો ‘આઈ લવ યુ’ સુધી પહોંચી ગયો !
***
‘ડુંગરા દૂરથી રળિયામણા’
ડીપીમાં તો છોકરી સારી જ દેખાય !
***
‘ખોદા પહાડ, નિકલા ચૂહા’
જ્યારે ‘એન્જલ પ્રિયા’ વાસ્તવમાં ‘અદરક પપ્પુ’ નીકળે !
***
‘હાથીના ચાવવાના જુદા અને દેખાડવાના જુદા’
અલગ અલગ બાર-પંદર યુઝર નેમ રાખવાં !
***
‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’
પોતાને છીંક આવી હોય તોય તેની પોસ્ટ મુકવી… અને પછી ફરિયાદ કરવી કે લોકો મારી પ્રાયવસીમાં ડોકિયાં કરે છે !
***
‘પાણીચું પકડાવી દેવું’
બ્લોક કરી દેવો !
‘જેવા સાથે તેવા’
એ બ્લોક કરે તો આપણે પણ એને બ્લોક કરી દેવી !
***
‘ધૂળ ઉપર લીંપણ’
બ્રેક-અપ કરી નાંખ્યા પછી સત્તરસો ને સાત વાર ‘સોરી’ના મેસેજો મોકલવા !
***
‘નવી ગિલ્લી નવો દાવ’
એક છોકરીએ ડ્રોપ કર્યો તો બીજીની પાછળ પડવું.
***
‘ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ’
દરેક ગ્રુપમાં વાહિયાત અને ફાલતુ પોસ્ટ મુકનારા હોય જ !
***
અને… ‘ગાંડાના અલગ ગામ ના હોય’
કેમકે મોબાઈલ તો બધા પાસે હોય જ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment