એક કાકાની ભેંસ ચોરાઈ ગઈ.
કાકા ગયા ગામના ચોકીદાર પાસે. કહ્યું કે, ‘મારી ભેંસ ચોરાઈ ગઈ છે. કંઈક કરો…’
ચોકીદાર કહે છે ‘કાકા, તમે તમારી ભેંસની ક્યાં માંડો છો ? કાલે રાતના મારી સરકારી બેટરી ચોરાઈ ગઈ ! ગામમાં મારી ઇજ્જતના ભડાકા થઈ ગયા છે ! પહેલાં મારી બેટરી મળે પછી વાત…’
કાકા ગયા તાલુકાના પોલીસ સ્ટેશને, કહ્યું કે ‘મારી ભેંસ ચોરાઈ ગઈ છે. રીપોર્ટ તો લખો ?’
ત્યાં બેઠેલો જમાદાર કહે છે ‘કાકા, તમારી એક ભેંસનું શું રડો છો ? અહીં રાતોરાત પોલીસ સ્ટેશનના ઓટલા પરથી ચાર બાંકડા ચોરાઈ ગયા છે ! અમે એ બાંકડા શોધીએ કે તારી ભેંસ?’
કાકા કહે ‘તો મારે જવું ક્યાં ?’
જમાદાર કહે છે ‘કલેક્ટર પાસે જાઓ, એ હુકમ કરશે તો કંઈક હલશે.’
કાકા પહોંચ્યા કલેક્ટરની ઓફિસે. અહીં તો મોટી ધાંધલ ધમાલ ચાલી રહી હતી. કાકા કહે ‘કલેક્ટર સાહેબ, મારી ભેંસ ચોરાઈ ગઈ !’
કલેક્ટર કહે, ‘કાકા, તમારી ભેંસ તો સમજ્યા, અહીં ઓફિસમાં હિસાબ રાખનારા તમામ કોમ્પ્યુટરો ચોરાઈ ગયાં છે ! હવે એ શોધું કે ભેંસ ?’
કાકા હવે પહોંચ્યા વિધાનસભ્યના બંગલે જઈને કહે છે કે ‘મારી ભેંસ પાછી અપાવો.’
વિધાનસભા કહે છે ‘કાકા, અહીં મારા બંગલામાં જ લાખોની ચોરી થઈ ગઈ છે. એ મારાં કાળાં નાણાં હતાં ! હવે એનું કરું કે તમારી ભેંસનું ?’
કાકા હવે ગયા મંત્રીજી પાસે. મંત્રીજી તો અડધી ફરિયાદ સાંભળતાં જ બગડ્યા, ‘કાકા, અહીં અમારી પાર્ટીના બાર વિધાયક ચોરાઈ ગયા છે ! અને તમે મને ભેંસ શોધવા કહો છો?’
કાકા કહે ‘તો મારે કરવું શું ?’
મંત્રીજી કહે ‘રામ જાણે, મને શું ખબર ?’
કાકાએ આ વિચારને તરત જ પકડી લીધો. એ તો ટ્રેનની ટિકીટ લઈને પહોંચ્યા અયોધ્યા ! ત્યાં જઈને બે હાથ જોડીને કહે છે:
‘ભગવાન ! મારી ભેંસ ચોરાઈ ગઈ છે… કંઈક કરો !’
ત્યાં તો કાકાને એક આકાશવાણી સંભળાઈ : ‘હે ભક્ત ! અહીં મારા જ મંદિરમાંથી પુરા ૨૦૦ કરોડ..’
- એ પછી કાકાને કંઈ સંભળાયું જ નહીં ! તમને સંભળાયું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment