વોટ્સએપમાં આટલું સુધારો !

વોટ્સએપમાં પેલું ‘યુઝર નેમ’ ફીચર આવવાનું છે તેની સામે સરકારને જે વાંધો હોય તે એ લોકો જાણે, પણ ભૈશાબ, મારા તમારા જેવા સામાન્ય યુઝરોની અમુક ખાસ ફરિયાદો દૂર કરવા માટે થોડા મામુલી સુધારા તો કરો ?

*** 

પહેલું તો પેલી બે ‘બ્લુ-ટિક’ થાય છે ને, એનું કંઈ કરો ! લોકો એમ સમજે છે કે બે બ્લુ-ટિક થઈ ગઈ એટલે સામેવાળાએ મેસેજ ‘વાંચી લીધો’ !

પણ એવું નથી ! એણે તો બીજો બધો શું શું કચરો આવ્યો છે એની ઉપર નજર મારવા માટે જસ્ટ ‘ખોલ્યું’ છે ! તમારી પોસ્ટ ખરેખર ‘વાંચી’ છે ? ખરેખર તમારો વિડીયો ખોલીને ‘જોયો’ છે? જો એવું થયું હોય તો એના માટે બે ‘ગ્રિન-ટિક’ કરવાનું રાખો. ભૈશાબ.

કમ સે કમ જેમને આપણી પરવા જ નથી એમને મોકલવાનું બંધ તો કરીએ ? શું કહો છો.

*** 

બીજું ખાસ એ કરો કે અમે કોઈ મેસેજ ડિલીટ કર્યો હોય તો આખા ગામને દેખાય એ રીતે ‘ધીસ મેસેજ વોઝ ડિલીટેડ’ એવું લખવાનું બંધ કરો !

કેમકે એવું વાંચીને સામેવાળાના દિમાગમાં સતત સળવળ-સળવળ થયા કરે છે કે સાલાએ શું છેકી નાંખ્યું હશે ? જરૂર મારા વિશે (કે મોદીજી વિશે) કંઈક ખરાબ લખ્યું હશે !

ફેમિલી ગ્રુપોમાં તો આના લીધે સાસુ-વહુઓ, વેવાણો, નણંદો, ભાભીઓ અને ભાભી-ભત્રીજીઓમાં મોટા મોટા કંકાસ ઘૂસી ગયાં છે !

ફક્ત એટલું કરો કે ડિલીટ એટલે ડિલીટ ! એનો ઢંઢેરો નથી પીટવાનો !

*** 

ત્રીજું ખાસ એ, કે સત્તર વાર જોયો હોય એવો વિડીયો ખોલીઓ ત્યારે જ ખબર પડે છે કે ‘ધત્તેરી ! આ તો જોયેલું છે !’
એનાં કરતાં એવું ફીચર કરી આપો (તમારા એઆઈ વડે) કે ફોટો અથવા વિડીયો સાથે જ લખેલું આવે કે ‘સાવધાન… આ ફોટો/વિડીયો તમે અગાઉ દસ વાર જોઈ ચૂક્યા છો !’

*** 

અને ચોથું… તમારું ‘એઆઈ’ તો બીજા ‘એઆઈ’ને ઓળખી શકે ને ? તો મારા સાહેબો, જ્યારે પણ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો (ખાસ તો સાવ બોગસ ફેક ન્યુઝ) હોય તો એની સાથે ‘વંચાય તેવા’ જાડા અક્ષરે લખેલું આવે કે ‘આ આખું એઆઈ વડે બનાવેલું છે ! માનવું જ હોય તો ભોગ તમારા !’

***

- મન્નુ શેખચલ્લી

Comments