'પુર-તંત્ર'ના ફેક બુલેટિન !

એક હોય છે સ્વ-તંત્ર અને બીજું હોય છે પુર-તંત્ર ! સ્વતંત્રમાં બધું આપણે જાતે જ કરવાનું હોય છે. જ્યારે પુરતંત્રમાં જે કંઈ કરવાનું છે તે પુર જ કરે છે !

તો સાંભળો એ પુરતંત્રના મનોરંજક ફેક બુલેટીન…

*** 

ગાંધીનગરના એક સરકારી પ્રવકતાએ જણાવ્યું હતું કે, સુરતમાં પુર રોકવા માટે જે કરોડો રૂપિયા ખર્ચાયા હતા તે પાણીમાં ગયા છે એ વાત સદંતર ખોટી છે કેમકે સુરત કોર્પોરેશનમાં સૌ જાણે છે કે એ રૂપિયા ક્યાં ગયા છે !

*** 

હવે પછી પુર સંકટ ઊભું થાય તો તમે ઘરે બેઠાં ઓનલાઈન હોડી મંગાવી શકો તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે !
આ એપમાં હોડી બુક કરતાંની સાથે જ માત્ર ૧૫ મિનિટમાં તે હોડી તમારા લોકેશન ઉપર પહોંચાડી દેવામાં આવશે. 

અહીં માત્ર એટલું જ ધ્યાન દોરવાનું કે હોડીની ડિલીવરી કરવા માટેનાં હેલિકોપ્ટર જો બગડેલાં હશે તો તમારે ટેમ્પો મોકલીને હોડી મંગાવી લેવાની રહેશે.

*** 

શહેરના વેપારી એસોસિએશનોએ એવી માગણી કરી  છે કે સરકાર જે રીતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી વગેરેની ખરીદી કરે છે એ જ રીતે અમારી દુકાનોનો બગડી ગયેલો માલ સામાન પણ ટેકાના ભાવે ખરીદી લેવામાં આવે.

વેપારીઓએ સરકારના ત્યાં સુધી સહકાર આપવાની ઓફર આપી છે કે જે રીતે મગફળીની ગુણોમાં ભૂસું ભરી આપવામાં આવે છે એ જ રીતે અમે પણ અમારા માલસામાન ઉપર એકસ્ટ્રા પાણી અને કાદવ કીચ્ચડ નાંખી આપીશું, જેથી એનું વજન વધારે થાય !

*** 

ભાજપના એક નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું છે કે સુરત શહેરમાં જે પુરની સ્થિતિ ઊભી થઈ એની પાછળ બહુ મોટી વિદેશી કાવતરું હતું.

નેતાજીના કહેવા મુજબ સુરતની ખાડીઓ આટલી બધી ઉભરાઈ ગઈ તેની પાછળ અમુક ચોક્કસ ‘ખાડીના’ દેશોનો દોરીસંચાર હતો !

વધુ મનોરંજક માહિતીઓ માટે સાંભળતા રહો, અમારાં અક્કલ વગરનાં ફેક બુલેટીન…

***

- મન્નુ શેખચલ્લી

Comments