નેતાઓ માટે પુર 'પછીની' સૂચનાઓ !

ચાલો, ધનાધન વરસાદ તો હવે થંભી રહ્યો છે પરંતુ હવે જે સલામતી માટેની સૂચનાઓ છે તે જનતા માટે નહીં, પણ નેતાઓ માટે છે ! વાંચી લેજો…

*** 

‘હવાઈ’ નીરીક્ષણનો સમય તો ગયો ! પણ હવે ‘જમીની’ નીરીક્ષણ માટે અમુક વિસ્તારોમાં જવા જેવું નથી ! કેમકે ત્યાંની જમીન ઉપર ‘પગ’ મુકવા જતાં પગમાં પહેરવાની ચીજો ‘માથા’ ઉપર ફેંકાય તેવી શક્યતા છે !

*** 

પૂર વખતે સરકારે જનતાને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી ને ? હવે પૂર ઓસરી ગયાં પછી તમારે પણ ‘સલામત સ્થળે’ ખસી જવાની જરૂર છે ! નહીંતર…

*** 

પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદનો દેખાવ કરવા માટે કારમાં ધસી જતી વખતે ગૂગલ મેપ ઉપર બહુ ભરોસો રાખવો નહીં, કેમકે તમે જેનું ઉદ્‌ઘાટન કર્યું હોય એ જ પૂલ ત્યાંથી ગાયબ હોઈ શકે છે !

*** 

અતિવૃષ્ટિ વખતે હવામાન ખાતાએ જે રીતે ‘ભયજનક’ વિસ્તારોની જાહેરાત કરી હતી, એ જ રીતે પાર્ટી કાર્યાલયે પૂર ઓસરી ગયા પછી નેતાઓ માટે જે સ્થળો ‘ભયજનક’ છે તેનું ખાનગી લિસ્ટ બહાર પાડ્યું છે ! તે જોઈ લેવું… દાખલા તરીકે સુરત શહેર ‘ભયજનક’ છે !

*** 

ફોટા પડાવવા માટે તમે કીચ્ચડ ઉલેચી રહ્યા છો એવા ફોટા પડાવવાનો ઉત્સાહ આવતો હોય તો કંટ્રોલ કરજો ! કીમકે ‘કીચ્ચડ ઉછાળ્યું’ વગેરે સોશિયલ મિડીયાની પોસ્ટમાં જ લખવાનું ઈઝી પડે છે !

*** 

અને હા, ફ્લડ-ટુરિઝમ કરવાનો શોખ ઉપડે તો પણ કંટ્રોલ.. કેમકે ડમ્પર, ટ્રેકટર કે જેસીબીમાં બિરાજીને નીકળવા જશો તો તમારી ‘રીલ’ ઉતરી જશે !

*** 

અને ભઈ, ‘આફતમાં અવસર’ શોધવાનું બધાને ના ફાવે, સમજ્યા ? એટલે ચૂપચાપ સરકારી બંગલામાં ભરાઈને બેસી જ રહેજો !

*** 

છતાં વાહ વાહ લૂંટવાનો વિચાર આવે તો, પોતે જ ‘ભાજપના નેતા હોવા છતાં’ સરકારી તંત્રો સામે ગરમાગરમ બળાપા કાઢો ! જનતા બિચારી કન્ફ્યુઝ થઈ જશે…

***

- મન્નુ શેખચલ્લી

Comments