'એન ઈવનિંગ ઈન પેરિસ'માં શર્મિલા ટાગોરનો 'બિકીની બોમ્બ' !

૧૯૬૬ની વાત છે. ‘ફિલ્મફેર’ મેગેઝિનની ઓફિસમાં એક યુવતી પ્રવેશે છે. તે પ્રખ્યાત નોબેલ પ્રાઇઝ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની દૂરની ભત્રીજી છે, તેણે ખ્યાતનામ આર્ટ ફિલ્મ મેકર સત્યજીત રેની એક ખુબ જ વખાણાયેલી ફિલ્મમાં હિરોઈનનો રોલ પણ કર્યો છે.

આ યુવતી આવીને કહે છે ‘તમારા મેગેઝિન માટે મારે ફોટા પડાવવાના છે ને ?’ ઓફિસમાં બેઠેલા ફોટોગ્રાફર ધીરજ ચાવલા કહે છે ‘યસ, હું જ તમારા ફોટા પાડવાનો છું પણ તમે તમારાં કોસ્ચ્યુમ સાથે નથી લાવ્યાં ?’

જવાબમાં તે યુવતી પોતાની નાનકડી શોપિંગ બેગમાંથી જે વસ્ત્રો કાઢે છે તે એક જ ખોબામાં સમાઈ જાય તેટલાં નાનાં છે ! જી હા, એ બ્લેક કલરની ‘ટુ-પિસ’ બિકીની છે ! 

આ જોતાંની સાથે જ બધા ચોંકી જાય છે. ફોટોગ્રાફર પૂછે છે ‘આર યુ શ્યોર ?’ યુવતી સ્માઈલ સાથે કહે છે ‘યસ, વ્હાય નોટ?’

એ યુવતીનું નામ હતું : શર્મિલા ટાગોર ! ૧૯૬૬માંજ્યારે ‘ફિલ્મફેર’ મેગેઝિનના કવર ઉપર, અને અંદરના પાને એ મોટી મોટી તસવીરો છપાઈ ત્યારે મુંબઈની ઇન્ડસ્ટ્રીમાં તો ઠીક, આખા દેશમાં હલચલ મચી ગઈ હતી ! એ જમાનામાં આ ઘટનાને ‘બિકીની બોમ્બ’નું નામ આપવામાં આવ્યું હતું !

પણ એના પછી જ્યારે ૧૯૬૭માં ‘એન ઇવનિંગ ઇન પેરિસ’ રીલિઝ થઈ ત્યારે એ બોમ્બના ધડાકાની જબરદસ્ત અસર બોક્સ ઓફિસ ઉપર વર્તાઈ હતી ! કેમકે ‘આસમાન સે આયા ફરિશ્તા’ ગાયનમાં શર્મિલાટાગોરે આખા ગીત દરમ્યાન માત્ર બિકીની જ પહેરેલી હતી, (જોકે ટુ-પિસ નહીં, વન-પિસ હતી.)

આ ‘બિકીની-બોમ્બ’ની અસર બે-ધારી થઈ હતી ! એક, જે પ્રેક્ષકો ‘લાળપાડુ’ ટાઈપના હતા તે તો બ્લેકમાં ટિકીટો લેવા પડાપડી કરી રહ્યા હતા ! પણ જેને ‘ફેમિલી ઓડીયન્સ’ કહેવાય એવા પ્રેક્ષકો થિયેટરથી પણ આઘા ચાલીને પસાર થવા લાગ્યા !

આનું કારણ શું ? કારણ એટલું જ કે નિર્માતા દિગ્દર્શક શક્તિ સામંતે આ ફિલ્મનાં પોસ્ટરો અને મોટા મોટા બેનરોમાં પેલી બિકીનીવાળી તસવીર તો છપાવી જ હતી, ઉપરથી મોટા ઉપાડે એવી પબ્લિસીટી કરેલી કે ‘જુઓ.. ભારતીય સિનેમાના પરદે… પહેલીવાર કોઈ હિરોઈન બિકીનીમાં...!’

આમાં ને આમાં શક્તિ સામંતે જેને બ્લોક-બસ્ટર હિટ થવાની કલ્પના રાખી હતી તેમાં મોટું ગાબડું પડી ગયેલું ! જોકે પોતાનો કે શર્મિલાનો વાંક સ્વીકારવાને બદલે શક્તિદાએ શમ્મીકપૂર ઉપર ભડાસ કાઢેલી કે ‘તું જાડીયો લાગે છે આખી ફિલ્મમાં ! એટલે જ ધાર્યો નફો ના થયો !’

હકીકતમાં તો, જો શમ્મીકપૂર ના હોત તો ફિલ્મનું બજેટ જ બમણું થઈ ગયું હોત ! કેમકે ‘સંગમ’ (૧૯૬૪) પછી ‘ફોરેન’માં શૂટિંગ થયું હોય એવી ફિલ્મોની વણઝાર શરૂ થઈ ગયેલી. 

‘લવ ઇન ટોકિયો’ ‘નાઇટ ઇન લંડન’ ‘આંખે’ અને ખુદ રાજકપૂરની ‘એરાઉન્ડ ધ વર્લ્ડ’ આ ત્રણેય ફિલ્મો એજ વરસે રિલીઝ થઈ હતી. અને બોક્સ ઓફિસ પર હરિફાઈમાં હતી.

બીજું એ કે ‘બિકીની’તો રાજકપૂરે વૈજયંતિમાલાને ‘સંગમ’માં પહેરાવી જ દીધેલી, પણ હા, કમર નીચેનો ભાગ ખાસ બતાડ્યો નહોતો. છતાં બિકીની-ફેક્ટર છોડો, તો શમ્મીકપૂરે ફિલ્મનું બજેટ શી રીતે બચાવ્યું હતું ?

તો વાત એમ હતી કે ફોરેનના શૂટિંગ માટે શક્તિ સામંત અહીંથી માંડ ૧૦-૧૨ જણાની ટીમ જ લઈને ગયેલા, છતાં તમે ફિલ્મમાં ખાસ તો ગાયનોમાં જોજો કે કેટલું બધું શૂટિંગ ખુલ્લેઆમ પેરિસની સડકો ઉપર થયું છે ! હવે આમાં શમ્મીકપૂર હોવાનો મોટો ફાયદો એ હતો કે લગભગ દરેક શોટમાં, ખાસ રિહર્સલો કર્યા વિના, પોતાની સ્પેશીયલ લટકા ઝટકાવાળી અદાઓથી શમ્મીકપૂર જે શોટ આપતો તે મોટે ભાગે પહેલા જ ટેકમાં ‘ઓકે’ થઈ જતા હતા ! (કલ્પના કરો, અહીં વિશ્વજીત જેવું પૂતળું હોત તો શું થાત ?)

એમાંય, શમ્મીકપૂરનું કમિટમેન્ટ તો જુઓ ? પેલા ‘આસમાન સે આયા ફરિશ્તા’માં હેલિકોપ્ટરની નીચે લટકવાનું હતું, તેના શોટ્સ માટે ‘બોડી-ડબલ’ની ધરાર ના પાડી દીધી ! અને બોસ જાતે જ હવામાં લટક્યા !

એ ગાયનના શૂટિંગ વખતે બીજો લોચો એ થયો કે હેલિકોપ્ટરના પંખાના અવાજમાં શમ્મીજીને નીચે બોટમાંથી વાગી રહેલું ગાયન સંભળાતું જ નહોતું ! તો હોઠ કઈ રીતે ફફડાવવા ? 

અહીં રસ્તો શક્તિ સામંતે કાઢ્યો હતો. એ નીચે બોટમાં ઊભા રહ્યા અને વાગી રહેલા ગાયન સાથે પોતે જ મોટે મોટેથી ગાવા લાગ્યા ! બસ, શમ્મી કપૂરને તો શરૂઆતના બે શબ્દોની જ ‘ક્યૂ’ જોઈએ ને ? બાકીની લાઈનો તો ‘મોઢે’ જ હોય !

કહે છે કે ‘રાત કે હમસફર’ ગાયન માત્ર એક જ રાતમાં શૂટ થઈ ગયેલું ! (કેમકે નાઈટ-શૂટિંગની પરમિશન એક જ રાત માટે મળી હતી.) શર્મિલાજી આજે પણ એ તમામ ગાયનોનાં શૂટિંગને યાદ કરતાં કહે છે:

‘શમ્મી કપૂરનું કંઈ કહેવાય નહીં ! રિહર્સલમાં કંઈ કરે અને શૂટિંગ ચાલુ થાય ત્યારે કંઈ બીજું જ કરે ! ઘડીકમાં ડાબી બાજુથી આવી ચડે, તો ઘડીકમાં જમણી બાજુથી ! મારે ભાગે તો લટક મટકની ચાલ જ ચાલુ રાખવાનું આવતું હતું !’

તમે યુ-ટ્યુબમાં ફિલ્મ જુઓ તો ચકાચક દૃશ્યો માટે માત્ર સિનેમેટોગ્રાફર વી. ગોપી ક્રિશ્ના જ નહીં, પણ ખાસ કલર કન્સલ્ટન્ટ ‘જે. એફ. વાન ડેર ઓવેટા’ નામના ટેક્નિશિયનને પણ દાદ આપજો. કેમકે ઇસ્ટમેન કલરમાં શૂટ થયેલી નેગેટિવનું પ્રોસેસિંગ જ્યારે ભારતના ‘ફિલ્મ સેન્ટર’ નામની લેબમાં થતું હતું ત્યારે આ વિદેશી શ્રીમાન રંગોની દેખરેખ માટે જાતે હાજર રહ્યા હતા ! બોલો !

આજે યુરોપમાં અસહ્ય ગરમીને કારણે હજારોનાં મોત થયાનાં સમાચારો સાંભળીને આપણે દેશીઓ ભલે છાતી ફુલાવીએ કે ‘બોસ જોયું ? ગરમી તો અમે જ સહન કરી શકીએ… ધોળિયાઓનાં કામ નહીં !’ 

પણ બીજી બાજુ ‘હોગા તુમ સે કલ ભી સામના’ ગાયનમાં, જેમ માખણમાં છરી ચાલતી હોય એ રીતે, ડઝનબંધ સ્કુટરો મસ્ત લીસ્સા ડામોર રોડ ઉપર સરકતાં જતાં દેખાય છે (અને શૂટિંગ કરી રહેલા કેમેરાને પણ એક નાનો સરખો આંચકો નથી લાગતો) એ જોઈને સાલું, રીતસર જલી જવાય છે કે ‘આટલી ઇમાનદારીથી રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો આપણા દેશમાં ક્યારે પેદા થશે ?’

***

ફિલ્મની જાણી અજાણી વાતો 

* ‘એન ઇવનિંગ ઇન પેરિસ’નું શૂટિંગ પેરિસ ઉપરાંત સ્વીટ્ઝરલેન્ડ, બૈરૂત અને કેનેડાના પ્રખ્યાત નાયગ્રા ધોધનાં લોકેશનો ઉપર થયું હતું.

* શર્મિલા ટાગોર ડબલ રોલમાં છે. બીજો રોલ જે ‘હેલન-ટાઈપ’નો છે તેમાં તેમણે ઉઘાડાં અંગો ઉપર હેલનની જેમ સ્કીન કલરનાં જાળીદાર વસ્ત્રો પહેર્યાં જ નથી !

* ગાયિકા શારદા, જેના લીધે શંકર અને જયકીશન વચ્ચે તીરાડ પડી હતી તેને શંકરજી હંમેશાં બાલમંદિરના બાળકો ગાઈ શકે એવી સિમ્પલ ટ્યૂનો જ બનાવી આપતા હતા. અહીં ‘લે જા લેજા મેરા દિલ….’ એવું જ 'બાળગીત' છે ! જે ‘કેબ્રે ડાન્સર’ ઉપર ફિલ્માવાયું છે !

* ૧૯૬૭માં ટોપ ટેન કમાણીના ચાર્ટમાં આ મસ્ત ફિલ્મ આઠમા નંબરે હતી. અને સાવ રેઢિયાળ ‘એરાઉન્ડ ધ વર્લ્ડ’ દસમા નંબરે હતી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી 

Comments

  1. સુમંતરાય વશી. શિકાગો.

    ReplyDelete

Post a Comment