વરસાદમાં પલળેલી છૂટક શાયરીઓ !


દોસ્તો, આ માત્ર શાયરીઓ નથી, આ તો અલગ અલગ ‘સિચ્યુએશનો’ છે ! વાંચતી વખતે એની પણ કલ્પના જોડેજોડે કરવા વિનંતી છે…

*** 

કોને હતી એવી ખબર
પ્રારબ્ધો વાંકા હશે
છત્રી ખોલું ત્યાં નાનાં-મોટાં
સો-બસ્સો કાણાં હશે !

(વાહ વાહ)

*** 

આખેઆખો… કોરેકોરો…
સાંગોપાંગ… નીસરી ગયો છું
પાણી ખૂટ્યું શાવરનું,
નાહ્યા વિના જ નીકળી ગયો છું !

(ક્યા બાત હૈ)

*** 

વરસાદ છે, શું આવશે ?
યાર, આવશે તો આવશે જ…
ચેક થોડો છે કે
‘બાઉન્સ’ થઈ પાછો જશે ?

(બહુ ફાલતુ હતી.)

*** 

માત્ર મારી જ આંખો
રડી નથી વરસાદમાં
ભીંતો ઉપર પણ ટીપાંઓ
જામ્યાં છે કોઈ દર્દનાં !

(ઊંચી લાયા, હોં ?)

*** 

ઘૂંટણ સમાણા પાણીમાં
કેવી એ સાહ્યબી હતી
મોંઘી કારો ફસાઈ ગઈ
પણ મારી સીટ બસમાં હતી !

(જીયો… મેરે લાલ !)

*** 

ઋણ ગયા જનમનું
રિઝર્વ બેન્કનું જ હતું
પલળી ગઈ નોટ પચાસની
પણ, ચિલ્લર… સાબૂત હતું !

(કયા બાત હૈ, વાહ !)

*** 

દુનિયાની આ રીત
અવળચંડી લાગે છે
બંગલાવાળી ‘લોન’
વરસાદ માગે છે…
ને વરસાદવાળાં ખેતરો
‘લોન’ માગે છે !

(જબરી ફિલોસોફી, હોં ?)

*** 

અંબાલાલે પણ ‘રીલ’થી
કેવો સતાવ્યો છે મને
વર્તારો હોય ઉઘાડનો
ત્યારે જ પલાળ્યો છે મને !

(ઓહોહો, એવું છે ?)

*** 

ઉપરવાળાની કૃપા છે
મુજ ઉપર ‘મન્નુ’
છત ટપકતી રહે છે
વરસાદ રહી ગયા પછી !

(દૂબારા… દૂબારા….)

***

- મન્નુ શેખચલ્લી

Comments