ગુજરાતીમાં વરસો જુનો મહાવરો છે કે ‘બારે મેહ ખાંગા થયા’… પરંતુ આજના જમાનામાં એ બાર પ્રકારનાં વરસાદનાં લક્ષણો બદલાઈ ગયાં છે ! જુઓ…
***
(૧) ‘અમી છાંટણાં’ મેહ
આ એકમાત્ર વરસાદ એવો છે જેનાં હંમેશાં વખાણ થાય છે. (ભલે માત્ર ૨૦૦ ટીપાં પડે તોય) કેમકે રથયાત્રામાં જો છાંટા પડે તો તેને અમી છાંટણાં કહે છે.
***
(૨) ‘પોલ-ખોલ’ મેહ
છાપાં અને ટીવીની ન્યુઝ ચેનલોના હિસાબે સિઝનનો પહેલો વરસાદ ‘સરકારી તંત્રોની પોલ ખુલી ગઈ’ એવું કહેવડાવવા માટે જ આવતો હોય છે !
***
(૩) ‘ટ્રાફિક-જામ’ મેહ
રોડની બન્ને સાઈડે માત્ર દોઢ ઇંચ ઊંડું પાણી ભરાયું હોય છતાં એમાં ‘ડૂબી મરવાના’ ડરથી સેંકડો વાહનો તેનાથી દૂર રહે છે ! આ માત્ર અડધો ઇંચનો વરસાદ ‘ટ્રાફિક-જામ’ કરવા જ આવે છે ! સમજ્યા ?
***
(૪) ‘પાણી ઘૂસ્યાં’ મેહ
એક તો નીચાણવાળા વિસ્તારમાં આખી સોસાયટી બાંધીને બેઠા છીએ, પછી એમાં પાણી ઘૂસી જાય… તો બોલો, ‘ઘૂસ’ કોણે મારી કહેવાય ? માણસે કે વરસાદે ?
***
(૫) ‘આગાહી’ મેહ
હવામાન ખાતાની (અને અંબાલાલની) આગાહી મુજબ જે ‘આજ્ઞાંકિત’ વરસાદ પડે છે તે !
***
(૬) ‘રેકોર્ડ તોડ’ મેહ
નવસારી વલસાડ જેવા જિલ્લાઓમાં તો ૨૪ કલાકમાં ૧૦-૧૨ ઇંચ વરસાદ પડે જ છે ! પણ બીજાઓ માટે તે ‘રેકોર્ડ’ છે !
***
(૭) ‘વોટ્સએપ’ મેહ
આમાં મુંબઈનો વરસાદ દર વખતે મેદાન મારી જાય છે ! ગુજરાતવાસીઓ માટે તો વાસી ફોટા અને જુનાં રીલ્સ જ આવે છે.
***
(૮) ‘કાવ્ય સર્જન’ મેહ
સોશિયલ મિડીયાના ‘દાદૂર’ ભીની ખુશ્બુના સમાચાર આવતાં જ જે કવિતાઓ કરવા માંડે છે, તે ! (બાય ધ વે, ‘દાદૂર’ એટલે દેડકા, હોં !)
***
(૯) ‘હવાઈ નીરીક્ષણ’ મેહ
નેતાજી વિમાનની બારીમાંથી નીચેનું બ્રાઉન કલરનું પાણી જોતા હોય એવા ફોટા પડાવવાની તક આપતો વરસાદ…
***
(૧૦) ‘રાહત સામગ્રી’ મેહ
ચૂંટણીઓ નજીક હોય ત્યારે રાજકીય કાર્યકરો ખાસ આ પ્રસંગની રાહ જુએ છે ! કેમકે ‘આફત’ એ જ અવસર !
***
(૧૧) ‘સેલ્ફી’ મેહ
આના માટે બે સ્થિતિ જરૂરી છે. (૧) વરસાદ ઓછો હોવો જોઈએ, અને (૨) મોબાઈલ ખરેખર વોટરપ્રુફ હોવો જોઈએ !
***
(૧૨) ‘કેરળ’ મેહ
ખરેખર તો આને પહેલા નંબરે મુકવો જોઈએ કેમકે આખો દેશ એ ન્યુઝની રાહ જુએ છે કે ‘કેરળમાં ચોમાસાની પધરામણી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment