આપણાં ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં ત્યાંના લોકોની જેમ જ, વરસાદનો મિજાજ પણ અલગ અલગ છે ! જુઓ…
***
અમદાવાદનો વરસાદ :
અહીંનો વરસાદ કંજૂસ શેઠીયા જેવો છે ! એક તો પગાર મોડો મોડો આપે, ઓછો આપે... અને બોનસ તો ખુબ જ ટટળાવ્યા પછી પણ આપે જ નહીં ! ઉપરથી શેઠની જેમ મિજાજ તો બારેમાસ ગરમ જ હોય !
***
રાજકોટનો વરસાદ :
વઢકણી સાસુ જેવો છે ! વરસે એ પહેલાં તો દિમાગની ગરમી વડે ભેજું ફેરવી નાંખે… પછી વરસે ત્યારે આખું ફળિયું ગાજે એ રીતે ધમધમાટ કરી મુકે ! એ પછી?... સતત ઝીણો ઝીણો કકળાટ તો ચાલું જ રહે !
(એટલે જ, રાજકોટવાસીઓ પણ મોં ચડાવેલી વહુની જેમ વરસાદનાં કદી વખાણ કરતા નથી.)
***
સુરતનો વરસાદ :
આ અમીર બાપના બગડેલા નબીરા જેવો છે ! વરસે ત્યારે બિન-જરૂરી વેડફાટ કરે… બગાડ પણ બહુ કરે… છતાં રૂઆબ તો એવો કરે કે જાણે પોતે કોઈ રાજ-રજવાડાના મોટા પ્રિન્સ હોય !
અને આટલા બધા અપલક્ષણો છતાં આપણે એનાં વખાણ તો કરવાં જ પડે ! નહીંતર ઘરમાં ઘૂસી ઘૂસીને દાદાગીરી કરે છે !
***
મુંબઈનો વરસાદ :
આ તો કોઈપણ વીઆઈપી, ફિલ્મ સ્ટાર કે સેલિબ્રિટી જેવો હોય છે ! એક તો ગુજરાત સહિત આખા દેશના લોકોને ખાસ્સી રાહ જોવડાવ્યા પછી જ આવશે ! અને આવે ત્યારે આગ્રહ હોય કે તમે એનાં રીલ્સ બનાવો, એની ઉપર ગાયન બનાવો અને વિડીયો વાયરલ કરો ! (વ્યુઝ જોઈએ છે, વ્યુઝ.)
જોકે સુપરહિટ મુવીની જેમ આખી સિઝન ‘હાઉસફૂલ’ તો રાખે જ છે. અને હા, મુંબઈગરા લોકો ધક્કે ચડે, ફસાઈ જાય, હેરાન પરેશાન થાય છતાં ‘ડાઈ-હાર્ડ ફેન’ની જેમ એનાં જ વખાણ કરે છે !
***
ગાંધીનગરનો વરસાદ :
એનું દર વરસે નક્કી જ હોય છે, સરકારી અધિકારીઓ અને નેતાઓની જેમ જ, પુરા ૩૦ ટકા કમિશન કાપી લીધા પછી જ વરસે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment