એક મજેદાર ન્યુઝ એવા સાંભળ્યા કે હવે સરકાર દ્વારા ખાસ મહિલાઓ માટે શરાબની દુકાનો ખોલાશે ! જો ખરેખર આવું હશે તો ?...
***
મહિલાઓ વ્હીસ્કીની બોટલ જોઈને કહેશે : ‘આમાં બીજો કલર નથી ?’
***
એ તો ઠીક, ‘વોડકા’ની બોટલ હાથમાં લઈને પૂછશે. ‘આ જ આઈટમમાં પિંક કલર બતાડો ને ?’
***
દુકાનદાર કહેશે કે ‘મેડમ, વોડકા તો ફક્ત વ્હાઈટમાં જ આવે !’ ત્યારે મેડમ કહેશે : ‘અચ્છા, બેસણામાં પીતા હશે. નહીં ?’
***
બાટલીઓની કિંમત મિનિમમ ત્રણથી ચાર ગણી રાખી હશે. કેમ કે દુકાનદાર જાણતો જ હોય કે બહેનો ભાવમાં રકઝક કરવાની જ છે !
***
કોઈ તો કહેશે : ‘હું તમારી જુની ઘરાક છું ! સાવ નાની હતી ત્યારથી તમારી દુકાને જ આવતી હતી !’
***
અને તમે જોજો, દરેક મહિલા ગ્રાહક પૂછશે ‘આમાં કોઈ સ્કીમ નથી ? કમ સે કમ દરેક બાટલી જોડે ૫૦૦ ગ્રામ ચવાણાનું પેકેટ તો ફ્રીમાં આપો ?’
***
ખુબ રકઝક પછી, પચ્ચીસ જાતની બાટલીઓ કઢાવ્યા પછી, છેવટે એક ક્વાટરીયું ખરીદીને કહેશે : ‘જો ચડશે નહીં તો પાછું આપી દઈશ !’
***
લગભગ દરેક મહિલા આગ્રહ રાખતાં કહેશે. ‘પહેલાં ચખાડો ! પછી વિચારું !’ (આમાં ને આમાં દોઢ પેગ પી જશે.)
***
રેગ્યુલર ઘરાક તો કહેશે ‘ખાલી બાટલી તમને પાછી આપીએ તો કેટલા આપશો ? કેમકે લેબલ તો ઓરીજીનલ જ છે !’
***
જાગૃત ગ્રાહકની જેમ જરૂર પૂછશે : ‘આમાં કેટલા કલાક સુધી ટલ્લી રહેવાની ગેરંટી છે ?’
***
…. અને ૮૦ વરસ જુની વાઈનની બોટલનો ભાવ સાંભળતાં જ ભડકી જશે : ‘એક તો એકસ્પાયરી ડેટ પછીનો વાસી માલ આપો છો, અને ઉપરથી ‘એન્ટિક’નો ભાવ લગાડો છો ? ભઈ, આ અમારે પીવાની છે, કંઈ શો-કેસમાં મુકીને બધાને બતાડવાની નથી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment